Aapnu Gujarat
ગુજરાત

રાજયભરમાં દિવાળી-બેસતા વર્ષના પર્વની હર્ષોલ્લાસની સાથે ઉજવણી

રાજયભરમાં નાગરિકોએ દિવાળી-બેસતાવર્ષ અને ભાઇબીજના તહેવારની ઉજવણી કરી હતી. લોકોએ ભારે હર્ષોલ્લાસ સાથે મીની વેકેશન જેવી ત્રણ દિવસની રજાઓના માહોલમાં તહેવારની જોરદાર ઉજવણી કરી હતી. ફટકડા-આતશબાજીની સાથે સાથે ઘેર-ઘેર દિવડા પ્રગટાવી, ઝળહળતી રોશની કરી લોકોએ જીવનમાં અનોખા ઝગમગાટ અને નવી ઉર્જા સાથે પર્વની ખુશીઓ સાથે ઉજવણી કરી હતી. ખાસ કરીને મહિલાઓ, નાના બાળકોએ તહેવારોનો વિશેષ આનંદ માણ્યો હતો. લોકોએ એકબીજાને મોં મીઠું કરાવી ગળે મલી નૂતનવર્ષાભિનંદન-સાલ મુબારક પાઠવ્યા હતા તો, મોબાઇલ, સોશ્યલ મીડિયા મારફતે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી શુભેચ્છા સંદેશનો મારો ચલાવ્યો હતો. ખાસ કરીને યંગસ્ટર્સ મોબાઇલ પર વ્યસ્ત રહ્યા હતા. બીજીબાજુ, કેટલાક શ્રધ્ધાળુ નાગરિકોએ તો, દિવાળીના તહેવારોની રજાઓમાં રાજયભરના મંદિરોમાં ખાસ કરીને અંબાજી, ડાકોર, દ્વારકા, સાળંગપુર કષ્ઠભંજન દેવ, સોમનાથ મહાદેવ સહિતના યાત્રાધામોમાં દેવી-દેવતાઓના દેવી-દેવતાઓના દર્શન માટે પડાપડી કરી હતી. દિવાળી-બેસતાવર્ષના તહેવારને લઇ વિવિધ મંદિરોમાં દેવી-દેવતાઓના અન્નકુટ અને યજ્ઞ-પૂજનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. લાખો શ્રધ્ધાળુ ભકતોના ઘોડાપૂરને લઇ રાજયભરના મંદિરો અને યાત્રાધામોમાં જનસમુદાયની ભારે ચહલપહલ વર્તાઇ હતી. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં દિવાળી, બેસતાવર્ષ અને ભાઇબીજના તહેવારને લઇ વહેલી સવારથી જ નાના બાળકોથી માંડી અબાલ વૃધ્ધ સૌકોઇ નવા કપડા પહેરી તૈયાર થઇ ગયા હતા. બેસતાવર્ષના દિવસે વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવ્યા બાદ પરિવારજનો અને આડોશપાડોશમાં નવા વર્ષની શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી. લોકોએ એકબીજાના ઘેર જઇ અને પોતાના ઘેર લોકોને આદર-સત્કાર સાથે બોલાવી તેઓનું મોંઢુ મીઠુ કરાવી, મીઠાઇ ખવડાવી અને નાસ્તો-ભોજન કરાવી તહેવારની નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. નાના બાળકો અને યંગસ્ટર્સે વડીલોને પગે લાગી સાલ મુબારક, જયશ્રીકૃષ્ણ કહી કડકડતી શુકનની નોટોની રોકડી કરી લીધી હતી. વડીલોએ પણ હૃદયપૂર્વક તેમના સંતાનો, પરિવારોના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને આશીર્વાદ આપ્યા હતા. દિવાળીના તહેવારને લઇ શહેર સહિત રાજયભરમાં ભારે ખુશી અને હર્ષોેલ્લાસનો માહોલ છવાયેલો રહ્યો હતો. દરમ્યાન તહેવારો અને મીની વેકેશન જેવી રજાઓને લઇ શહેરના કેમ્પ હનુમાનજી, સોલા ભાગવત વિધાપીઠ, ભાડજ હરેકૃષ્ણ મંદિર, એસજી હાઇવે પર ઇસ્કોન મંદિર, લાલદરવાજા ભદ્રકાળી મંદિર, ભુલાભાઇ પાર્ક બહુચરાજી મંદિર, ધનાસુથારની પોળના પ્રાચીન અંબાજી મંદિર સહિતના મંદિરોમાં ઉપરાંત, રાજયના ડાકોર રણછોડરાય, શામળાજી ખાતે શામળિયા દેવના મંદિર, દ્વારકા દ્વારકાધીશ, સાળંગપુર કષ્ટભંજન દેવ, ગણપતિપુરાવાળા ગણપતિ મંદિર, સુપ્રસિધ્ધ અંબાજી, સોમનાથ મહાદેવ, ચોટીલા ચામુંડા માતાજી, પાવાગઢ ખાતે મહાકાળી મંદિર, ગાંધીનગર જિલ્લાના ડભોડિયા હનુમાનજી દાદા સહિતના મંદિરોમાં દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દેવી-દેવતાઓના દર્શનાર્થે ઉમટયા હતા. આ યાત્રાધામોમાં ઝળહળતી રોશની સહિતની લાઇટો અને અન્ય આકર્ષણો પણ જમાવવામાં આવ્યા હતા. દિવાળી-બેસતા વર્ષના તહેવારને લઇ આ મંદિરો અને તીર્થધામોમાં વિશેષ પૂજા, આરતી, અન્નકુટ અને યજ્ઞ-હવનના આયોજન કરવામાં આવ્યા હતા, જેનો ભકતોએ લાભ લીધો હતો.

Related posts

અમદાવાદ જિલ્‍લા પંચાયત ખાતે તાલુકા હેલ્‍થ ઓફીસરો, સીએચસી સુપ્રિટેન્‍ડન્‍ટ, મેડીકલ ઓફીસરો, અર્બન હેલ્‍થ ઓફીસરો ની સમીક્ષા બેઠક યોજાઇ

aapnugujarat

નર્મદાના ફ્લોરાઈડ યુક્ત પાણીમાંથી મુક્તિ

editor

ગ્રાહકો પાસેથી પ્લોટના પૈસા ઉઘરાવી એજન્ટે જમા ન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1