Aapnu Gujarat
ગુજરાત

રેશમા-વરૂણ પટેલ ભાજપમાં જોડાતાં પાટીદારમાં ભારે રોષ

પાટીદાર આંદોલન બાદ ચર્ચામાં આવેલા પાટીદાર આગેવાન વરૂણ પટેલ, રેશ્મા પટેલ, મહેશ પટેલ(વસ્ત્રાલ) અને રવિ પટેલ(સાબરકાંઠા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપમાં જોડાઇ જતાં પાટીદાર સમુદાયમાં ઉગ્ર આક્રોશ અને નારાજગીની લાગણી ફેલાઇ ગઇ છે. શહેરના વસ્ત્રાલ સહિત રાજયના વિવિધ શહેરો અને સ્થળોએ રેશ્મા પટેલ, વરૂણ પટેલના વિરોધમાં ઉગ્ર દેખાવો અને પ્રદર્શન યોજાયા હતા. રોષે ભરાયેલા પાટીદાર સમુદાયના લોકોએ રેશ્મા પટેલ અને વરૂણ પટેલના પૂતળાનું દહન કર્યું હતું. બીજીબાજુ, ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ અને વરૂણ પટેલે પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના નેતાઓ વિરૂધ્ધ પ્રહાર કર્યા હતા તો, સામે હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર નેતાઓએ પણ રેશ્મા પટેલ અને વરૂણ પટેલ વિરૂધ્ધ વળતા પ્રહાર કર્યા હતા. જેના લીધે ગુજરાતનું રાજકીય વાતાવરણ ગરમાઇ ગયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પાટીદાર આગેવાનો રેશમા પટેલ, વરૂણ પટેલ અને મહેશ પટેલને ભાજપના કેસરીયા ખેસ પહેરાવવામાં આવ્યા હતા. ચૂંટણી ટાણે જ પાટીદાર નેતાઓને તોડી ભાજપમાં સામેલ કરી લેવાના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ચાલની પણ ગુજરાતના રાજકારણમાં હાલ ચર્ચા ચાલી રહી છે. તો, બીજીબાજુ, પાટીદાર સમુદાય સહિત રાજયભરમાં રેશમા પટેલ અને વરૂણ પટેલે ભાજપમાં જોડાવા પેટે મોટી સોદાબાજી કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. ગુજરાત રાજકારણમાં એવી ચર્ચાએ પણ જોર પકડયું હતું કે, રેશમા પટેલ સાબરમતી વિધાનસભા અથવા કેશોદ વિધાનસભા બેઠક પરથી તો, વરૂણ પટેલ ભાજપના કેસરીયા ખેસ સાથે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શકયતાઓ છે. ભાજપમાં જોડાયા બાદ રેશમા પટેલ અને વરૂણ પટેલે પત્રકાર પરિષદમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા અને હાર્દિકને ટિકિટનો સોદાગર ગણાવ્યો હતો. તો, બીજીબાજુ, હાર્દિક પટેલે પણ ટવીટ્‌ કરી વળતા પ્રહારમાં જણાવ્યું હતું કે, કાનખજૂરાના પગ તૂટયા છે પણ કાનખજૂરો આગળ દોડતો રહેશે. પ્રજાનો સાથ સતત અમારી સાથે છે.
દરમ્યાન પાટીદાર નેતા અતુલ પટેલે પણ રેશમા પટેલ અને વરૂણ પટેલના ભાજપમાં જોડાવાના નિર્ણયને વખોડી કાઢયો હતો અને જણાવ્યું હતું કે, રેશમા પટેલ અને વરૂણ પટેલે પોતાના સ્વાર્થ માટે પાટીદારોના ઓઠા હેઠળ રાજકીય રોટલો શેકયો છે, પરંતુ પાટીદાર સમાજ તે બંનેને માફ નહી કરે. દરમ્યાન અમદાવાદ શહેરના વસ્ત્રાલ સહિત રાજયભરમાં વિવિધ શહેરો અને સ્થળોએ રેશમા પટેલ વિરૂધ્ધ પાટીદાર સમાજ દ્વારા ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. કેટલાક સ્થળોએ તો, રેશમા પટેલ અને વરૂણ પટેલના પૂતળાઓનું દહન કરી તેમને પાટીદારોના ગદ્દાર તરીકે લેખાવાયા હતા.

Related posts

જયંતિ ભાનુશાળી હત્યા કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો

aapnugujarat

ગુજરાતમાં મ્યૂકરમાઈકોસિસનો આતંક વધ્યો

editor

ગુજરાત કોંગ્રેસમાં લિડરશિપને લઈ સળવળાટ શરૂ

editor

Leave a Comment

UA-96247877-1