Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘નિષ્કુળાનંદ કાવ્ય – 3 ભક્તિનિધિ અને કલ્યાણનિર્ણય’

‘આર્ષ’ શોધ સંસ્થાન, ગાંધીનગર દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લા 20 વર્ષથી નિયમિતરૂપે ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર વિષયો પર દર ત્રણ માસે પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં શાસ્ત્ર વિષયક પ્રવચનના ભાગરૂપે ‘નિષ્કુળાનંદ કાવ્ય – 3, ભક્તિ- નિધિ અને કલ્યાણનિર્ણય’ વિષય ઉપર આર્ષ પ્રવચનમાળાના 81 માં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સારંગપુર મંદિરના, વરિષ્ઠ સંત, વેદાંતશાસ્ત્રી, પૂ. યજ્ઞેશ્વરદાસ સ્વામી તેમજ અમદાવાદ,શાહીબાગ, મંદિરના નિર્દેશક પૂ. પ્રિયસ્વરૂપદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. પ્રવચનમાં આશરે 1500 જેટલા  શ્રોતાઓએ ભાગ લીધો હતો.

નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત કલ્યાણનિર્ણય કાવ્યગ્રંથ પર પ્રકાશ પાડતાં પૂ. પ્રિયસ્વરૂપદાસ સ્વામીએ જણાવ્યું હતું કે,મનુષ્ય જન્મ મોક્ષની બારી છે તેના દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે. લખ ચોરાશીમાંથી છૂટવા માટે મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે. મોક્ષ કરવો હોય તો ઈચ્છા હોવી જોઈએ. તે મોક્ષની પ્રાપ્તિ માટેની પ્રાથમિક શરત છે મુમુક્ષુતા. કલ્યાણનિર્ણય ગ્રંથ ગમે તેવાને મોક્ષની ઈચ્છા જગાવે તેવો છે. મુમુક્ષને મોક્ષ માટે નિર્ણયો જે જરૂરી છે તે બધા જ નિર્ણય કલ્યાણનિર્ણય ગ્રંથમાં આપ્યા છે.

નિષ્કુળાનંદ સ્વામીએ મોક્ષ માટેના સિદ્ધાંતો બહુ જ સ્પષ્ટ રીતે અને દૃઢતાથી આપ્યા છે. ઔપનિષદિક રીતે તેમાં પ્રશ્નોત્તર શૈલી છે. તેમાં 18 નાના અધ્યાય કહેતાં નિર્ણયો છે. જેમાં સોરઠા, દોહા, ચોપાઈ છે. આ ગ્રંથમાં 542 કડીઓ છે.

ગ્રંથની શરૂઆતમાં મુમુક્ષુ પ્રશ્ર પુછે છે કે, આ લોકમાં સૌ સૌ પોત પોતાની રીતે મોક્ષ માટે પ્રયત્ન કરે છે. તો હકીકતે કલ્યાણ જુદા જુદા છે કે એક જ છે? તેવો પ્રશ્ન છે. પ્રાપ્તિમાં વધારે ઓછું છે કે? કલ્યાણના ઘણા પ્રકાર છે પણ કલ્યાણ બધાં સરખા છે. જે પ્રમાણેની દિશા હોય તેમ અલગ અલગ જેવી તમારી પરિશ્રમની દિશા પ્રમાણે પ્રાપ્તિ થાય છે.

ઘણા લોકો પુત્ર પ્રાપ્તિને પણ કલ્યાણ સમજે છે. વ્યક્તિ-વ્યક્તિએ કલ્યાણની સમજ  અલગ અલગ હોય છે. વિવિધ ધામોની પ્રાપ્તિ થાય એવું પણ લોકો કલ્યાણ માને છે.

એમાં આત્યંતિક કલ્યાણ વસ્તુ જુદી છે. મનુષ્ય માત્ર ઈન્દ્રિયો દ્વારા જે કર્મ કરે છે. તેના આધારે પ્રારબ્ધ કહેતા નસીબ ભગવાન ઘડે છે. દરેક મુમુક્ષ, દુઃખોમાંથી ઉગરવા માટે કંઈકને કંઈક તપ કરતો હોય છે.

સિદ્ધાંતની વાત કહેતા કહે છે કે, જન્મ-મરણના ફેરામાં ફરવા ફરી આવવું ન પડે. તેવી પ્રાપ્તિ થાય તે આત્યંતિક કલ્યાણ. ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ આ લોકની કોઈ વસ્તુ સાથે આવતી નથી. દેવતાના ધામમાં કાયમી રહેવાતું નથી. આ બ્રહ્માંડમાં કશું પરમેન્ટ નથી. કાળ દેવતાનાં ધામોનો નાશ કરે છે. માયાનો પ્રશ્ન અનાદિ કાળથી ભયંકર છે. માયાની બધી ઉપાધિ છે. કાળ અને માયા બધાં કલ્યાણોને ચાવી જાય છે તે એક સિદ્ધાંત છે. આત્યંતિક કલ્યાણ એ સર્વોત્તમ મોક્ષ છે. તેના દ્વારા અક્ષરધામની પ્રાપ્તિ થાય છે અને અક્ષરધામની પ્રાપ્તિ થાય પછી ફરી જન્મવાનું થતું નથી. સમયના માપદંડને બનાવનાર અક્ષરબ્રહ્મ છે. અક્ષરબ્રહ્મ કાળથી પર છે. માયાથી પણ પર છે. તેથી અક્ષરધામ સૌથી સલામત ધામ છે.

આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય? તેના જવાબમાં જણાવે છે કે, કાં તો પ્રત્યક્ષ ભગવાન કે તેમના મળેલા સંત થકી કલ્યાણ થાય છે. પરબ્રહ્મની ઓળખાણ થાય તો જ અક્ષરધામની પ્રાપ્તિ થાય અનેક ઐશ્વર્ય બતાવી ભગવાન સ્વામિનારાયણે મોક્ષની પ્રતીતિ કરાવી છે. કહેતા આત્યંતિક કલ્યાણ કરેલ છે. શ્રીજી મહારાજને મળેલા સંત થકી કલ્યાણ થાય છે. મળેલા સંત એટલે ભગવાનને હળ્યા મળ્યા હોય, ભગવાનની મરજી પ્રમાણે વર્તતા હોય તેના દ્વારા કલ્યાણ થાય છે. ભગવાનને મળેલા એટલે ભગવાન સાથે એકાત્મભાવને પામેલા. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ યુક્ત સંત દ્વારા કલ્યાણ થાય છે. તેવા પ્રત્યક્ષ ભગવાન એટલે કે ભગવાન સ્વામિનારાયણ તેમના મળેલા સંત એટલે કે વર્તમાન કાળે મહંતસ્વામી મહારાજ છે.

મુમુક્ષ પ્રશ્ન પૂછે છે. ભગવાનના કુળમાં જન્મેલા હોય તેનાની કલ્યાણ થાય કે નહીં? તેના જવાબમાં કહે છે કે કલ્યાણ જોઈતું હોય તો સાચા સંત શોધી લેવા જરૂરી છે.

કેવી સાધના કરીએ તો કલ્યાણ થાય ? ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે તે સાધના છે. સંપૂર્ણ વિશ્વાસ ભાવે  સેવા કરવાથી કલ્યાણ થાય છે.

પૂ. યજ્ઞેશ્વરદાસ સ્વામીએ ભક્તિનિધિ પર વાત કરતા જણાવ્યું કે ‘ભક્તિમાર્ગનું મૂળ પંચરાત્ર શાસ્ત્રમાં રહેલું છે. ધર્મ, જ્ઞાન,વૈરાગ્ય અને માહાત્મ્યયુક્ત ભક્તિ ભગવાન સ્વામિનારાયણે કહેલ છે. ભક્તિમાર્ગ દ્વારા અંતિમ મોક્ષ સુધી પહોંચાય છે. કહેતા અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. માહાત્મ્યયુક્ત ભક્તિ સાથે મહારાજ સૌ સંતોને જોડતા. શ્રીજી મહારાજ દ્વારા ભક્તિ સંબંધી ક્રિયાઓનું પ્રસ્થાપત કરેલું છે. અને જોરદાર ઠેલ મારેલો છે. ભગવાનને વિષે માહાત્મ્યયુક્ત સ્નેહ તે ભક્તિ છે. (વ.ગ.મ.10)નિષ્કુળાનંદસ્વામી વૈરાગ્યમૂર્તિ હતા. તેમનાં વૈરાગ્યના પદો વર્ષો સુધી પ્રચલિત હોવાથી ગાંધીજીએ પણ તેમની દરરોજની પ્રાર્થનામાં ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ વગેરે પદોનો સમાવેશ કર્યો હતો. આમ સ્નેહ તેઓ ભક્તિ થી પણ સ્નેહભીના હતા. ભક્તિ કોની કરવી? ભક્તિ શા માટે કરવી? ભક્તિ કેવી રીતે કરવી? વગેરે અનેક બાબતો ભક્તિનિધિગ્રંથમાંથી તેમણે નિરૂપી હતી.

અંતે આગામી પ્રપ્રવચનમાળા ‘માનવતાના મર્મજ્ઞ ભગવાન શ્રીરામ’ વિષયની જાહેરાત આર્ષના ડાયરેક્ટર ડૉ. શ્રુતિપ્રપ્રકાશદાસ સ્વામીએ કરી હતી. તથા શ્રોતાઓએ બંને વક્તાઓ પાસેથી પોતાના  પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો મેળવ્યા હતા.

Related posts

ગુજરાત પોલીસનું ‘મોબાઇલ ગર્વનન્સ’ : ૬૮ લાખ ગુન્હેગારોનો ડેટા હવે આંગળીના ટેરવે !

aapnugujarat

પાંડેસરાના રેપ વીથ મર્ડરના કેસમાં મુખ્ય આરોપી પકડાયો

aapnugujarat

રાજ્યનો ઈંટ ભઠ્ઠા ઉદ્યોગ કફોડી સ્થિતિમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1