Aapnu Gujarat
ગુજરાત

સાસરિયા વિરુદ્ધ વેર વાળવા કલમ 498-Aના દુરુપયોગનું ચલણ વધી રહ્યું છે : GUJARAT HIGH COURT

ભારતમાં હવે ધીમે ધીમે છૂટાછેડાના કેસોની સંખ્યા વધી રહી છે. જોકે, છૂટાછેડાના કેસમાં મહિલા પક્ષ તરફથી સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવાની સંખ્યા પણ વધી રહી છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે પતિ અને સાસરિયા વિરુદ્ધ અંગત વેર વાળવાના હેતુંથી આઈપીસીની કલમ 498-Aનો દૂરઉપયોગ વધી રહ્યો છે. ગુજરાતી દૈનિક નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે એક કેસમાં ફરિયાદી મહિલા દ્વારા પતિ અને સાસરિયા વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની કલમ 498-એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરાએ મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ અંગત વેર વાળવા માટે આ કલમનો દુરઉપયોગ વધી રહ્યો છે. આ સાથે જ તેમણે ફરિયાદ પણ રદબાદલ કરી દીધી હતી.

સમગ્ર કેસની વિગતો જોઈએ તો વ્યવસાયે ડોક્ટર એવા પતિ અને તેમના પરિવારજનો વિરુદ્ધ પત્નીએ કચ્છ મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. આ ફરિયાદને રદ કરવા માટે સાસરિયાઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ એફઆઈઆરમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે લગ્ન બાદ પત્ની સાસરીમાં રહેવા આવી હતી અને તે સંયુક્ત કુંટુંબમાં રહેતા હતા. પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વ્યવસાયે ડોક્ટર એવા તેના પતિના એક મહિલા સાથે લગ્નેતર સંબંધ હતા. જેના કારણે પતિ અને સાસરિયાઓ તેના પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારતા હતા. તેને છૂટાછેડા આપવા માટે દબાણ કરવામાં આવતું હતું.

પત્નીએ 2019માં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી પરંતુ બંને કુટુંબો મળ્યા હતા અને વડીલોના કહેવાથી સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ ફરીથી સાસરિયાઓ દ્વારા તેને હેરાન કરવામાં આવી હતી. તેનો પતિ અમદાવાદમાં રહેવા લાગ્યો હતો અને એક મહિલા સાથે લગ્નેતર સંબંધો રાખતો હતો. 2020માં મહિલાને તેની નણંદ અને અન્ય પરિવારજનોએ ઘરમાંથી કાઢી મૂકી હતી જેના કારણે તેણે સાસરિયાના છ સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદને રદ કરાવવા માટે સાસરિયાઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં તેમણે રજૂઆત કરી હતી કે ફરિયાદીના સાસુને કેન્સર છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેઓ ઘણા સમયથી તેમની દીકરીના ઘરે રહે છે. જ્યારે ફરિયાદમાં જે અન્ય બે લોકોના નામ છે તેઓ બેંગલુરૂમાં રહે છે. નણંદ એની સાસરીમાં રહે છે. કાકા સસરા પણ અલગ રહે છે. આ તમામ લોકો અલગ-અલગ રહેતા હોવા છતાં ફરિયાદીએ અંગત અદાવત રાખીને તેમને હેરાન કરવા માટે ફરિયાદમાં તેમના નામ લખ્યા છે.

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બંને પક્ષોની રજૂઆત અને તથ્યોને ધ્યાનમાં લીધા હતા. આ દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે, પતિ અને પત્ની વચચે ગંભીર મતભેદો છે. પત્નીનો આક્ષેપ છે કે પતિ જુદો રહે છે અને લગ્નેતર સંબંધ ધરાવે છે. જ્યા અન્ય સાસરિયા અલગ-અલગ જગ્યાએ રહે છે. આમ જોતાં અહીં આઈપીસીની કલમ 498-એનો કોઈ જ ગુનો બનતો નથી. તેમ છતાં કોઈ પણ પ્રકારના ચોક્કસ ત્રાસની વિગતોના અભાવ છતાં સમગ્ર કુટુંબ સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. અરજદારો વિરુદ્ધના આક્ષેપો કોઈ પણ રીતે સાબિત થતાં નથી. એવું લાગી રહ્યું છે કે આ એફઆઈઆર પતિ અને સાસરિયાઓને હેરાન કરવાના હેતુંથી કરવામાં આવી છે.

હાઈકોર્ટે કહકશન કૌસર ઉર્ફે સોનમ વર્સિસ બિહારના કેચના ચુકાદાને ટાંક્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં લગ્ન-પારિવારિક સંબંધી કેસો વધી રહ્યા છે અને તેમાં પણ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ અંગત વેર વાળવાના હેતુંથી આઈપીસી કલમ 498-એનો દુરઉપયોગ વધી રહ્યો છે. હાઈકોર્ટે તમામ બાબતોને ધ્યાનમાં લેતા કચ્છ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર રદબાતલ ઠેરવી હતી કેમ કે હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ પ્રક્રિયા કાયદા અને ન્યાયની પ્રક્રિયાના દુરઉપયોગ સિવાય બીજું કંઈ જ નથી.

Related posts

વડોદરા : અજાણ્યા વાહનની ટક્કરે કાર ડિવાઈડરમાં ભટકાઈ, દંપતિનું મોત

aapnugujarat

નળકાંઠા વિસ્તારના અંતરિયાળ કમીજલા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

aapnugujarat

७० वर्ष पुराने मकानों में पुलिस परिवार दहशत के तहत जीते : रिपोर्ट

aapnugujarat
UA-96247877-1