Aapnu Gujarat
ગુજરાત

સર્વાંગી વિકાસમાં ઇનોવેશન શક્તિ ખુબ જ મહત્વપૂર્ણ છે : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધીનગર નજીક ગ્રામભારતી સંસ્થા ખાતે ૧૦મા રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન અને વિશિષ્ટ પારંપારિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં જણાવ્યું હતું કે, ઇનોવેશન દ્વારા સ્થાનિક સમસ્યાનો સ્થાનિક સ્તરે સુચારૂ ઉકેલ મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના અભિયાનના મુળમાં પણ આજ ભાવના હતી. રાષ્ટ્રપતિએ તેમના વક્તવ્યની શરૂઆત ગુજરાતી ભાષામાં કરતા કેમ છો એમ પ્રશ્ન પૂછીને જણાવ્યું હતું કે, ગુજરાતી લોકો અને ગુજરાતની વાનગીમાં મીઠાશ હોય છે. રાષ્ટ્રપતિએ ગુજરાતીઓની ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દર વખતે આ પુરસ્કાર સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતો હતો. પરંતુ આ વખતે રાષ્ટ્રપતિભવનની બહાર સૌ પ્રથમ વખત આ સમારોહ યોજાઇ રહ્યો છે. જેનું શ્રેય ગુજરાતને મળે છે. ગુજરાત ખાતે આ કાર્યક્રમ યોજવા સંદર્ભે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગુજરાત ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિક્તાની જન્મભૂમિ છે એટલું જ નહીં, ઇનોવેશનના હિમાયતી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે ત્યારે આ સમારોહ યોજવા માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં ઇનોવેશની શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી હોવાનું જણાવતા રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, ઇનોવેશનની મહત્તા સમજીને તેનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ, અન્ન સુરક્ષા, ઊર્જા ઉપલબ્ધ, પર્યાવરણ સુરક્ષા તેમજ નેશનલ સિક્યોરીટી જેવા ક્ષેત્રોમાં કરવો જરૂરી છે. જેથી ઇનોવેશન્સનો સામાજિક અને આર્થિક લાભ રાષ્ટ્રને મળી શકે. ઇનોવેટિવ આઇડિયા માટે શાળા કક્ષાએથી જ આપણે શરૂઆત કરવી પડશે તેમ જણાવી રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, શાળામાં ગોખણપટ્ટી કરવાને બદલે વિદ્યાર્થીઓને જિજ્ઞાસાવૃત્તિનો વિકાસ કરવા અને પ્રશ્નો પૂછવા પ્રેરિત કરવા પડશે. સમસ્યાઓના સમાધાન માટે વિદ્યાર્થીઓને પ્રવૃત્ત કરવા પડશે. નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન-ઇન્ડિયા દ્વારા આ ક્ષેત્રે થઇ રહેલા પ્રયાસોની પણ તેમણે નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફાઉન્ડેશન દ્વારા દેશભરની પાંચ લાખ શાળાઓને ઇનોવેટીવ આઇડિયા માટે જણાવાયું હતું. જે અંતર્ગત ૧૮ ભાષામાં ૧૦ લાખ આઇડિયા મળ્યા હતા. જે પૈકી એક લાખ આઇડિયા પસંદ કરીને તેમને મૂર્તસ્વરૂપ આપવા આર્થિક સહાય આપવામાં આવી છે. આવા શ્રેષ્ઠ ૮૦૦ આઇડિયાનું દિલ્હી ખાતે પ્રદર્શન પણ યોજાશે. રાષ્ટ્રપતિએ ઇનોવેટર્સને પ્રોત્સાહન અને ઉદ્યોગ સાહસિકતાને મહત્વરૂપ ગણાવી સ્ટાર્ટ-અપ સપોર્ટ અને ઇન્ક્યુબેટીંગની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે આર્થિક ઉપરાંત નીતિ વિષયક અને પથદર્શક તરીકેના સહયોગ ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઇનોવેશન સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીને જોડીને માર્કેટીંગના સહયોગથી ઇનોવેટીવ આઇડિયાને ઉદ્યોગ સ્વરૂપે મૂર્તિમંત કરવાની પણ હિમાયત કરી હતી અને ઇનોવેટીવ આઇડિયા આપનારા ઇનોવેટર્સનાં આઇડિયા ટકાઉ ઉદ્યોગોમાં પરિણમે તેવી સૌને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે જે ઇનોવેટર્સને પુરસ્કાર એનાયત કર્યા હતા તેમાં લાઇફ ટાઇમ અચવીમેન્ટ એવોર્ડ ઉત્તરપ્રદેશના પ્રકાશસિંગ રઘુવંશીને ઇમ્પ્રુવડ પ્લાન્ટ વેરાઇટીસ માટે અપાયો.

Related posts

કમોસમી વરસાદના પરિણામે ઉભા પાકને ભારે નુકસાન થયું

aapnugujarat

अल्पेश ठाकोर की बढ़ी मुश्किले, राजेंद्र त्रिवेदी सहित तमाम को हाईकोर्ट ने भेजा नोटिस

aapnugujarat

भारी बारिश के चलते बुआई कार्य पर असर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1