Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ લાખ હેક્ટર જેટલો વધારો

ઢગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે, તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.
કૃષિ મંત્રીએ ચાલુ વર્ષે ૩ જુલાઈ સુધીમાં રાજ્યમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આશરે ૧૦ લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૪૦.૪૬ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૩૦.૨૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ ૮૫.૯૭ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં ૪૭.૦૭ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ કુલ ૨૦.૨૫ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું ૧૫.૨૬ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે ૫ લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.
મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ ૧૫.૧૧ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૧.૦૨ લાખ હેક્ટર હતું. આ વર્ષે તેલીબિયા પાકના વાવેતરમાં આશરે ૪ લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન ૧૦.૧૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતરમાં આશરે ૩ લાખ હેકટરના વધારા સાથે અત્યારસુધીમાં કુલ ૧૩.૨૮ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યારસુધીમાં વાવેતર વિસ્તારમાં આશરે ૧૦ લાખ હેક્ટર જેટલો વધારો થયો છે અને હજુ પણ ખરીફ ઋતુમાં પાક વાવેતરમાં વેગ આવવા સાથે વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

एएमसी की ६० आवास योजना रिडेवलपमेन्ट करने का आयोजन

aapnugujarat

ફેસબુક પર મોગલ માંઇ અંગે અભદ્ર ટિપ્પણીને લઇ ફરિયાદ

aapnugujarat

गुजरातभर में आज १६४ रथयात्रा निकाली जाएगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1