Aapnu Gujarat
ગુજરાત

૨૦૨૨ની ચૂંટણી નજીક છે તેવામાં પાટીદાર અગ્રણી નરેશ પટેલનું નામ ફરી આવ્યું ચર્ચામાં

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને લઈને પાટીદાર અગ્રણી નરેશ પટેલનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટમાં કોંગ્રેસની પાટીદાર પાંખ નેતાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક તેમજ પ્રદેશ કોંગ્રેસના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. જે બેઠક બાદ કોંગ્રેસના નેતા મનહર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલ સક્રિય રાજકારણમાં જોડાય કે નહીં નરેશભાઈ ૨૦૧૭ની ભૂમિકા જાળવી રાખશે તો પણ ગુજરાત કોંગ્રેસને ઘણો ફાયદો થશે. કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ પાટીદાર આગેવાનો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંકલન સમિતિના પ્રમુખ સહિત ૨૫ લોકોએ પાટીદાર સમાજના મોભી અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેનો મુખ્ય હેતુ હતો કે, અમે હાલ પીડા ભોગવી રહ્યા છીએ. ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી સ્વાભાવિક કોંગ્રેસના લોકોને મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ કથળી હોય તે માટે કામ કરવા ઇચ્છતા હોવા છતાં કામ કરી શકતા નથી. આવા સમયે અમે અમારા સમાજના મોભી નરેશ પટેલ પાસે આગામી ચૂંટણી અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું છે. જેમાં સકારાત્મક અભિગમ સાથે તેમણે અમને ઊર્જા આપી છે. વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં પણ નરેશ પટેલે કોઈને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દઉંની જાહેરાતો કરી હતી, તો બીજી તરફ તેના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લા મંચ પર પરથી ટેકો જાહેર કર્યો હોવા છતાં તમામ ઉમેદવારો હારી ગયા હતા. એ વખતે પણ વ્યક્તિગત સંબંધો છે એવું જણાવી રાજકારણ કર્યું જ હતું. લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલાં ૨૦૧૮ના ઓગસ્ટમાં ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જાહેર થતાં જ તેમની ચૂંટણી લડવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે બાદમાં નરેશ પટેલના પુત્ર શિવરાજને કોંગ્રેસમાં ચૂંટણી લડાવવાની તૈયારીઓ થઈ હતી તેમજ પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સાથે બેઠકો પણ યોજી હતી, જોકે બાદમાં શિવરાજ પટેલ ચૂંટણી મેદાનમાં ઊતર્યા નહોતા. આ રાજકીય સમીકરણને આધારે આજની બેઠકમાં આગામી ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ દ્વારા શું કામગીરી કરવાની જરૂર છે તે અંગેનું નરેશ પટેલ પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. અને એ મુજબ હવેથી પરિવર્તન લાવવાની ખાતરી આપવામાં આવી છે.

Related posts

અમદાવાદમાં શબવાહિનીની અછત !!

aapnugujarat

હિંમતનગર સિવિલમાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

दक्षिण गुजरात में राहुल का तीसरा चरण अब दीपावली बाद  

aapnugujarat

Leave a Comment

UA-96247877-1