Aapnu Gujarat
બ્લોગ

શું મહિલાઓનું શોષણ માત્ર બળાત્કારથી જ થાય છે?

બળાત્કાર થાય એટલે મહિલાનું જાણે કે ભયાનક શોષણ થઈ ગયાનું માનવામાં અને ચર્ચવામાં આવે છે, વાત ગાઈ-વગાડીને કહેવા-સાંભળવામાં આવે છે, પણ આખી ઘટના વારંવાર એની એ, એની એ વાત કહ્યા કરવાથી વારંવાર એ મહિલા પર માનસિક બળાત્કાર કરવા જેવી વાત છે, વારંવાર તેનું માનસિક શોષણ કરવા જેવી વાત છે એ કોઈ સમજતું નથી. વળી મહિલાનું શોષણ માત્ર બળાત્કારથી જ થાય છે? જવાબ છે, ના. બીજી અનેક રીતે મહિલાને પ્રતાડિત કરવામાં આવે છે. આવો આપણે એ બાબતો પર નજર કરીએ.છોકરીઓ થોડી મોટી કે સમજણી થવા લાગે એટલે એને સતત કહેવામાં આવે છે કે, ’સારી છોકરી આવી હોય છે, સારા ઘરની છોકરીઓ આવી રીતે વાત ન કરે, સંસ્કારી છોકરીઓ મોટે મોટેથી હસે નહીં, મોટા અવાજે બોલે નહીં, પેલા છોકરો નઠારો છે એની સાથે વાત ન કરીશ…’ વગેરે, છોકરી વધુ મોટી થાય એટલે વારંવાર એને સંભળાવવામાં આવે કે ’આ શું આવું રાંધ્યું છે, કોણ ખાશે?, આ શું પહેર્યું છે?… તું કશા કામની નથી…, એક કામ તારાથી સરખું થતું નથી’ અથવા ’છોકરા તને છેડે કેવી રીતે… તારી જ ભૂલ છે, કાલથી તારું કૉલેજ જવાનું બંધ કરવું પડશે. હવે તારા લગ્ન કરવા પડશે, બહુ બોલવાનું બંધ કર… સંસ્કાર છે કે નહીં તારામાં…’ વગેરે વાતો કહી છોકરીને અને પછીથી વહુને સંસ્કાર, સભ્યતા, ખાનદાનના નામે કોણ જાણે કેટકેટલું સંભળાવવામાં આવે છે, શિસ્ત અને આજ્ઞાપાલનના નામે પણ બીજું ઘણું સંભળાવાતું હોય છે અને એમ સંભળાવીને સતત ઉતારી પાડવામાં આવે છે. આપણને ખબર નથી પણ આ બાબતો પુષ્કળ માનસિક ત્રાસ આપે છે, એ પણ એક રીતે બળાત્કાર જ છે. કેટલું યોગ્ય કે કેટલું વિના કારણનું છે એ કશું જાણ્યા-સમજ્યા-તોળ્યા વિના આપણે અનેક સલાહો છોકરીઓને આપીએ છીએ. આ સલાહ આપનારા સૌથી મોટા શોષણકર્તા છે.ક્યારેક મહિલાને ઘરનો ઊંબરો ઓળંગી બહાર જતી રોકવી, ક્યારેક સંસ્કારના નામે સંખ્યાબંધ બંધનોમાં બાંધી દેવી, એની વિસ્તરતી પાંખોને કાપી નાખી એને સલામતીનો ખોટો અહેસાસ આપવો તો ક્યારેક કોઈ માસૂમ પર ખરાબ નજર રાખવી, રસ્તામાં જતા-આવતા મહિલા પર ગંદી કમેન્ટ કરવી, ક્યારેક દહેજના નામે જીવતી બાળી મૂકવી, ક્યારેક ગર્ભમાં જ એને મારી નાખવી, ભૂલથી જો ક્યારેક જન્મી જાય તો પછીથી તેના પર અત્યાચાર કરવો…, શોષણનું કોઈ માપ નથી હોતું કે કોઈ સ્તર નથી હોતું. શોષણની કોઈ જાતપાત નથી હોતી. શોષણ એ શોષણ છે, શોષણ છે અને શોષણ જ છે, જે મન પર કેટલાય છાનાં, અસંખ્ય ઘા-જખમ-ડાઘ મૂકી જાય છે અને મહિલા એનો સામનો કરી શકતી નથી.બળાત્કાર જઘન્ય અપરાધ છે, આજે પણ એ સમાજમાં ભયાનક સ્વરૂપમાં ફેલાઈ રહ્યો છે એ ખરું, પણ એ સિવાય પણ બીજા એવા અપરાધો છે જેના દ્વારા મહિલા પીડિત થતી રહે છે. દાખલા તરીકે ઘર-કુટુંબમાં પતિ દ્વારા દરેક વાતે ટોણો મારવો, જમવાના સમયે ખાવાનું પીરસતા વાર થઈ જાય તો થાળી ઉપાડીને ફેંકી દેવી, પત્નીએ કશું પૂછતા ઊલટા જવાબ આપવા, પત્નીને અકુદરતી સેક્સ માટે બળજબરી કરવી વગેરે પણ સતામણી-શોષણ-દમન છે. ઉપરાંત ઘરની દીકરી પોતાનો મત વ્યક્ત કરે તો એને ચૂપ કરી દેવી, એનાં પહેરવા-ઓછવાથી માંડીને એના હરવા-ફરવા અને હસવા-બોલવા સુધી ટોક્યા કરવી, બંધનો લાદવા જેવી બાબતો એવી છે કે જે કોઈ પણ છોકરીને માનસિક રીતે પ્રચંડ ત્રાસ આપે છે, કારણ કે આ બાબતોથી એના માન અને સ્વાભિમાનને ઠેસ પહોંચે છે. ભારતમાં મહિલાઓનું જીવવું સરળ નથી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં મહિલા કપડા, દેખાવ પર વાંધો ઉઠાવવામાં આવે છે. પણ એક સર્વે મુજબ બુરખો પહેરેલી સ્ત્રીની સાથે પણ છેડછાડના કિસ્સા બને છે અને ફ્રોક પહેરનાર નાની નાની માસૂમ બાળકીઓ સાથે પણ. જો કે સામાન્ય રીતે આ તમામ માટે સ્ત્રીઓનો વાંક સૌથી પહેલા નીકળવામાં આવે છે. પણ જો પુરુષો પોતાની માનસિકતા બદલે અને સ્ત્રીઓને એક ભોગની વસ્તુ ના સમજે તો ખરેખરમાં પુરુષો દ્વારા કરવામાં આવેલા આ નાનકડો પ્રયાસ અનેક છોકરીઓનો આત્મવિશ્વાસને વધારી તેમનું જીવવું સરળ કરી શકે છે.ટૂંકમાં તમે કોઇ પણ સ્ત્રીને પૂછી જુઓ, એક કિસ્સો તો તેની પાસે કહેવા માટે હશે કે કોઇ પુરુષે તેને ગંદી રીતે જોઇ હતી, કે ગંદી રીતે અડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા ચાલી રહી છે અને જેમ જેમ પુરુષો તેને ગંદી રીતે જોતા જાય છે તેમ તેમ તેના કપડા થોડા થોડા ફાટતા જાય છે. આ વીડિયો તમામ મહિલાઓની માનસિક સ્થિતિને ખૂબ જ સંવેદનશીલ રીતે વ્યક્ત કર્યું છે. ત્યારે આ વીડિયો જુઓ અહીં. કદાચ તે જોઇને તમે સ્ત્રીઓ ગંદી રીતે જોવાનું બંધ કરી શકો?આપણા દેશમાં લગભગ દરરોજ મહિલા કે બાળકીઓની જાતિય સતામણી, છેડછાડ કે બળાત્કારના કિસ્સા સામે આવે છે. આવી ઘટનાઓ પીડિત મહિલાઓને શારીરિક ઉપરાંત માનસિક ત્રાસ પણ ખૂબ આપે છે. ગમે તે ક્ષેત્રમાં દેશ ગમે એટલી પ્રગતિ કરે, મહિલાઓની પરિસ્થિતિ આજે પણ દયાજનક છે. અનેક કાયદા અને નિયમો છતાં મહિલાઓ, યુવતીઓ સંબંધિત સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લેતી. એમાં એક મોટો ભાગ લોકોની માનસિકતા પણ ભજવે છે. આવી કોઇ પણ ઘટના થાય ત્યારે ઘણા લોકો પીડિત મહિલા કે યુવતીના પહેરવેશને દોષ આપતા હોય છે. અનોખું મ્યૂઝિયમ લોકોની આ માનસિકતા બદલવાનું બીડું બેંગલુરૂની જાસ્મીન પાથેજાએ ઉપાડ્યું છે. તેઓ લોકોને સમજાવવા માંગે છે કે, મહિલા કે યુવતીઓના કપડા અને આ પ્રકારની ઘટનાઓને કંઇ લાગતુ-વળગતુ નથી. જાસ્મીન એક આર્ટિસ્ટ અને એક્ટિવિસ્ટ છે. તેમણે જાતિય સતામણીનો ભોગ બનેલ યુવતીઓના કપડાં એકઠા કર્યા છે. તેમના ઘરનો એક ખંડ મ્યૂઝિયમમાં ફેરવાઇ ગયો છે. દરેક ઉંમરની મહિલાઓ બને છે ભોગ આ ખંડમાં ચારે બાજુ એવા કપડા જોવા મળે છે, જે યુવતીઓ રોજિંદી લાઇફમાં પહેરતી હોય છે. આ કપડાઓમાં એક બ્લેક એન્ડ રેડ જમ્પસૂટ પણ છે, જે ગતવર્ષે બેંગલુરૂમાં ન્યૂ યરની રાત્રે છેડછાડનો શિકાર બનેલ યુવતીનો છે. જાસ્મીનના આ અનોખા કલેક્શનમાં સ્કૂલ યુનિફોર્મથી માંડીને ગાઉન સુધી દરેક પ્રકારના કપડા જોવા મળે છે. આ પરથી એ પણ ખ્યાલ આવે છે કે, આવો ગુનો કરવાવાળા લોકોને ઉંમરની મર્યાદા પણ નથી નડતી. આજે દરેક ઉંમરની બાળકી, યુવતી અને મહિલાઓ જાતિય સતામણીનો ભોગ બને છે. ‘આઇ નેવર આસ્ક ફૉર ઇટ’ કેમ્પેન જાસ્મીનનું આ કલેક્શન જોનાર દરેક વ્યક્તિ એ વાત માનશે કે, આવી ઘટનાઓમાં યુવતી કે મહિલાના પહેરવેશનો કોઇ હાથ નથી હોતો. લોકોની આ માનસિકતા વિરુદ્ધ લડતા જાસ્મીને પોતાના કેમ્પેનને ‘આઇ નેવર આસ્ક ફોર ઇટ’ નામ આપ્યું છે. તેમના આ કેમ્પેનને સોશ્યલ મીડિયા પર પણ લોકોનો ખૂબ સહકાર મળી રહ્યો છે. ૨૦૦૩માં બનાવી હતી સંસ્થા જાસ્મીને વર્ષ ૨૦૦૩માં મહિલાઓ સાથે થતી જાતિય હિંસાના વિરુદ્ધમાં બ્લેક નોઇસ નામની સંસ્થાની રચના કરી હતી, જે હેઠળ તેમણે પહેલા કિશોરાવસ્થાની બાળકીઓ માટે કામ શરૂ કર્યું હતું. જેમાં તેઓ મહિલાઓને સતર્ક કરવા ઉપરાંત અસામાજિક તત્વો વિરુદ્ધ ચળવળ શરૂ કરી હતી. શારીરિક છેડછાડનો ભોગ બનેલ યુવતીને કપડાને જ હંમેશા દોષ આપવામાં આવે છે, લોકોની આ માનસિકતા બદલવાની પહેલ કરી છે.

Related posts

જંકફૂડથી ડિપ્રેશન વધવાનું સંકટ : અભ્યાસ

aapnugujarat

ચીનમાં દર પાંચમાં દિવસે એક અબજોપતિ બને છે : અહેવાલ

aapnugujarat

नया उपभोक्ता संरक्षण कानून लागू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1