Aapnu Gujarat
ब्लॉग

યુવાનોમાં વધ્યો છે જોખમી ‘કિકી ચેલેન્જ’નો ક્રેઝ

કેનેડિયન રેપર ડ્રેકનું ગીત ’કીકી ડૂ યૂ લવ મી’ આ દિવસોમાં ધૂમ મચાવી રહ્યું છે. ખાસકરીને સોશ્યિલ મીડિયા ઉપર લોકો આ ગીત પર ડાન્સ મૂવ્સનાં વિડીયો પોસ્ટ કરી રહ્યા છે. પરંતુ પંજાબ અને ઉત્તર પ્રદેશની પોલીસ માટે કીકી ડાન્સ ચેલેન્જ માથાનો દુખાવો બની ગયો છે. પોલીસ સોશ્યિલ મીડિયા ઉપર જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, જેમાં પોલીસ લોકોને આ જોખમી ડાન્સ સ્ટેપ નહી કરાવા અને સાવધાની વર્તવાની સલાહ આપી રહી છે.હકીકતમાં આ ડાન્સ મૂવ્સ એક સોશ્યિલ મીડીયા ડાન્સ ચેલેન્જ ’કીકી ચેલેન્જ’ બની ગયું છે. જેમાં લોકો ચાલતી ગાડીમાંથી ઉતરીને ડાન્સ સ્ટેપ કરે છે. આ દરમિયાન ગાડીની ઝડપ ૧૦ કિમી પ્રતિ કલાક હોય છે. આ ખૂબ જ જોખમી છે અને આ ચેલેન્જને કારણે અનેક ઘટનાઓ પણ બની રહી છે. આ બાબત વિશે જાગરૂકતા ફેલાવવા માટે પંજાબ અને યુપી પોલીસે સોશ્યિલ મીડિયા મારફતે ચેતાવણી આપી રહી છે.યુપી પોલીસે આ માટે એક નવો નુસ્ખો અપનાવ્યો છે, તેમણે ગીતનાં લિરીક્સમાં ફેરફાર કરીને ટિ્‌વય કર્યું કે, ડિયર પેરેન્ટસ, કીકી તમારા બાળકો સાથે પ્રેમ કરે છે કે નહી તે અમે નથી જાણતા, પરંતુ તમે તમારા બાળકોને અત્યંત પ્રેમ કરો છો આ વાત અમે જાણીયે છીએ. તો કૃપા કરીને કીકી ચેલેન્જને છોડી, જીવનના દરેક પડકારોમાં તમારા બાળકો સાથે ઊભા રહો.જ્યારે પંજાબના લોકો આ ચેલેન્જને પૂરી કરવા માટે જોખમી સ્ટન્ટસ પણ કરી રહ્યા છે. આ પહેલા મુંબઈ પોલીસ અને દિલ્હીની પોલીસે પણ કીકી ચેલેન્જ વિશે ચેતાવણી આપી છે. તેમણે આ ચેલેન્જ કરનારઓને રોકવા માટે દંડ અને ધરપકડની જાહેરાત કરી હતી. બીજા અન્ય દેશો જેમકે સ્પેન, અમેરિકા, મલેશિયા, અને યુએઈની પોલીસે પણ લોકોને આ ચેલેન્જથી સતર્ક કર્યા હતા.સોશિયલ મીડિયાએ રાજ્ય, દેશ અને વિદેશ અને ત્યા સુધી કે ભાષાની સરહદો તોડીને લોકોને એકબીજા સાથે જોડી દીધા છે. પરંતુ આ સોશિયલ મીડિયા પર કોઈનું નિયંત્રણ ન હોવાને કારણે તેમાં ફરતા મેસેજ, ફોટો અને ચેલેન્જ ક્યારેય લોકો માટે જોખમ બની જાય છે. તાજેતરમાં ગુજરાતમાં સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થયા હતા કે બાળક ચોર ટોળકીઓ ફરી રહી છે જ્યાર બાદ ટોળા દ્વારા શંકાસ્પદ લાગતા લોકોની જાહેરમાં જ હત્યા અને મારપીટ કરવામાં આવી. મોબ લિંચિંગની આ ઘટનાઓ બાદ ગુજરાત પોલીસે એડવાયઝરી જાહેર કરી કે બાળક ચોર ટોળકીના ફેક મેસેજ ફરતા કરનાર સામે કાયદેસરના પગલા લેવાશે અને પગલા લેવાયા પણ ખરા. પરંતુ આ તમામ પગલા ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા મારવા જેવા હતા કારણ કે બાળક ચોર ટોળકીના મેસેજ પહેલા મહારાષ્ટ્રમાં વાયરલ થયા અને ત્યાર બાદ ગુજરાતમાં આવ્યા. આ સમયે આપણા રાજ્યની આઇબી ભવિષ્યમાં ગુજરાતમાં આવનાર મોટી આફતને ઓળખી શકી નહીં. જો આઇબી સતર્ક બની હોત તો કદાચ ગુજરાતમાં મોબ લિંચિંગની ઘટનાઓ રોકી શકાઇ હોત અને આવા મેસેજને પહેલા જ એડવાઇઝરી જાહેર કરી રોકી શકાઇ હોત. પરંતુ હવે આવી ઘટનાઓ પરથી ગુજરાત પોલીસ અને જાસૂસી તંત્રએ બોધપાઠ લેવો જોઈએ. પરંતુ તેમાં પણ આપણી પોલીસ ઉણી ઉતરતી હોય તેવુ લાગી રહ્યું છે. કારણે હવે સોશિયલ મીડિયામાં એક નવી ચેલેન્જ વાયરલ થઇ રહે છે જેને કિકી ડાન્સ કહેવામાં આવે છે. આ ડાન્સ કરનાર વ્યક્તિ પોતાની ચાલુ કારમાંથી બહાર ઉતરે છે અને ચાલતી કાર સાથે જ ડાન્સ કરવા લાગે અને પાછો ચાલુ કારમાં બેસી જાય છે અને તે સમગ્ર પ્રક્રિયાનો વીડિયો કારમાં બેઠેલ વ્યક્તિ અથવા સેલ્ફી કેમેરાથી શૂટ કરવામાં આવે છે અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના કિકી ડાન્સના વીડિયો વાયરલ થઇ ચુક્યા છે અને લોકોના જીવને જોખમ હોવાથી ત્યાની પોલીસ દ્વારા એડવાયઝરી જાહેર કરવામાં આવી છે. જો કે આ મામલે મોબ લિંચિંગની ઘટનાઓની જેમ ગુજરાત પોલીસ અને જાસૂસી તંત્ર ઉંઘતું હોય તેમ લાગે છે. કારણ કે નેતાઓ અને પત્રકારોની એક એક હલચલની પર બાઝ નજર રાખનાર આઇબી ક્યાંય લોકોની સુરક્ષા તરફ નજર રાખવાનું ભૂલી જતી હોય તેમ લાગે છે. શું પોલીસ ગુજરાતમાં પણ યુવાનો કિકી ડાન્સના રવાડે ચડે અને પોતે અને અન્ય કોઈનો જીવ જોખમમાં નાખે ત્યાર બાદ તેના પર કાર્યવાહી કરશે? કે પછી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આવનાર આગામી તોફાનને ઓળખી તેને ખાળવાના પ્રયાસો કરશે તે જોવું રહ્યુ.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બ્લૂ વ્હેલ નામની આત્મઘાતી ગેમ વાયરલ થઇ હતી અને તેમાં કેટલાક કિશોરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બ્લૂ વ્હેલને ડામવા માટે સમગ્ર તંત્ર ઉધામાથે પડી ગયું હતું. ત્યારે હવે કિકી ડાન્સ પણ તેની ચરમસીમાએ પહોંચે તે પહેલા જ ગુજરાત પોલીસ જાગે તો તેને ગુજરાતમાં પ્રવેશતા પહેલા જ અટકાવી શકાય.ગુજરાતમાં આ કિકી ડાન્સ ચેલેન્જનું રૂપ થોડુ બદલાઇ પણ શકે છે. સામાન્ય રીતે આ ચેલેન્જમાં હાલ કારમાંથી ઉતરી ડાન્સ કરવામાં આવી રહ્યો છે. પણ ગુજરાતમાં કદાચ ચાલુ બસ, બાઇક કે રેલવેના પ્લેટફોર્મ પર ધીમી પડતી ટ્રેનમાંથી ઉતરીને આ ડાન્સ ચેલેન્જ પૂર્ણ કરવામાં આવે અથવા તો સ્કૂલ કે કોલેજના ટેરેસની દીવાલ કે બાલ્કમાં જોખમી રીતે ઉભા રહીને પણ આ ચેલેન્જ પૂર્ણ કરવામાં આવે તો નવાઇ નહીં. આટલા બધા ભયસ્થાનો વચ્ચે આઇબી, ગુજરાત પોલીસ, રેલવે પોલીસ, શાળા સંચાલકોની સાથે સાથે માતાપિતાએ જાગૃત થઇને પોતાના સંતાનોને આવા જોખમી સ્ટંટ કરતા રોકવાની ફરજ બને છે જેથી તેમના વ્હાલા સંતાનો તેમના ભાવિને ઉજ્વળ અને સુરક્ષિત બનાવી શકે. આ માટે માતા-પિતા તેમના સંતાનોના સોશિયલ મીડિયા પેજ અને મોબાઇલ પર નજર રાખી શકે છે કે ક્યાંક તેમનો પુત્ર કે પુત્રી આવી કોઈ જોખમી ચેલેન્જ તો નથી લઇ રહ્યો ને જેનાથી આવતીકાલે પસ્તાવાનો સમય ન આવે. કારણ કે આ આ ચેલેન્જ પણ બ્લૂ વ્હેલ ગેમથી કોઈપણ રીતે ઉતરતી કક્ષાની નથી.

Related posts

દેશનો વિકાસ શિક્ષણ વિના શક્ય નથી

aapnugujarat

શું ખરેખર ફડણવીસ સરકાર મરાઠાઓને અનામત આપી શકશે કે પછી….!!?

aapnugujarat

જૂથબંધી અને આંતરિક કકળાટ : કોંગ્રેસ કભી નહીં સુધરેગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1