Aapnu Gujarat
गुजरात

લો ગાર્ડનનું ખાણીપીણી બજાર કાયમી ધોરણે બંધ

શહેરની આગવી ઓળખ ગણાતાં પશ્ચિમ વિસ્તારનાં પ્રસિદ્ધ લો ગાર્ડનનાં ખાણી પીણી બજાર પર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ત્રાટકયું હતું. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાનાં સીધાં માર્ગદર્શન હેઠળ આજે સવારે પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ જેસીબી મશીન સાથે આ ખાણી પીણી બજાર પર ત્રાટકી હતી અને ગણતરીના કલાકોમાં લો ગાર્ડન વિસ્તારમાં વર્ષો જૂના ખાણીપીણી બજારના તમામ એકમોના શેડ, ટેબલ-ખુરશી તેમ જ રોડ પરના વિવિધ પ્રકારના દબાણો તાબડતોબ દૂર કરી ઝુંબેશ ચલાવતાં સમગ્ર વિસ્તાર અને શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કારણ કે, લો ગાર્ડન શહેરીજનો માટે ખાણીપીણીનું લોકપ્રિય અને માનીતુ સ્થળ હતું જયાં લોકો હરવા ફરવા આવવાની સાથે સાથે ખાણીપીણીની લુત્ફ ઉઠાવતા હતા. પરંતુ હવે આજથી અમ્યુકો તંત્રએ કાયમી ધોરણે લો ગાર્ડનનું ખાણી પીણી બજાર બંધ કરી દેવાયું છે. લો ગાર્ડનનું ખાણીપીણી બજાર હટાવી દેવાતાં ખાણીપીણીના શોખીન રસિયાઓમાં થોડી નારાજગીની લાગણી જોવા મળી હતી. મ્યુનિસિપલ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન બાબતે એક પછી એક આકરાં પગલાં લેવાઇ રહ્યાં છે. હાઇકોર્ટે કરેલી લાલ આંખને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરભરમાં પથરાયેલાં ખાણી પીણી બજારથી ગંદકી ઉપરાંત દબાણનો પ્રશ્ન હંમેશાં લોકોને પરેશાન કરતો રહ્યો છે. જેના કારણે કમિશનર વિજય નહેરાએ ખાણી પીણી બજારને પણ ટ્રાફિકની સુગમતા માટે નિશાન બનાવી હતી. આજે સવારે ૧૦ વાગ્યે લો ગાર્ડનનાં પ્રસિદ્ધ ખાણી પીણી બજાર પર તંત્ર અચાનક ત્રાટક્યું હતું. આ ખાણી પીણી બજારમાં ઓનેસ્ટ, અજય, અશરફી સહિતનાં ૪૯ યુનિટ ધમધમી રહ્યાં હતા. આ ખાણી પીણીનાં યુનિટ દ્વારા મોટા પ્રમાણમાં રોડ પર ટેબલ ખુરશી લગાવાતાં હોવાથી સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા બહુ વિકટ બનતી આવી હતી. પરિણામે તંત્ર દ્વારા ખાણી પીણી બજારનાં દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. પશ્ચિમ ઝોનનાં એસ્ટેટ ઓફિસર રાજેન્દ્ર જાધવે જણાવ્યું હતું કે, આજે સવારે ૧૦ વાગ્યે હાથ ધરાયેલાં ઓપરેશન સામે અમુક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે તેની અવગણના કરીને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાતથી વધુ દબાણની ગાડીમાં ટેબલ ખુરશી જપ્ત કરાયાં છે. સાંજ સુધી આ કામગીરી ચાલુ રાખી લો ગાર્ડનના આ ખાણી પીણી બજારના દબાણો દૂર કરી તેને કાયમી ધોરણે બંધ કરાવી દેવાયું છે અને લો ગાર્ડનવાળા આ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનનાં અન્ય ખાણી પીણી બજારો સામે પણ આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવાનો સંકેત અમ્યુકો તંત્રએ આપ્યો હતો. આજે મ્યુનિસિપલ તંત્રની સહાયતામાં સ્થાનિક એલિસબ્રિજ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. જોકે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, લો ગાર્ડનનાં ખાણી પીણી બજાર સાથે મ્યુનિ. ભાજપના એક પૂર્વ પદાધિકારી પણ સીધી રીતે સંકળાયેલા છે. અગાઉ સત્તાવાળાઓએ લો ગાર્ડનનાં ખાણી પીણી બજારને સ્વચ્છતાને મામલે અવ્વલ બનાવવા ખાસ પ્રોજેકટ હાથ ધર્યો હતો. જોકે તેમાં સફળતા મળી ન હતી.
લો ગાર્ડનનાં ખાણી પીણી બજારના કેટલાક સંચાલકો નિયમ બહાર ધંધો કરતા હોવાની વારંવાર ફરિયાદ ઊઠતી રહી છે. પરંતુ તેની સામે ટોચના કેટલાક રાજકારણીઓ સાથેના ઘરોબાના કારણે કોઇ પગલાં લેવાતાં ન હતાં. જોકે કમિશનર વિજય નહેરાએ સીધી સૂચના આપીને લો ગાર્ડનનાં ખાણી પીણી બજાર સામે કડક કાર્યવાહી કરતાં મ્યુનિસિપલ વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે. તો બીજીબાજુ, સ્વાદના રસિયા અને ખાણીપીણીના શોખીન નાગરિકોમાં નારાજગીની લાગણી પણ ફેલાયેલી જોવા મળી હતી.

Related posts

बीजेपी ने अपनी सुची जारी करते समय जातिसमीकरणो पर ध्यान रखा

aapnugujarat

दक्षिण गुजरात, सौराष्ट्र-कच्छ में बारिश का पूर्वानुमान

aapnugujarat

વડોદરા : ૬ કરોડની કિંમતના હેરોઈન સાથે નાઈજીરિયન ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1