Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ મેટ્રોના સ્ટેશન પરના એસ્કેલેટર્સ-લિફ્ટ બંધ રાખવા નિર્ણય લેવાયો

અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન શરુ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે. જોકે, હજુય મેટ્રોને ધાર્યો પ્રતિસાદ નથી મળી રહ્યો. પીક-અવર્સને બાદ કરતા મેટ્રો ટ્રેનો મોટાભાગે ખાલી જ જોવા મળી રહી છે. તેવામાં સત્તાધીશો દ્વારા મેટ્રોના ખર્ચા ઓછા કરવા માટે લગભગ તમામ સ્ટેશનો પર એસ્કેલેટર્સ તેમજ લિફ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મેટ્રોના અધિકારીઓનું માનીએ તો ૧૫ વર્ષના ગાળામાં મુસાફરોની સંખ્યા કેટલી વધશે તેનું આકલન કરીને એસ્કેલેટર્સ સહિતની સુવિધા ઉભી કરાઈ હતી. વળી, મેટ્રોમાં પ્રવાસ કરતા મોટાભાગના લોકો એસ્કેલેટર્સ વાપરતા પણ ના હોવાનો એક અધિકારીએ દાવો કર્યો હતો.
અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ મેટ્રો ટ્રેનને સામાન્ય જનતા માટે ખૂલ્લી મુકવામાં આવી હતી. હાલ શહેરમાં વાસણા એપીએમસીથી મોટેરા અને વસ્ત્રાલથી થલતેજ વચ્ચે મેટ્રો દોડે છે. અમદાવાદનો મેટ્રો રુટ કુલ ૩૨ કિલોમીટર લાંબો છે. જોકે, સર્વિસ ચાલુ થઈ ગઈ હોવા છતાંય હજુ સુધી સાબરમતી, થલતેજ તેમજ કાંકરિયા મેટ્રો સ્ટેશન શરુ નથી થઈ શક્યા. એટલું જ નહીં, મેટ્રોનો ટાઈમિંગ પણ સવારે નવથી રાત્રે આઠ વાગ્યા સુધીનો જ છે. મતલબ કે, અમદાવાદમાં મેટ્રો રોજના ૧૨ કલાક પણ નથી દોડતી.
એક તરફ મેટ્રો ટ્રેન ચલાવવા માટે રોજનો ખર્ચો કરોડોમાં આવે છે તો બીજી તરફ, ટિકિટ પેટે મેટ્રોને માંડ સાડા પાંચ લાખ રુપિયાની રોજની આવક મળે છે. રવિવાર કે રજાના દિવસોમાં મેટ્રોમાં ૫૫ હજાર જેટલા પેસેન્જર મુસાફરી કરે છે, પરંતુ સામાન્ય દિવસોમાં આ આંકડો ૩૫ હજાર કરતા પણ ઓછો છે.
હાલ શહેરમાં દોડતી મેટ્રોની ફ્રિકવન્સી પણ ૩૦ મિનિટની છે, મતલબ કે જો પેસેન્જર એક ટ્રેન ચૂકી જાય તો બીજી ટ્રેન માટે તેને અડધો કલાક રાહ જોવી પડે છે. જેનાથી મુસાફરોને ખાસ્સી અગવડતા પડી રહી છે. એટલું જ નહીં, મેટ્રો જે સ્ટેશન પર ઉતારે છે ત્યાંથી પેસેન્જરને જે ચોક્કસ જગ્યા પર પહોંચવાનું છે તેની કનેક્ટિવિટી પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક લોકો મેટ્રોમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં, પાર્કિંગ ફેસિલિટી ના હોવાના કારણે પણ ઘણા લોકો માટે મેટ્રો સ્ટેશન પહોંચવું અઘરું બની જાય છે.
સૂત્રોનું માનીએ તો, શરુઆતના સમયમાં કેટલાક મેટ્રો સ્ટેશનો પર પ્રોપર્ટીને નુક્સાન પણ કરવામાં આવ્યું હતું.
આખરે મેટ્રો સ્ટેશનોને ચોખ્ખા રાખવા માટે પાન-મસાલાની પિચકારીઓ મારવા ઉપરાંત મેટ્રોની સંપત્તિને નુક્સાન પહોંચાડવા આકરો દંડ વસૂલ કરવાનું શરુ કરવામાં આવ્યું હતું. હાલ ૯૦ ટકા જેટલા મેટ્રો સ્ટેશન એવા છે કે જેમાં એલિવેટર દ્વારા એન્ટ્રી કરવા માટે રસ્તો ક્રોસ કરીને સામેની તરફ જવું પડે છે. કેટલાક પેસેન્જરોની તો એવી પણ ફરિયાદ છે કે કેટલીક જગ્યાએ ટિકિટ ખરીદીને મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી લેનારા લોકો માટે પણ એસ્કેલેટર્સ બંધ જ રાખવામાં આવે છે.
આટલું ઓછું હોય તેમ મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગની માથાકૂટ પણ કંઈ કમ નથી. ઘણી જગ્યાએ તો એવી સ્થિતિ થઈ ગઈ છે કે વાહન મુકવાની બીજે ક્યાંય જગ્યા ના મળતા લોકો ચાલવાની જગ્યા પર જ પાર્કિંગ કરીને જતા રહે છે. વળી, રિક્ષાઓ પણ આસપાસ ઉભી રહેતી હોવાના કારણે મેટ્રો સ્ટેશનમાં એન્ટર થવા માટે પણ મુસાફરોએ ખાસ્સી જહેમત ઉઠાવવી પડે છે.
મુસાફરોને પડતી અગવડો, લાસ્ટ માઈલ કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ તેમજ ઓછી ફ્રિકવન્સી છતાંય મેટ્રોના અધિકારીઓને વિશ્વાસ છે કે એક વાર ગાંધીનગરનો રુટ ચાલુ થઈ જાય ત્યારબાદ મેટ્રોમાં મુસાફરોની સંખ્યા ચોક્કસ વધશે.

Related posts

ગુજરાતમાં ૫ હજારથી વધુ લોકોએ ગેસ સબસિડી પરત માંગી

aapnugujarat

સરપંચની ટર્મના એક વર્ષ સુધી હવે અવિશ્વાસ દરખાસ્ત નહી : હાઇકોર્ટનો મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો

aapnugujarat

સમી ખાતે લાયબ્રેરીનું લોકાર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1