Aapnu Gujarat
गुजरात

હિંમતનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાની હાજરીમાં ગાંધી જ્યંતિની ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ‘‘સ્વચ્છતા એ જ સેવા’’ કાર્યક્રમની ઉજવણી આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. શહેરના ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ પૂર્વે મંત્રી ગણપતસિંહ વસાવાએ મોતીપુરા સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી શહેરના માર્ગોની સફાઇ કરી શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશ નગરજનોને આપ્યો હતો.
પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગાંધીજીએ દેશવાસીઓને માત્ર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ આપવાનું કામ કર્યુ નથી પરંતુ તેની સાથે સમગ્ર દેશને સ્વચ્છતાના આગ્રહી બનાવી દેશને વિકસિત બનાવાની કલ્પના કરી હતી. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્વપ્નને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકાર કરવા કટિબધ્ધ બન્યા છે ત્યારે ગામે ગામ અને શહેર-શહેર આ અભિયાનમાં સહભાગી બને તે જરૂરી હોવાનું ઉમેર્યુ હતું.
મંત્રીએ અત્યારના પર્યાવરણની ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિકાસની આંધળી દોટમાં મનુષ્યએ જળ-જમીન અને વાયુને પ્રદૂષિત કરી મુક્યા છે તેથી જ નરેન્દ્ર મોદીએ નદીઓના સફાઇ અભિયાન માટે અલગ મંત્રાલયની રચના કરી છે, તો વળી સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઇ ઝુંબેશને વધુ મહત્વ આપી સ્વચ્છતાને સુટેવમાં લાવવાની પણ વાત કરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે જાણે ગામે ગામ અને શહેરમાં કે પછી રેલવે અને બસ સ્ટેશનમાં ગંદકીની હરિફાઇ જામી હોય તે રીતે લોકો દ્વારા ગંદકી કરવામાં આવી રહી છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિનું દરેક રીતે અનુકરણ કરી રહ્યા છીએ ત્યારે સ્વચ્છતાની બાબતમાં કેમ અનુસરણ કરતા નથી તે એક વિચાર માંગી લે તેવી વાત છે.
વસાવાએ આજે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ રહી છે તેમના સ્વચ્છતાનો આગ્રહ અને વિચારો આજે પણ શાશ્વત છે. તેમના જીવન એજ સંદેશમાંથી નાગરિકો અનુકરણ કરી સ્વચ્છતાને ટેવમાં પરિવર્તન કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ મહાત્મા ગાંધીની સ્વરાજથી સુરાજ્યની જે કલ્પના કરી હતી તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાકાર કરી રહ્યા છે. તેમણે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્તની પહેલ કરી ૧૧ કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યુ હોવાનું જણાવી જનભાગીદારી થકી જન કલ્યાણના કામોને વેગ આપવા પર ભાર મુક્યો હતો. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના પ્રમુખ અનિરુધ્ધ સોરઠીયા અને જે.ડી.પટેલે પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતું.
ફિટ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ગોપાલનગર વિસ્તારમાં શહેરીજનો માટે જીમેનેશીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત શહેરને સ્વચ્છ બનાવનાર શ્રેષ્ઠ સફાઇ કામદારનું મંત્રી વસાવાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જોડાનાર સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જયારે શહેરને પ્લાસ્ટીક મુક્ત બનાવવાના અભિયાન તેમજ સ્વચ્છ સોસાયટી સ્પર્ધાનો પણ પ્રારંભ કરાવી સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમની સાથે મંત્રી વસાવાએ બળવંતપુરા સ્થિત કન્યા છાત્રાલયની મુલાકાત લઇ વિદ્યાર્થિનીઓ સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ.ડામોર, નિવાસી અધિક કલેકટર વી.એલ.પટેલ, પ્રાંત અધિકારી યતીન ચૌધરી, પૂર્વ પ્રમુખ નીલાબેન પટેલ, ઉપપ્રમુખ જયાબેન પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો,વિધાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

સુએઝ ફાર્મ પાસે ડમ્પરની ટક્કરથી બે યુવકોના મોત

aapnugujarat

भाजपा के ३ विधायक गुजरात सरकार की कार्यशैली से नाराज

aapnugujarat

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આજે ભારત બંધ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1