Aapnu Gujarat
ब्लॉग

ગંભીર જેવા ઑપનરની ભારતને હંમેશા ખોટ પડશે

કોઈ ખેલાડીએ પોતાની ફેવરિટ રમતના વર્લ્ડ કપમાં રમવાનું નાનપણમાં સપનું સેવ્યું હોય અને તેને એક નહીં, પણ બે-બે વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળે અને એમાં પણ બન્નેની ફાઇનલમાં પોતાની ટીમને જિતાડે એવું તો લાખોમાં એક કિસ્સામાં બને. ખરુંને? થોડા જ દિવસ પહેલાં ક્રિકેટના મેદાનને કાયમ માટે અલવિદા કરનાર આપણા ફાંકડા બૅટ્‌સમૅન, ભરોસાપાત્ર ઓપનર, અનેક ઉપયોગી ભાગીદારીઓના ભાગીદાર, દિલ્હીમાં રહેતા ‘કોલકતાના ભૂતપૂર્વ નાઇટ રાઇડર’ અને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના સૌથી સફળ કૅપ્ટનોમાં ગણાતા ગૌતમ ગંભીરના કિસ્સામાં એવું બન્યું છે અને એ બે જીત તેની ૧૫ વર્ષની શાનદાર કારકિર્દીની બે સૌથી મોટી સિદ્ધિઓ છે.
સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્રસિંહ ધોની જેવા ધુરંધરોની હાજરી વચ્ચે ગંભીરને ટેસ્ટ અને ટી-ટ્‌વેન્ટી ફૉર્મેટમાં ક્યારેય કૅપ્ટન્સી સંભાળવા નહોતી મળી, પણ ૨૦૧૦-’૧૧ની સિઝનમાં ધોની જ્યારે છ જેટલી વન-ડે નહોતો રમ્યો અને વિરાટ કોહલી જ્યારે હજી નવો-નવો હતો ત્યારે ગંભીરને છ વન-ડેમાં સુકાન સંભાળવાની તક મળી હતી જેમાં તેણે બહુ જ સારી સફળતા મેળવી હતી. તેના નેતૃત્વમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતે વન-ડે શ્રેણી ૫-૦થી જીતી હતી અને પછી વેસ્ટ ઇન્ડિઝ સામે તેની કૅપ્ટન્સીએ એક વન-ડે જિતાડી આપી હતી. લેફ્ટ-હૅન્ડેડ ગંભીરને કૅપ્ટન્સીની એ નાનીઅમથી સફળતા આઇપીએલમાં કોલકતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની બાગડોર સંભાળવામાં બહુ કામ લાગી હતી. વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૪માં કોલકતા નાઇટ રાઇડર્સે આઇપીએલની ટ્રોફી જીતી હતી. આઇપીએલમાં શરૂઆતમાં ગંભીર દિલ્હી ડેરડેવિલ્સ (જેનું નામ હવે દિલ્હી કૅપિટલ્સ રખાયું છે) વતી રમ્યો હતો અને એને એકેય ટ્રોફી ન અપાવી શક્યાની ઇચ્છા તેણે કેકેઆરમાં બબ્બે વાર ચૅમ્પિયન બનીને પૂરી કરી હતી. દિલ્હી ડેરડેવિલ્સ છોડીને કેકેઆરમાં તે સૌથી ઊંચી કિંમતના ખેલાડી તરીકે ગયો હતો એટલે તેના પર અપેક્ષાનો બહુ મોટો બોજ હતો. જોકે, તેણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કેકેઆરના સહ-માલિક શાહરુખ ખાનનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું, ‘કેકેઆરે મને કૅપ્ટન્સીમાં ઘણી જ છૂટછાટો આપી હતી. શાહરુખ ખાનની શું વાત કરું. તે તો રત્ન છે. મને મારી રીતે સુકાન સંભાળવા મળ્યું અને એમાં મારું કૌશલ્ય ખીલ્યું હતું. ભારતીય ટીમના કૅપ્ટનોની વાત કરું તો કુંબલેથી ચડિયાતો બીજો કૅપ્ટન મેં જોયો નહોતો. તેની હેઠળ રમીને હું નેતૃત્વ કેવી રીતે સંભાળવું એ શીખ્યો હતો.
વીરેન્દર સેહવાગના શ્રેષ્ઠ સાથી-ઓપનરોમાંનો એક ગૌતમ ગંભીર ઘણા મહિનાઓથી ટિ્‌વટર પર ઍક્ટિવ છે. ખાસ કરીને પાકિસ્તાનમાંથી કે કોઈ પાકિસ્તાની ક્રિકેટર તરફથી સોશિયલ મીડિયામાં છૂટતા તીરનો ગંભીર બહુ સારો જવાબ આપતો હોય છે. સંભળાય છે કે ગૌતમ સામાજિક સ્તરે લોકોની વધુ નજીક આવવા રાજકારણમાં પ્રવેશવા ‘ગંભીર’ છે. એવું પણ કહેવાય છે કે તેને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળવાની છે. આ અટકળ જો હકીકતમાં ફેરવાશે તો લાગે છે કે ગંભીર ક્રિકેટ પછી હવે પૉલિટિક્સમાં પણ સફળ કારકિર્દીનો અવસર હાથમાંથી નહીં જવા દે. જે કંઈ હોય, ટીમ ઇન્ડિયાને વીરેન્દર સેહવાગ પછી હવે બીજા આક્રમક અને ઉપયોગી ઓપનિંગ બૅટ્‌સમૅનની ખોટ હંમેશાં વર્તાતી રહેશે.
માર્ચ, ૨૦૦૯માં નૅપિયર ખાતેની સિરીઝની બીજી ટેસ્ટમાં મહેન્દ્રસિંહ ધોની પીઠના દુખાવાને લીધે નહોતો રમ્યો અને કાર્યવાહક સુકાની વીરેન્દર સેહવાગ બૅટિંગ-પિચ પર ટૉસ હાર્યો હતો. રૉસ ટેલર (૧૫૧) અને જેસી રાઇડર (૨૦૧)ની મોટી ઇનિંગ્સથી ન્યૂ ઝીલૅન્ડે પ્રથમ દાવમાં ૬૧૯ રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો.
જવાબમાં ભારત પ્લાન મુજબ જવાબ નહોતું આપી શક્યું. ૨૪૬ રનમાં ૪ વિકેટ હતી, પણ ૩૦૫ રનના સ્કોર પર આખી ટીમ ડ્રેસિંગ-રૂમમાં પહોંચી ગઈ હતી. ફૉલો-ઑન થવાની ફરજ પડી હતી. ૩૦મા રને સેહવાગની પ્રથમ વિકેટ પડી હતી, પણ પછી ગંભીર અને દ્રવિડ વચ્ચે ૧૩૩ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ગંભીરે ૧૩૭ રનના તેના સ્કોરવાળી ઇનિંગ્સમાં સચિન સાથે ૯૭ રનની અને બીજા સદીકર્તા લક્ષ્મણ (૧૨૪ અણનમ) સાથે ૯૬ રનની પાર્ટનરશિપ કરી હતી અને ટીમ ઇન્ડિયા એ ટેસ્ટ ડ્રૉ કરાવવામાં સફળ થયું હતું. જેસી રાઇડરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો, પણ ભારતનો હીરો ગંભીર જ હતો.
૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપની શ્રીલંકાની ફાઇનલ ગંભીરની ૧૫ વર્ષની કરિયરની સર્વશ્રેષ્ઠ વન-ડે મૅચ ગણાય છે. ભારતને ૩૮ વર્ષે ફરી વન-ડેનો તાજ પહેરવાનો અમૂલ્ય મોકો મળ્યો હતો. વાનખેડેમાં એ ફાઇનલ રમાઈ હતી અને ભારતને જીતવા ૨૭૫ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે શ્રીલંકનોને હરાવવાના જ હતા, ઇતિહાસનું એક મહેણું પણ ભાંગવાનું હતું. ઘરઆંગણે ક્યારેય કોઈ ટીમ વર્લ્ડ કપની ફાઇનલ નહોતું જીત્યું, આટલો મોટો લક્ષ્યાંક (૨૭૫) ક્યારે પણ કોઈએ ચેઝ નહોતો કર્યો અને ફાઇનલમાં કોઈ હરીફ પ્લેયરની સદી (આ કિસ્સામાં માહેલા જયવર્દને અણનમ ૧૦૩) પછી તો નહીં જ.
સેહવાગ ઇનિંગ્સના બીજા જ બૉલ પર લસિથ મલિન્ગાનો એલબીડબલ્યૂમાં શિકાર થઈ ગયો હતો અને પછી સચિન પણ સસ્તામાં આઉટ થયો હતો. ભારતીય છાવણીમાં સોપો પડી ગયો હતો અને કરોડો ભારતીયો સન્નાટો મહેસૂસ કરી રહ્યા હતા. જોકે, ગંભીરે (૧૨૨ બૉલમાં ૯૭ રન) બાવીસ વર્ષીય વિરાટ કોહલી (૪૯ બૉલમાં ૩૫ રન) સાથેની જોડીમાં ભારતીય ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. ધોની પોતાને પ્રમોટ કરીને ઉપરના ક્રમે રમવા આવ્યો હતો અને અણનમ ૯૧ રન બનાવ્યા હતા અને યુવરાજે પણ ઉપયોગી અણનમ ૨૧ રન કર્યા હતા, પણ એ પહેલાં ગંભીર વિજયનો મજબૂત પાયો નાખી ગયો હતો.
એપ્રિલ, ૨૦૦૭માં વેસ્ટ ઇન્ડિઝમાં વન-ડેના વર્લ્ડ કપમાં ભારતે ખરાબ પર્ફોર્મ કર્યું ત્યાર પછી ચાર મહિના બાદ સાઉથ આફ્રિકામાં પહેલા જ ટી-ટ્‌વેન્ટી વર્લ્ડ કપનું આયોજન થયું હતું. સિલેક્ટરોએ લૉન્ગ-હેરવાળા ધોનીના સુકાનમાં યુવાન ટીમ સિલેક્ટ કરી હતી. યુવરાજની અફલાતૂન બૅટિંગ અને ચપળ ફીલ્ડિંગને લીધે ભારત ફાઇનલમાં પહોંચી ગયું હતું, પરંતુ ટૉપ-ઑર્ડરમાં ગંભીરની બૅટિંગથી ભારત એ વર્લ્ડ કપમાં ખૂબ ચમક્યું હતું અને પાકિસ્તાન સામેની ફાઇનલમાં પણ ગંભીરે પરચો બતાવ્યો હતો. સેહવાગ ઈજાને લીધે એ ફાઇનલમાં નહોતો રમ્યો, પણ ગંભીરે શરૂઆતથી એક છેડો સાચવી રાખીને ૫૪ બૉલમાં બનાવેલા બેનમૂન ૭૫ રનની મદદથી ભારતને ૧૫૭/૫નો લડાયક સ્કોર અપાવ્યો હતો. પછીથી જોગિન્દર સિંહ, ઇરફાન અને આર.પી. સિંહની બોલિંગથી પાક ૧૫૨મા રને ઑલઆઉટ થતાં ભારતનો પાંચ રનથી રોમાંચક વિજય થયો હતો.

Related posts

સ્વર્ગસમા સૌંદર્યધામ સમું માલદિવ ડૂબી જશે

aapnugujarat

कृषि-कानून : कांग्रेस का शीर्षासन

editor

ચીનમાં દર પાંચમાં દિવસે એક અબજોપતિ બને છે : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1