Aapnu Gujarat
ब्लॉग

ખેડૂતોની યોજનાઓના નામે કરોડોનો ધુમાડો છતા ખેડૂતોની સ્થિતી કફોડી

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધમપછાડા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સરકાર ૨ દિવસમાં મોટી જાહેરાત કરશે તેવો દાવો કરતાં ખેડૂતોને સરકાર દેવાં માફીની યોજના જાહેર કરશે તેવી આશા હતી. પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતના ખેડૂતોનાં પણ દેવાં માફ થશે તેવાં વહેતા થયેલા અહેવાલો વચ્ચે નીતિનભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી ખેડૂતોને ઘૂંટણીયે ગોળ લગાવ્યો છે. ખેડૂતો માટે તો ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ છે પણ ખેડૂતો એ ભૂલી ગયા છે કે, રૂપાણી સરકાર ગુજરાતમાં ખેડૂતોનાં માથે દેવું ન હોવાનું સોય ઝાટકીને કહે છે તો દેવું માફ ક્યાંથી કરે? જો કે આ તમામ જાહેરાતોમાં સૌથી મહત્વની વાત એ હતી કે ખેડૂતોને સીધા લાભ થાય તેવી એક પણ જાહેરાત ન હતી.રાજ્યમાં ૨૦ કરોડ રૂપિયાના ધિરાણ વચ્ચે સરકાર દર વર્ષે ૯૫ ટકા ખેડૂતો ધિરાણ ભરી દેતાં હોવાના સરકાર દાવાઓ કરી રહી છે. જો રૂપાણી સરકાર ખેડૂતોનાં દેવાં માફીની યોજના જાહેર કરે તો દેવાદાર ખેડૂતોનાં આંક જાહેર કરવા પડે. લોકસભાની ચૂંટણી સમયે કૃષિ વિકાસનો પરપોટો ફૂટે તેવું ન ઇચ્છતી રૂપાણી સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તેવી કોઈ શક્યતા નથી. ગુજરાતના કૃષિ વિકાસના નામે ચૂંટણી જીતવા ઇચ્છતી સરકાર આ મૂર્ખામી કરે તેવી કોઈ સંભાવના ન હોવાથી રાજ્યમાં ખેડૂતોનાં દેવાં માફ કરવાનાં સપનાં જોવાનું ખેડૂતો છોડી દે એ તેમના હિતમાં છે અને કોંગ્રેસમાં એટલી ત્રેવડ નથી કે ખેડૂતોનાં દેવાં માફ કરાવી શકે. ખેડૂતોનાં દેવાં માફ કરવા ગુજરાતમાં આક્રોશ રેલી કાઢનાર કોંગ્રેસ ૭૩ લાખ ખેડૂતોમાંથી ૫,૦૦૦ ખેડૂતો ભેગા કરી શકી ન હતી. જેથી કોંગ્રેસ માફ કરાવે કે ભાજપ સરકાર ખેડૂતોનાં દેવાં માફ કરશે તેવાં સપનાં જોવાં બેકાર છે.લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ વચ્ચે ગામડાઓમાં પક્કડ ગુમાવી બેઠેલી સરકાર ખેડૂતોના માટે નીત નવી યોજનાઓની લ્હાણી કરે છે.સરકારે વધુ એક યોજનામાં ખેડૂતોને લોલિપોપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના લાભાર્થે ખાતેદાર ખેડૂત આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતતા માટે સહાય યોજના ૨૬મી જાન્યુઆરી ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કર્યો છે.આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના ૧૦૦ % રાજ્ય સરકારના સહાયની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ અપાયેલી સહાય યોજના અંગેની સરકારી વિગતો અનુસાર ૨૬મી જાન્યુઆરી, ૧૯૯૬ થી વર્ષ ૨૦૧૨-૧૩ સુધીમાં કુલ ૧૫,૨૩૭ દાવાઓ મંજૂર કર્યા અને રૂ. ૧૩૧૩૫.૦૦ લાખ વીમા સહાય ખાતેદાર ખેડૂતના વારસદારોને ચૂકવવામાં આવી છે. એટલે કે ૧૬ વર્ષમાં સરકારે ૧૫ હજાર ખેડૂતોને ૧૩૧ કરોડ રૂપિયાની રાહત આપી છે. આમ સરેરાશ દર વર્ષે આ વીમા યોજનાઓ લાભ ૯૫૨ ખેડૂતોએ લીધો છે.હવે નીતિનભાઈએ આજની યોજના સમયે જાહેર કરેલા આંક અનુસાર સવા ૬ કરોડ ગુજરાતની પ્રજામાંથી ૨.૪૯ કરોડ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. જેમાં અત્યારસુધીમાં ૭૩,૨૫,૫૫૯ ખેડૂત ખાતેદારો આ અકસ્માત વીમા યોજનાનો લાભ લેતા હતા. જે પેટે સરકાર વીમા કંપનીઓને ૩૨થી ૩૫ કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભરે છે. આમ ગુજરાતના તમામ ખેડૂત ખાતેદાર વતી પ્રીમિયમ સરકાર દ્વારા ભરાય છે. હવે સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ ગ્રામીણ ખેડૂતોને લાભ આપવાના ઉદાત્ત હેતુસર આ વીમા પ્રીમિયમનો લાભ ખેડૂતના પરિવાર સુધી આપવાનો નિર્ણય લીધો છે. એટલે કે ખેડૂત, દિકરો અને પત્ની સુધી લાભ પહોંચાડતાં કુલ ૨.૪૦ કરોડ લોકો આ અકસ્માત પ્રીમિયમ હેઠળ આવરી લેવાશે. જે પેટે સરકારે હવે ૭૦ કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરવી પડશે. અત્રે નોંધવું ઘટે કે, આ વર્ષે બજેટમાં આ યોજના હેઠળ ૨૭.૮૨ કરોડ રૂપિયાના બજેટની ફાળવણી થઈ છે.વર્ષ ૧૯૯૬થી વર્ષ ૨૦૧૨-૧૩ સુધીના ૧૬ વર્ષમાં માત્ર વર્ષનો માત્ર એક હજાર ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ મળ્યો છે. હવે આ સંખ્યા ડબલ થઈ હોય તો પણ ૨,૦૦૦ ખેડૂત ખાતેદારોને હવે લાભ મળતો હશે. અત્યારસુધી સરકાર દર વર્ષે ૩૫ કરોડ રૂપિયા પ્રીમિયમ પેટે ભરે છે. આમ વીમા કંપનીઓ ન્યાલ થઈ રહી છે. ગુજરાતની પ્રજાના પૈસાએ વીમા કંપનીઓને બખ્ખાં થઈ રહ્યાં છે. હવે સરકાર ૨.૪૦ કરોડ લાભાર્થીઓ માટે પ્રીમિયમ વધારશે. જીવતા ખેડૂતોનાં દેવાં માફ ન કરી શકતી કે ખેડૂતોને પાકવીમાનો લાભ ન અપાવી શકતી સરકાર મૃતક ખેડૂતોના પરિવારને લાભ આપવાનો દાવો કરી રહી છે. આ યોજનામાં ખેડૂતોને લોલીપોપ વધુ અને વીમાકંપનીઓને ફાયદો વધુ છે. પાકવીમાના ગુજરાતમાં ખેડૂતોને હજુ લાભ મળ્યો નથી. જે માટે ખેડૂતો ટળવળી રહ્યાં છે. આ બાબતે સરકાર પાસે જવાબ નથી. આ યોજનામાં પણ વીમાકંપનીઓ કમાશે અને આમ આદમીના નામે વીમાકંપનીઓ ન્યાલ થશે. લોકસભાની ચૂંટણીને પગલે ગામડાઓમાં ફરી જનાધાર ઉભો કરવા માગતી ભાજપ સરકારે આજે જાહેર કરેલી યોજના એ ચૂંટણીલક્ષી જાહેરાતથી વધુ કંઇ નથી.કેન્દ્ર સરકારના એગ્રિકલ્ચર સ્ટેટિસ્ટિક-૨૦૧૬ના આંકડા મુજબ ગુજરાતમાં ખેડૂતની માસિક આવક ૭,૯૨૬ છે. જે પંજાબના ખેડૂતની ૧૮,૦૪૯ કરતા ૪૦% ઓછી અથવા હરિયાણાના ખેડૂત કરતા ૫૪% જેટલી ઓછી છે. ગુજરાતમાં ખેડૂતની એક દિવસની આવક ૨૬૪ છે જયારે ખેત મજૂરોની સ્થિતિ તો તેનાથી પણ વધુ દયનીય છે તેમની દૈનિક આવક માત્ર રૂ ૧૭૮ જેટલી જ છે.ગુજરાતમાં ૩૯.૩૦ લાખ કરતા વધુ ખેડૂતો એવા છે જેમની વાર્ષિક આવક રૂપિયા ૧ લાખ કરતા ઓછી છે. ખેડૂતોની ઓછી આવક પાછળ કારણ એ છે કે રાજયના ૮૫% ખેડૂતો નાના ખેડૂતો છે જેમની પાસે ૨ હેકટરથી ઓછી ખેતીની જમીન છે. જેના કારણે તેમની આવક ઓછી રહે છે. દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાતના ખેડૂતો માસિક ૭,૯૨૬ રૂપિયા અને વાર્ષિક ૯૫,૧૧૨ રૂપિયાની આવક મેળવે છે.
કુલ ખેડૂતોમાંથી ૪૨.૬ ટકા ખેડૂતો દેવાગ્રસ્ત છે. આ તમામ ખેડૂતોનું સરેરાશ દેવું ૩૮,૧૦૦ રૂપિયા છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની આવક ૧૨મા ક્રમે છે દેવામાં ગુજરાતનો નંબર ૧૪મો છે. ખેડૂતો માટે લાખ સુવિધાઓ અને સહાયની સરકારની જાહેરાતો વચ્ચે પણ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ સારી તો નથી જ. ગુજરાતની કુલ વસતિના ૪૮ ટકા લોકો એટલે કે, ૫૮.૭૧ લાખ કુંટુંબો ગામડામાં વસે છે. એમાંથી ૩૯.૩૦ લાખ કુંટુંબો ખેતીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. એમાંથી પણ ૧૦.૩૦ લાખ ખેડૂતો આદિજાતિના છે. ૧.૫૨ લાખ કુંટુંબો અનુસૂચિત જાતિના છે. ૧૯.૫૬ લાખ કુંટુંબો પછાત વર્ગોના છે. જ્યારે ૭.૯૧ લાખ કુટુંબો અન્ય સામાજિક વર્ગોના છે.ગુજરાતમાં છેલ્લા ૧૯૯૫થી ભાજપ સરકાર શાસનમાં છે ત્યારે તેમના ૨૨ વર્ષથી રાજ્યમાં અપાતા સુશાસનના દાવા છતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૭,૯૨૬ રૂપિયા અને વાર્ષિક આવક ૯૫,૧૧૨ રૂપિયા છે. હવે, ખેડૂતો જે માસિક રૂપિયા ૭૯૨૬ની આવક મેળવે છે. એમાં પણ તેઓ મહિને ૨૯૩૩ રૂપિયા ખેતીમાં મેળવે છે. જ્યારે બાકીના ૨૬૮૩ રૂપિયા તેઓ મજૂરીમાંથી મેળવે છે.૧૯૩૦ રૂપિયા પશુપાલનમાંથી ૩૮૦ રૂપિયા બિનખેતીની પ્રવૃત્તિમાંથી મેળવે છે. આમ, ગુજરાતનો ખેડૂત, માસિક જે સરેરાશ રૂપિયા ૭૯૨૬ની આવક મેળવે છે. એમાંથી તે માસિક ૭૬૭૨ રૂપિયાનો જ ખર્ચ કરી શકે છે. ગુજરાત કંઈ એકલું નર્મદા પર નિર્ભર નથી. ગુજરાતની બધી ખેતી નર્મદા યોજના પર નભતી નથી. આ યોજના હેઠળ માત્ર ૧૮ ટકા ખેતીની જમીનને સિંચાઈનો લાભ આપી શકાય છે ત્યારે સવાલ એ છે કે બાકીની ૮૨ ટકા જમીન માટે પણ કેમ સિંચાઈની વ્યવસ્થા થઈ નથી? ગુજરાત ના ખેડૂતોની વાસ્તવિકતા જોઈએ તો, દરેક ખેડૂતને ખેતીનું પાક લેવા માટે માસિક રૂપિયા ૨૨૫૦નો ખર્ચ કરવો પડે છે. એમાંથી તેમને માસિક રૂપિયા ૫૭૭૩ની ઉપજ થાય છે. એવી જ રીતે તેમને પશુપાલન માટે માસિક રૂપિયા ૨૩૯૯નો ખર્ચ કરવો પડે છે. તેની સામે તેમને પશુપાલનમાંથી માસિક રૂપિયા ૪૮૭૪ની આવક મળે છે. ગુજરાતમાં ખેતી ક્ષેત્રે સંકળાયેલા કુલ ખેડૂતો પૈકી ૪૨.૬ ટકા એટલે કે, ૧૬.૭૪ લાખ ખેડૂતોએ તેમના વિવિધ ખેતીના પાકો માટે જે તે સહકારી બેંકો કે મંડળીઓમાં કૃષિ વિષયક લોનો લીધેલી છે. આવા ખેડૂતોને માથે સરેરાશ ૩૮,૧૦૦નું દેવું છે. એક જાણકારી મુજબ ૧ હેકટરથી વધુ ખેતીની જમીન હોય તેવા ખેડૂતોને માથે સરેરાશ ૨૪,૭૦૦ રૂપિયાનું દેવું છે. એવી જ રીતે ૧થી ૨ હેકટર જમીન હોય તેવા ખેડૂતોના માથે ૩૧,૧૦૦ રૂપિયા, ૨થી ૪ હેકટર સુધી જમીન ધરાવનાર ખેડૂતને માથે ૮૨,૬૦૦ રૂપિયા, ૪થી ૧૦ હેકટર સુધી જમીન હોય તેવા ખેડૂતને માથે ૧.૧૪ લાખ રૂપિયાનું દેવું છે.ખેડુતોની આ દારરૂણતાને કારણે તેમનામાં રોષ ભડકયો અને તેઓ આંદોલન કરી રહ્યાં છે.તેમનાં આંદોલન માટે ઘણાં કારણો જવાબદાર છે.એક પણ ખેતપેદાશોના ભાવ ખેડૂતોને નથી મળતા.ખેડૂત ને જ્યારે જરૂર હોય તયારે ખેતીમાં પુરતી વીજળી મળતી નથી, માત્ર આઠ કલાક અને તે પણ રાત્રે મળે છે.
રોઝ-નીલગાય અને ભુંડ ખેડૂતોનો ઉભો પાક નાશ કરે છે, જંગલી પ્રાણીઓ આસપાસના ખેતરોમાં નુકસાન કરે છે અને જંગલ ખાતાવાળા કેસ કરે છે.ખાતર, બિયારણ,જંતુ-દવા, મંજૂરીના ભાવો છેલ્લા ૨૦ વર્ષમાં ત્રણ ગણા થયા છે, સામે ખેતપેદાશોના ભાવ વધવાને બદલે ઘટી ગયા.સરકારના ટેકાના ખેતપેદાશોની ખરીદીમાં કરોડો રૂપિયાનો ભષ્ટ્રાચાર થાય છે. ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીનો લાભ નહિવત્‌ મળે છે.ખેડૂતોના ૮૦ ટકા દીકરા-દીકરીઓ ગરીબ હોવા છતાં શિક્ષણ અને નોકરીઓના લાભોથી વંચિત રહેવું પડે છે.ખેડૂતોના પાકની કિંમત વેપારીઓ નક્કી કરે છે, જ્યારે બાકીના બધા પોતાની વસ્તુની કિંમત જાતે નક્કી કરે છે.ખેડૂતોના ગામડાની સ્થિતિ સુઘરવાને બદલે વધુ બગડેલ છે.ખેડૂતોના ખેત ઓજારો, ટ્રેક્ટર, મોનોબલોક પંપો માટે ડીઝલ મોંઘુ થયું છે.ગુજરાતનું ગામડું વઘુ ગરીબ બની ગયું અને હાલ ભાંગીને ભુક્કો થઈ જાય તેમ થયું છે.નકલી બિયારણ તથા બનાવટી જંતુનાશક દવાના ખુલ્લેઆમ વેચાણથી ખેડૂતો સાથે છેતરપિંડી થઇ રહી છે.
જીએસટીની આવક વધી છતાં ડીએપી ખાતરના ભાવમાં છેલ્લા બે મહિનામાં રુ.૨૧૦નો વધારો થયો છે.ગુજરાતમાં ખેતીમાં પિયતની અપુરતી સગવડ છે.ખેત ઓજારો ટ્રેક્ટર ઉપર સરકારે જીએસટીના ખેડૂતો ઉપર આર્થિક બોજથી માર પડ્યો છે.અનિયમિત વરસાદ અને દુષ્કાળથી ખેડૂતો દેવાના ડુંગરમા દટાય ગયા છે. વ્યાજખોરોનાં ઊંચા વ્યાજમાં ફસાયેલા છે.ખેડૂતોને પુરતી વીજળી મળતી નથી અને વીજ કનેકશનમાં ઉઘાડી લૂંટ થાય છે.ખેડૂતોના દીકરા અને દીકરી ઓને શિક્ષણની ગ્રામ્ય કક્ષાએ કોઇ સુવિધા નથી.ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના મોદી સરકારના નારા વચ્ચે ભાજપના જ શાસનમાં ખેડૂતોની માઠી બેઠી છે. ખેડૂતોની યોજનાઓના નામે કરોડોનો ધુમાડો થઇ રહ્યો છે. તેમ છતાં ખેડૂતો ખેતી છોડવા મજબૂર બની રહ્યા છે.ગુજરાત સરકારે વડાપ્રધાન પાક વીમા યોજના હેઠળ પ્રિમિયમ પેટે ૧૧ અબજ રૂપિયાનો માતબર ખર્ચો કર્યો છે. તેમ છતા ખેડૂતોને ઠેંગો મળ્યો છે. રાજ્યમાં ખેડૂતોની સ્થિતી કફોડી બની છે. પાક લીધા બાદ તેનો પૂરતો ભાવ નથી મળતો. સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે. તેમ છતાં તેને પાક વેચવા દર દર ભટકવું પડે છે.સરકારના ટેકાના ભાવ ઘણી વાર કાગળ પર જ રહે છે અને આખરે ખેડૂતને ઓછા ભાવે અનાજ વેચવુ પડે છે. આવામાં પાક વીમા યોજના પણ જાણે બોદા વાયદા સમાન બનીને રહી છે. સરકારે વિધાનસભામા જણાવ્યુ છે કે પીએમ પાક વીમા યોજના હેઠળ રાજ્યના ૧૯.૭૫ લાખ ખેડૂતોને આવરી લેવાયા છે.
આ ખેડૂતોના પાકવીમા માટે રાજ્ય સરકારે ૨૦૧૬માં પ્રિમિયમ પેટે ૬૫ લાખ રૂપિયા ભર્યા છે. તો ૨૦૧૭માં દસ અબજ ૫૮ લાખ ૩૪ હજાર વીમા કંપનીઓને ચૂકવ્યા છે. જો કે ખેડૂતોને આ વીમાના પૈસા ચૂકવવામાં ઠાગાઠૈયા કરાતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.ભાજપના રાજમાં વીમા કંપનીઓને પણ કમાણીનુ મોકળુ મેદાન મળી ગયું છે. પ્રિમિયમના બે ટકા ખેડૂતો પાસેથી લેવાય છે. તેમાં પણ કૌભાંડની ગંધ આવી રહી છે.

Related posts

प्रेम-विवाह सबसे ऊपर

editor

આ 8 સંકેતો દર્શાવે છે કે તમારી ગર્લફ્રેન્ડ તમારાથી બ્રેકઅપ ઈચ્છે છે

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1