Aapnu Gujarat
गुजरात

બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ડેટા ચોરી કેસમાં વધુ બે ઝડપાયા : સુરત ક્રાઇમબ્રાંચે આઠ આરોપીઓની ધરપકડ કરી

બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના ડેટા ચોરી તેના આધારે સરકારી અનાજ અને પુરવઠો બારોબાર સગેવગે કરવાના ચકચારભર્યા કૌભાંડમાં સુરત ક્રાઇમબ્રાંચ પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી કલ્પેશ શાહ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ રણજીત કો.ઓ.હા.સા.લિમાં રહે છે અને સમગ્ર કૌભાંડમાં તેણે મુખ્ય આરોપી સોફ્ટવેર એન્જિનીયર મયુર શર્માને સાત લાખ રૂપિયામાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના ડેટા ચોરીને પૂરા પાડયા હતા. પોલીસે મુખ્ય આરોપી અને સોફ્ટવેર એન્જિનીયર એવા મયુર શર્માની પણ ધરપકડ કરી લીધી છે. આ સાથે જ સરકારી રાશન સગેવગે કરવાના કૌભાંડમાં કુલ ધરપકડનો આંક આઠ પર પહોંચ્યો છે. પોલીસે સમગ્ર કૌભાંડની તપાસ જારી રાખી છે અને હજુ વધુ મોટા માથા અને સરકારી કર્મચારીઓ-અધિકારીઓની સંડોવણી પણ બહાર આવે તેવી શકયતા સેવાઇ રહી છે. બીજીબાજુ, બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના ડેટા ચોરી તેના આધારે સરકારી અનાજ અને પુરવઠો બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં અમરેલીમાં પણ તપાસનો રેલો પહોંચ્યો હતો કારણ કે, અમરેલીના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના સ્થાનિક નેતાઓ અને મોટામાથાઓના ડેટા ચોરી તેમના નામે બીજુ કોઇ જ સરકારી અનાજ અને રાશન પુરવઠો લઇ જવાની ચોંકાવનારી હકીકતો સામે આવી હતી, જેના આધારે જિલ્લા તંત્રએ અમરેલીના આઠથી વધુ પરવાનેદારોના પરવાના સ્થગિત કરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. તો, સુરત ક્રાઇમબ્રાંચે પણ સુરત, અમદાવાદ, અમરેલી સહિતના અન્ય શહેરો અને જિલ્લા-તાલુકા સુધી તપાસનો દોર લંબાવ્યો છે અને ત્યાંથી પણ ખૂટતી કડીઓ મેળવવાના પ્રયાસો આદર્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રાજયમાં બોગસ રેશનકાર્ડ મારફતે ખાદ્યચીજ અને કેરોસીનનો પુરવઠો ઉપાડવાનું હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ સુરતના આરટીઆઇ એકટીવીસ્ટ અજય જાંગીડે કર્યો હતો. આરટીઆઇ કાર્યકર્તા અજય જાંગીડે રાજયનું આ સૌથી મોટું સહકારી કૌભાંડ હોવાનો આરોપ લગાવતાં દાવો કર્યો હતો કે, બોગસ રેશનકાર્ડ મારફતે ચાલતુ આ કૌભાંડ અંદાજે રૂ.સાતથી આઠ હજાર કરોડ રૂપિયાનું છે. તેમણે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, રાજયના ૬.૧૬ લાખ નોંધાયેલા રેશનકાર્ડધારકો પૈકી ૧.૨૭ કરોડ રેશનકાર્ડ ધારકોના ફીંગરપ્રિન્ટ ચોરાઇ ગયા છે અને તેમના નામે બીજુ જ કોઇ પુરવઠો લઇ જાય છે. તેમાં નાના માણસોથી માંડી વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સુરતના સાંસદ દર્શના ફિરદોશ, દિલીપ સાંઘાણી, ઝંખના પટેલ, નારણ કાછડિયા જેવા અનેક મોટા માથાઓના નામોનો સમાવેશ થાય છે કે જેમના નામે બીજુ જ કોઇ પુરવઠો લઇ જાય છે. અખબારોમાં આ અહેવાલો બાદ સુરત ક્રાઇમબ્રાંચે તેની તપાસ વધુ વેગવંતી અને અસરકારક બનાવી હતી, જેમાં અત્યારસુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી અને સોફ્ટવેર એન્જિનીયર એવા મયુર શર્મા અને અમદાવાદના કલ્પેશ શાહની ગઇકાલે ધરપકડ કરી તેમની પાસેથી ચોંકાવનારી માહિતી મેળવી હતી. જે મુજબ, અમદાવાદનો કલ્પેશ શાહ અગાઉ ટેરા કંપની કે જેને સરકારે રાશનકાર્ડનો ડેટા કોન્ટ્રાકટ આપ્યો હતો, તેની સબ કોન્ટ્રાકટ કંપનીમાં આરોપી કલ્પેશ શાહ ફરજ બજાવતો હતો, તેણે આ બધો ટેડા ચોરી આરોપી મયુર શર્માને સાત લાખ રૂપિયામાં વેચી માર્યો હતો. મયુર શર્માએ આ ડેટાના આધારે કેન્દ્ર સરકારની ઇબીએફએસ એપ્લિકેશન સાથે ચેડા કરી બોગસ સોફ્ટવેર તૈયાર કર્યું હતું અને રાશનકાર્ડની દુકાનોમાં આ બોગસ સોફ્ટવેર પૂરુ પાડયું હતું અને તેના આધારે ચોરેલા બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના આધારે રાશનનો પુરવઠો અને જથ્થો બારોબાર બીજાઓના નામે સગેવગે કરાતો હતો. સુરત ક્રાઇમબ્રાંચે તેની તપાસનો દોર અમદાવાદ, અમરેલી સહિતના અન્ય શહેર-જિલ્લાઓ સુધી પણ લંબાવ્યો છે અને કૌભાંડની ખૂટતી કડીઓ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

Related posts

ઇવીએમ સાથે વીવીપેટના અમલ માટે કોંગ્રેસની માંગ

aapnugujarat

સજીવ ખેતીના ક્ષેત્રમાં વડોદરા જિલ્‍લાના ખેડૂતોએ કાઠુ કાઢયું છે અને અન્‍ય ખેડૂતોને માર્ગદર્શક બન્‍યા

aapnugujarat

મહિસાગરના વન્ય વિસ્તારમાં વાઘ હોવાની બાબતને સમર્થન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1