સંકલ્પશક્તિથી સિધ્ધ થતા સર્વાંગી વિકાસના ભાગરૂપે વડોદરા નગરપાલિકા દ્વારા અંદાજે રૂા. ૬૫ કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોના શુભારંભ/ખાતમુહૂર્ત તા.૬/૫/૨૦૧૭ શનિવારના રોજ બપોરના ૩.૩૦ કલાકે લેઉવા પટેલ હોલ, છાણી-સોખડા રોડ, વડોદરા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે થશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂા. ૨૮.૧ કરોડના ખર્ચે તૈયાર થનાર જી.આઇ.ડી.સી., મકરપુરા ખાતે નવીન ટાંકીને સંલગ્ન પાણીની નળીકાનું નેટવર્ક કામનો શુભારંભ કરાશે. જ્યારે રૂા. ૧૪.૩૮ કરોડના ખર્ચે છાણી તળાવના નવીનીકરણની કામગીરી, રૂા. ૧૧.૪૬ કરોડનું વાસણા ખાતે નવીન ટાંકીનો સંલગ્ન પાણીની નળીકાનું નેટવર્કની કામગીરી તેમજ રૂા. ૮.૨૬ કરોડના ખર્ચે તૈયાર થનાર બાલાજી પાર્ટી પ્લોટથી ૪૦ મી.નો રીંગ રોડ, વડસર બીલાબોંગ સ્કૂલ સુધીનો ૧૮મી.નો રસ્તો બનાવવાના કામનો શુભારંભ કરવામાં આવશે. ઉપરાંત રૂા. ૨.૮૭ કરોડના ખર્ચે કલ્યાણનગર નવીનગરી અને બાલભવન વિસ્તારમાં નવીન એ.પી.એસ. બનાવવાનું તથા સંલગ્ન ગ્રેવીટી અને પ્રેશર લાઇન નાંખવાના કામનું ખાતમુહૂર્ત કરાશે.
આ અવસરે ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો સર્વશ્રી સૌરભભાઇ પટેલ, શ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા, શ્રી યોગેશભાઇ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ તેમજ વુડા અધ્યક્ષ શ્રી એન.વી.પટેલ ઉપસ્થિત રહેશે.