ક્રાઇમબ્રાંચના અધિકારી તરીકે ઓળખ આપી લોકોને લૂંટતા ભાવિક નરેન્દ્રભાઇ સુથાર (ઉ.વ૨૫) નામના એક શખ્સને શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી પોલીસનો પ્લાસ્ટિકનો દંડો તેમ જ ફોર વ્હીલરની નંબરપ્લેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અગાઉ સુથારીકામ કરતો હતો અને હાલમાં છેલ્લા બે મહિનાથી ઓલા કેબમાં ટેક્સી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ક્રાઇમબ્રાંચે આરોપી ભાવિક સુથારે અગાઉ આ પ્રકારના કેટલા ગુનાઓ આચર્યા છે અને કયા પ્રકારની લૂંટ ચલાવી છે તે દિશામાં તપાસ આરંભી છે. આ અંગેની વિગત એવી છે કે, સુઘડ ખાતે પાર્શ્વનાથ એટલાન્ટિક પાર્ક ખાતે રહેતો અને વસ્ત્રાપુર એલજે કોમર્સ કોલેજમાં બીબીએ ફાઇનલ યરમાં અભ્યાસ કરતો શુભમ સુશીલભાઇ ચૌધરી તા.૧૪-૫-૧૭ના રોજ તેના મિત્ર અવિનાશ ઉર્ફે લકી રોય સાથે પોતાના બાઇક પર વિસત પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ પરથી પસાર થતો હતો ત્યારે સામેથી આવેલી સફેદ ટાટા ઇન્ડિગો કારમાંથી ઉતરી આરોપી ભાવિક સુથારે આ બંને જણાંને અટકાવ્યા હતા. આરોપીએ કોઇપણ વાંક વગર શુભમને હું કોણ છું ઓળખે છે, હું ક્રાઇમબ્રાંચમાં ઓફિસર છું..એમ કહી શુભમને પીઠના ભાગે બે-ચાર દંડા ફટકારી દીધા હતા અને તેની પાસેથી બળજબરીપૂર્વક પર્સમાંથી એક હજાર રોકડા અને આરસી બુકનું સ્માર્ટકાર્ડ આંચકી લીધા હતા. એટલું જ નહી, આવતીકાલ સુધીમાં પાંચ હજાર આપી જવા અને આરસી બુક લઇ જવા કહ્યું હતું. સાથે સાથે જો આ બનાવની વાત કોઇને કહીશ તો હાથપગ તોડી નાંખવાની ધમકી આપી હતી. બીજા દિવસે એટલે કે, ગઇકાલે આરોપીએ પૈસાની ઉઘરાણી માટે શુભમને ૨૦થી ૨૫ ફોન કરી તેને પહેલા કાલુપુર તેમ જ નાના ચિલોડા અને છેલ્લે ઓએનજીસી સર્કલ પાસે બોલાવ્યો હતો. આરોપીની વર્તણૂંક પરથી શંકા જતાં શુભમે ક્રાઇમબ્રાંચમાં જાણ કરી હતી. જેને પગલે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ છટકું ગોઠવી આરોપી ભાવિક સુથારને ઓએનજીસી સર્કલ પાસે બોલાવડાવ્યો હતો અને ત્યાં આવતાં જ તેને ઝડપી લીધો હતો.
previous post