Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મેં, મારી બહેને અમારા પિતાના હત્યારાઓને માફ કરી દીધા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પોતે અને એમના બહેન પ્રિયંકા ગાંધીએ એમના પિતા રાજીવ ગાંધીના હત્યારાઓને સંપૂર્ણપણે માફ કરી દીધા છે.ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં વેલ્લુપિલ્લાઈ પ્રભાકરનની આગેવાની હેઠળનું તામિલ ઉગ્રવાદી સંગઠન એલટીટીઇ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાનું કાવતરું ઘડવા અને હત્યા કરવા માટે દોષી જણાયું છે.રાહુલે શનિવારે ક્વાલાલમ્પુરમાં ભારતીય વસાહતીઓનાં એક સંમેલનમાં હાજરી આપી હતી. ત્યાં એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તમે અને તમારા બહેને તમારા પિતા રાજીવ ગાંધીના હત્યારાઓને માફ કરી દીધા છે? ત્યારે એના જવાબમાં રાહુલે કહ્યું કે, અમે બહુ જ અપસેટ થઈ ગયા હતા અને ઘણા વર્ષો સુધી દુઃખી રહ્યા હતા. અમે ખૂબ ગુસ્સામાં પણ રહ્યા હતા, પરંતુ હવે કોઈક રીતે સંપૂર્ણપણે (હત્યારાઓને) માફ કરી દીધા છે.જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જ કોઈકને સમજાય છે કે ક્યાં વિચારોનો કેવો ટકરાવ હોય છે, કેવી ગૂંચવણ હોય છે. જ્યારે મેં પ્રભાકરનને (૨૦૦૯માં) લોહીલૂહાણ હાલતમાં ટીવી પર જોયો ત્યારે મને બે પ્રકારની લાગણી થઈ હતી કે શા માટે એ લોકો આ માણસ સાથે આવી રીતે વર્તાવ કરે છે. અને બીજી લાગણી થઈ હતી કે મને એ માણસ માટે અને એના બાળકો માટે બહુ દુઃખ થયું હતું. કારણ કે ભૂતકાળમાં અમે આવો જ અનુભવ કરી ચૂક્યા છીએ તેથી અમે આ બધું સમજી શકીએ છીએ.
લોકોને ધિક્કારવાનું મને અને મારી બહેનને ગમતું નથી. મને કોઈ પણ પ્રકારની હિંસા ગમતી નથી.ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનું ૧૯૯૧ની ૨૧ મેની મોડી સાંજે તામિલ નાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે એક ચૂંટણી સભા વખતે એલટીટીઈની એક મહિલા આત્મઘાતી બોમ્બરે કરેલા વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું. એ હુમલો પ્રભાકરનની આગેવાની હેઠળના ત્રાસવાદી જૂત એલટીટીઇ દ્વારા કરવામાં આવ્યો હતો.૧૯૯૮માં, ત્રાસવાદ-વિરોધી ટાડા કોર્ટે રાજીવ ગાંધીની હત્યા માટે અને ષડયંત્ર ઘડવા માટે ૨૬ જણને અપરાધી જાહેર કર્યા હતા. કોર્ટે પ્રભાકરનને પણ જવાબદાર ગણાવ્યો હતો. ટાડા કોર્ટે તમામ ૨૬ અપરાધીઓને ફાંસીની સજા ફરમાવી હતી, પણ એમાંના અમુકની સજાને બાદમાં આજીવન કેદમાં ફેરવવામાં આી હતી. કાયમ એવી અટકળો થઈ છે કે રાજીવની હત્યામાં એલટીટીઈ ઉપરાંત બીજા અમુક જણ પણ સંડોવાયેલા હતા. એ વિશે જૈન પંચે તપાસ કરી હતી.રાહુલે ક્વાલાલમ્પુરના સંમેલનમાં વધુમાં કહ્યું હતું, મારા પિતાને મરવું પડશે એની અમને જાણ હતી. મારા દાદીને મરવું પડશે એની પણ અમને જાણ હતી. રાજકારણમાં, જ્યારે તમે ખોટી શક્તિઓ સાથે જોડાઈ જાવ અને તમે કોઈક બાબતને વળગી રહો તો તમારે મરવું પડે. રાજકારણમાં તમારે એવી મોટી શક્તિઓનો સામનો કરવો પડે છે જે તમને સામાન્ય રીતે દેખાય નહીં, પણ એ લોકો તમને હાનિ પહોંચાડી શકે.

Related posts

Maharashtra NCP chief Sachin Ahir joins Shiv Sena

aapnugujarat

બેંક-મોબાઈલ આધાર લિંકિંગ માટે બે કાયદામાં ફેરફાર કરશે સરકાર

aapnugujarat

સૂરજેવાલે વડાપ્રધાન મોદીની સરખામણી બંદર સાથે કરી..!!

editor

Leave a Comment

UA-96247877-1