આવતીકાલે ડીપીએસના બે હજાર વિદ્યાર્થી ગાંધીવિચારની પરીક્ષા આપશે

શહેરના બોપલ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં આવતીકાલે એક અનોખી ઘટના બનવા જઇ રહી છે. આવતીકાલે ડીપીએસ, બોપલના બે હજાર બાળકો એકસાથે ગાંધી વિચારની પરીક્ષા આપશે. એકસાથે બે હજાર બાળકો ગાંધી વિચારની પરીક્ષા આપી રહ્યા હોય તે સૌપ્રથમ ઘટના છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા ૨૦૧૯માં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થવાની છે તેના ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ અને ડીપીએસ સ્કૂલ, બોપલ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. આ અંગે નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ અને ડીપીએસ,બોપલના ઓએસડી ઉન્મેશ દિક્ષિતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના વ્યકિતત્વ વિકાસ, સામાજિક અને ચરિત્ર ઘડતરમાં ગાંધી મૂલ્યો અને આદર્શોનું ઘણું જ મહત્વ છે. નવજીવન ટ્રસ્ટની ગાંધી પરીક્ષામાં સામેલ થનાર ડીપીએસ સ્કૂલ ગુજરાતની સૌપ્રથમ સ્કૂલ છે. વિદ્યાર્થીઓને તેમના ઘણા પ્રશ્નોના ઉત્તર ગાંધીજીની આત્મકથામાંથી જ મળી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉજવણી થવાની છે, તેથી નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધીજીની જન્મજયંતિની આ ઉજવણીમાં પોતાની રીતે સહભાગી બનવા અને કંઇક અલગ કરવા અનોખી પહેલ કરાઇ હતી. જેમાં ટ્રસ્ટ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતની ઘણી શાળાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને તેમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગાંધીજીની આત્મકથા ભણાવવા અને ગાંધી મૂલ્યો સાચા અર્થમાં ચરિતાર્થ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો. જેમાં શહેરની બોપલ સ્થિત ડીપીએસ સ્કૂલ દ્વારા હકારાત્મક પ્રતિસાદ અપાયો હતો અને શાળાના બે હજાર વિદ્યાર્થીઓને ગાંધીજીનું શિક્ષણ ભણાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો, જેમાં ડીપીએસ સ્કૂલ દ્વારા પોતાના ખર્ચે ગાંધીજીની આત્મકથાઓ ખરીદી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ અને ડીપીએસ,બોપલના ઓએસડી ઉન્મેશ દિક્ષિતે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી ગાંધીજીની આત્મકથા માત્ર તેમની સ્કૂલ બેગ કે કબાટમાં જ ના રહી જાય તે હેતુથી નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધી વિચારની પરીક્ષાનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે ૮થી ૧૧ દરમ્યાન બોપલ સ્થિત ડીપીએસ સ્કૂલના બે હજાર જેટલા બાળકો ગાંધી વિચારની એકસાથે પરીક્ષા આપશે. ગાંધી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને નવજીવન ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવશે અને તેઓને પ્રોત્સાહક ઇનામ પણ એનાયત કરવામાં આવશે. ડીપીએસ,બોપલના ઓએસડી ઉન્મેશ દિક્ષિતે જણાવ્યું હતું કે, અમારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ભલે વિશ્વ આખાનું જ્ઞાન મેળવે પરંતુ જો તે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને જ નહી સમજયો હોય તો તેનું શિક્ષણ અધૂરું રહી જશે એવું મને લાગે છે. અમારા બાળકો હવે ગાંધીજીને ભણશે, તેમને સમજશે અને જીવનમાં ઉતારશે.

Related posts

Engineer’s Day 2022: PM Modi says govt working to build more engineering college

US sends education trade mission to India

75,000 study permit applications submitted from India in processing stage: Canada