Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કનિષ્ક ગોલ્ડની ૧૪ બેંકની સાથે ૮૨૪ કરોડથી વધુની છેતરપિંડી

પંજાબ નેશનલ બેંકમાં દેશના સૌથી મોટા લોન કૌભાંડની તપાસ વચ્ચે વધુ એક જ્વેલરી કંપનીનો બેંકિંગ કૌભાંડ સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ્વેલર ચેઇન કનિષ્ક ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૮૨૪.૧૫ કરોડના લોન ફ્રોડને લઇને સીબીઆઈ પાસેથી તપાસની માંગ કરી છે. કનિષ્કની રજિસ્ટર્ડ ઓફિસ ચેન્નાઈમાં છે. આના માલિક અને પ્રમોટર-ડિરેક્ટર ભૂપેશકુમાર જૈન અને નીતા જૈન છે. બેંકરોનું કહેવું છે કે, આ દંપત્તિનો સંપર્ક થઇ શક્યો નથી. એમ માનવામાં આવે છે કે, આ બંને હાલ મોરિશિયસમાં છે. સીબીઆઈએ હાલમાં એફઆઈઆર દાખલ કરી નથી. જે ૧૪ સરકારી અને ખાનગી બેંકોએ કનિષ્કને લોન આપી છે તેમાં એસબીઆઈ સૌથી આગળ છે. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે લખવામાં આવેલા એક પત્રમાં એસબીઆઈએ કનિષ્ક પર રેકોર્ડમાં ફેરફાર કરવા અને રાતોરાત દુકાનો બંધ કરવાનો આક્ષેપ કર્યો છે. મૂળ રકમ ૮૨૪ કરોડ રૂપિયાની છે પરંતુ વ્યાજને જોડી દેવામાં આવે તો બેંકોને ૧૦૦૦ કરોડથી પણ વધુનું નુકસાન થઇ ચુક્યું છે. આની માહિતી સૌથી પહેલા એસબીઆઈએ ૧૧મી નવેમ્બર ૨૦૧૭ના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપી હતી. જાન્યુઆરી સુધી બીજી બેંકોએ પણ રેગ્યુલેટરને છેતરપિંડી અંગે માહિતી આપી હતી. એસબીઆઈનું કહેવું છે કે, જ્વેલરે સૌથી પહેલા માર્ચ ૨૦૧૭માં વ્યાજ ચુકવણીમાં આઠ સભ્ય બેંકોમાં ડિફોલ્ટ કર્યો હતો. એપ્રિલ ૨૦૧૭ સુધી કનિષ્કે તમામ ૧૪ બેંકોને પેમેન્ટ રોકી દીધું હતું. પાંચમી એપ્રિલ ૨૦૧૭ના દિવસે સ્ટોક ઓડિટની શરૂઆત કરતી વેળા બેંકર્સ પ્રમોટરોનો સંપર્ક કરવામાં અસફળ રહ્યા હતા. ૨૫મી મે ૨૦૧૭ના દિવસે જ્યારે બેંકરોએ કનિષ્કની કોર્પોરેટ ઓફિસનો પ્રવાસ કર્યો ત્યારે ફેક્ટ્રી, શોરુમ બંધ હતા. ત્યાં કોઇ કામકાજ થઇ રહ્યું ન હતું. તે જ દિવસે ભુપેશ જૈને બેંકરોને પત્ર લખીને રેકોર્ડમાં ગેરરીતિ આચરી હોવાની કબૂલાત કરી હતી. મોડેથી જ્યારે બેંકરો બીજા શો રુમ ઉપર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે, આ તમામ પણ બંધ છે. મદ્રાસ જ્વેલર્સ એન્ડ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રતિનિધિનું કહેવું છે કે, કંપની નુકસાનને સહન કરવાની સ્થિતિમાં ન હતી અને મે ૨૦૧૭માં જ બંધ કરી દેવામાં આવી હતી. એસબીઆઈના પત્રથી જાણવા મળ્યું છે કે, કનિષ્ક પર લોન ચુકવણી ૨૦૦૭થી બાકી રહી છે. સમય પસાર થવાની સાથે બેંકોએ કનિષ્ક માટે ક્રેડિટ લિમિટ અને વર્કિંગ કેપિટલ લોનની મર્યાદા વધારી દીધી હતી. એક પછી એક બેંકિંગ કૌભાંડ સપાટી ઉપર આવી રહ્યા છે. પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત ૧૨૦૦૦થી પણ વધુનો કાંડ સપાટી પર આવી ગયા બાદ વધુ કૌભાંડ ખુલતા રહ્યા છે. હાલના સમયમાં બેંકિંગ ક્ષેત્રની હાલત કફોડી બનેલી છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં મુખ્ય સુત્રધાર નિરવ મોદી અને મેહુલ ચોક્સી હાલ વિદેશમાં છે ત્યારે આ બેંકિંગ કૌભાંડમાં સામેલ દંપત્તિ પણ વિદેશમાં હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. કનિષ્ક ગોલ્ડે ૧૪ બેંકો સાથે ૮૨૪.૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની વિગતો ખુલી છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં સીબીઆઈ અને ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

સેન્સેક્સમાં ૧૯૮ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

बंबई उच्च न्यायालय का RBI से सवाल : नोटों – सिक्कों के आकार -विशिष्टताओं में बदलाव क्यों..?

aapnugujarat

પાકિસ્તાન સાથે ચર્ચા માટે ભારત તૈયાર : રાજનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1