Aapnu Gujarat
ગુજરાત

સમાજ સેવક ગોકળદાસ પરમાર કોરોના સામે જંગ હાર્યા

મોરબી-માળીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમાર આજે કોરોના સામે જંગ હારી ગયા છે. તેઓને મોરબીના ગાંધી ગણવામાં આવતા હતા. ગોકળદાસનું દુઃખદ અવસાન થતા મોરબીવાસીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. ગોકળદાસ પરમાર આજે પણ લોકોમાં એ જ છબી અને લાગણી ધરાવતા હતા. તારીખ ૦૬-૦૧-૧૯૨૨ના રોજ મોરબીમાં જન્મેલા ગોકળદાસ ડોસાભાઇ પરમાર એટલે કે ગોકળબાપાનું શતકના વર્ષમાં આજે (તા. ૨૮-૪-૨૦૨૧) અવસાન થતાં મોરબીવાસીઓમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો છે.
ગોકળદાસ એટલે કે ગોકળબાપાએ પૂજ્ય ગાંધીજીના વિચારોને અમલમાં મૂક્યા હતા. તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ૧૯૪૨માં ગાંધીજીએ ક્વીટ ઇન્ડિયા-ભારત છોડો આંદોલનની જાહેરાત કરી હતી. આ સમયે તેઓએ અભ્યાસ છોડીને મોરબી વિસ્તારમાં સમાજસેવાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. ગોકળબાપા સતવારા જ્ઞાતિના મોભી અને ગુજરાતના જાહેર જીવનના આદર્શ માનવામાં આવતા હતાં.
ગોકળદાસ પરમાર ત્રણ-ત્રણ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓને અનેક એવોર્ડથી સન્માનિત કરી નવાજવામાં આવ્યા હતા. ગોકળદાસ પરમાર પોતાની આગવી સૂઝબૂઝ અને લોકો પ્રત્યેની આ લાગણી માટે મોરબી માળીયા વિસ્તારના ત્રણ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એટલું જ નહીં, પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમાર સતવારા જ્ઞાતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી હતી.
આ ઉપરાંત તેઓ ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેન્કના ડિરેકટર તરીકે, ગુજરાત રાજ્ય માર્કેટિંગ સોસાયટીના ડિરેક્ટર તરીકે, રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે, રાજકોટ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, સર્વોદય એજયુકેશન સોસાયટીના પાયાના સભ્ય તરીકે, વિદ્યોતેજક મંડળના પ્રમુખ તરીકે, મોરબી ખાદી ભંડારના પ્રમુખ તરીકે, અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે પોતાની સેવા આપી હતી.
વિધાનસભામાં તેઓ આઈએએસ તરીકે ઓળખાતા હતા. તેઓએ સામાજીક સંસ્થાઓ સાથે સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે અનેક સેવા કર્યો કર્યા છે. આ સેવા પ્રવૃત્તિઓ અને કામગીરીને લક્ષમાં રાખી ગોકળદાસ પરમારને વજુભાઈ સહાય એવોર્ડ, કીભકો દ્વારા મળેલો સહકારી મંડળીનો એવોર્ડ, વ્યક્તિ વિશેષ ગૌરવ પુરસ્કાર, ગુજરાતી રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતાં. ગોકળદાસ પરમારે પોતાના ૭૬માં જન્મદિવસની સમૂહલગ્ન કરી ઉજવણી કરી હતી. મોરબી-માળિયા વિસ્તારના આગેવાનોએ ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૭૬માં જન્મદિવસની સતવારા સમાજના સમુહ લગ્ન કરી ઉજવણી કરી હતી.

Related posts

વિરમગામ શહેરમાં રામમહેલ મંદિરથી ભગવાન જગન્નાથની ૩૫મી રથયાત્રાની તડામાર તૈયારી

aapnugujarat

નોકરી માટે વિદેશ જતાં શ્રમિક માટે જાહેર થયેલી માર્ગદર્શિકા

aapnugujarat

ગુલાબચંદ પટેલને કાવ્ય રંગોલી માતૃત્વ મમતા સન્માન-૨૦૧૮ એનાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1