Aapnu Gujarat
Uncategorized

અમદાવાદનો કોરોના ડેથ રેટ દેશમાં સૌથી ઉંચો

ભારત સરકારના જ આંકડા કહે છે કે અત્યારસુધીનાં ૫૬૧૫ મોતમાં અડધોઅડધ, એટલે કે ૨૬૬૭ મોત એકમાત્ર અમદાવાદમાં થયાં છે
ગુજરાતમાં બરાબર એક વર્ષ બાદ કોરોનાના કેસ ફરી માઝા મૂકી રહ્યા છે. ગત વર્ષે ૧૯ માર્ચના રોજ સુરત અને રાજકોટમાં એકસાથે કોરોનાના કેસ ડિટેક્ટ થયા હતા, જે ગુજરાતમાં કોરોનાના પગપેસારાનો પુરાવો હતો. સમગ્ર માર્ચ-૨૦૨૦માં ગુજરાતના સરકારી ચોપડે ૭૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી ૬નાં મોત થયાં હતાં. આમ, કેસ ફેટાલિટી રેશિયો (ઝ્રહ્લઇ)ની (કોરોનાના કુલ કેસમાં મોતની ટકાવારી) દૃષ્ટિએ જોઈએ તો માર્ચ-૨૦૨૦માં ગુજરાતમાં એ ૮.૧% હતો, જે અત્યારસુધીનો હાઈએસ્ટ આંક છે. જોકે અત્યારે પણ ગુજરાતની સ્થિતિ કાંઈ સારી તો છે જ નહીં. હાલ ગુજરાતનો ઝ્રહ્લઇ ભલે ૧ ટકાની નીચે હોય, પરંતુ રાજ્યમાં કોરોનાનું એપિસેન્ટર બનેલો અમદાવાદ જિલ્લો ૨.૪નો ઝ્રહ્લઇ ધરાવે છે, જે ૨૫૦૦થી વધુ કોરોના મૃત્યુ ધરાવતા દેશના ટોચના ૧૦ જિલ્લામાં પહેલા સ્થાને છે.
કોરોના મહામારીમાં ગત ૨૦ એપ્રિલ સુધીમાં ગુજરાતમાં ૫૬૧૫ મોત થયાં હોવાનું સરકારી આંકડા બતાવે છે. આમાંથી ૨૬૬૭ એટલે કે ૪૭.૫૦% મોત તો એકલા અમદાવાદ જિલ્લામાં જ થયાં છે. હજી આ તો સરકારી આંકડા છે, બાકી અમદાવાદ શહેર લાશોના ઢગલા પર બેઠું છે અને સ્મશાનોમાં અત્યારે કેટલું વેઇટિંગ ચાલે છે એ કોઈ નથી જાણતું. રોજેરોજ છાપાંમાં પાનેપાનાં ભરીને બેસણાંની જાહેરાતો આવે છે અને કોરોના પોઝિટિવ કેસ હોવા છતાં મૃત્યુ સમયે રિપોર્ટ નેગેટિવ હોવાનું કહીને કેસને કો-મોર્બિડમાં ગણાવાય છે એ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ અહીં આપણે ફક્ત સરકારી આંકડાની વાત કરીએ તોપણ રાજ્યમાં કોરોનાથી થતાં કુલ મૃત્યુમાંથી અડધોઅડધ મોત એકલાં અમદાવાદમાં જ થાય છે.
ગુજરાત માટે ૨૦૨૦નું વર્ષ કોરોનાની દૃષ્ટિએ ચોક્કસપણે પડકારરૂપ હતું અને એ સમયે નવી મહામારીને કારણે મૃત્યુદર પણ ઊંચો હતો. એપ્રિલ-૨૦૨૦થી ગુજરાતમાં કૂદકે ને ભૂસકે કેસ વધવા લાગ્યા અને સાથે મોર્ટાલિટી રેટ પણ વધવા લાગ્યો. મે-૨૦માં ગુજરાતમાં ૧૨૩૮૯ નવા કેસ સાથે ૮૨૪ મૃત્યુ નોંધાયાં હતાં, જેને પગલે ૬.૬%નો ડેથ રેશિયો નોંધાયો હતો. ત્યાર બાદ મોર્ટાલિટી રેટ ઘટવા લાગ્યો અને જૂનમાં ૫.૧% (૮૧૦ મોત), જુલાઈમાં ૨.૧% (૫૯૩ મોત), ઓગસ્ટમાં ૧.૭% (૫૮૧ મોત) અને સપ્ટેમ્બરમાં ૧.૧% (૪૩૧ મોત) નોંધાયો હતો. જોકે એપ્રિલમાં ૨૦મી તારીખ સુધીમાં જ ગુજરાતમાં ૧૦૯૬ મોત થઈ ચૂક્યાં છે, પરંતુ એની સામે કેસ પણ વધીને ૧૨૦૪૮૦ થઈ ગયા હોવાથી મોર્ટાલિટી રેટ ૧ની નીચે (૦.૯%) નોંધાયો છે, પરંતુ વધતા મૃત્યુઆંક સાથે એ એપ્રિલના અંત સુધીમાં ૨%ને પાર કરી શકે છે.
ભારત સરકારના જ કોવિડ-૧૯ના આંકડાઓ રજૂ કરતી વેબસાઈટ અનુસાર, દેશમાં ૨૫૦૦થી વધુ મોત થયાં હોય તેવા ટોપ-૧૦ જિલ્લામાં ટકાવારીની દૃષ્ટિએ અમદાવાદ ટોચ પર છે. કોરોના મૃત્યુની ટકાવારી એટલે કે કેસ ફેટાલિટી રેશિયો (ઝ્રહ્લઇ)ના માપદંડ અનુસાર, અમદાવાદમાં અત્યારસુધીમાં ૧.૧૧ લાખ કેસ સામે ૨૬૬૭ મોત થઈ ચૂક્યા છે, જે ૨.૪નો (ઝ્રહ્લઇ) દર્શાવે છે. મુંબઈ (૧૨૪૪૬ મોત) અને દિલ્હી (૧૨૬૩૮ મોત) ભલે મૃત્યુઆંકની દૃષ્ટિએ અમદાવાદ કરતા જોજનો આગળ હોય છતાં કોરોના કેસની સરખામણે મૃત્યુની ટકાવારીની દૃષ્ટિએ અમદાવાદની સ્થિતિ આખા દેશમાં જિલ્લા તરીકે સૌથી ખરાબ છે.
એપ્રિલ મહિનો આમેય કોરોનાની બીજી લહેર લઈને આવ્યો, જે ગુજરાત માટે સૌથી કપરો બન્યો છે, પરંતુ આ બીજી લહેરમાં સૌથી મોટું પરિવર્તન ટિયર-૨ શહેરોમાં જે રોકેટગતિએ ઉછાળો થયો છે એ રહ્યું છે. અત્યારસુધી અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ જેવાં ચાર મહાનગરમાં જ કેસ તેજ ગતિએ વધતા હતા, પરંતુ કોરોના-૨માં એપ્રિલના પહેલા ૨૦ દિવસમાં મહેસાણા (૩૧%), પાટણ (૩૦%) અને જામનગર (૨૯%) જેવાં શહેરોમાં તીવ્રગતિએ કોરોના કેસ વધ્યા છે. આ વધારો સુરત (૨૯%) અને રાજકોટ (૨૭%) કરતાં પણ વધુ હતો. આમ એ વાતના પૂરતા પુરાવા છે કે કોરોના આ બીજી લહેરમાં ગુજરાતનાં તમામ શહેરો અને ગામેગામને ભરડામાં લઈ રહ્યો છે.

Related posts

સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્રારા સંત શ્રી રોહિતદાસની 645 મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી

editor

વાહનચોરીનાં ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર-સોમનાથ

aapnugujarat

Priyanka to meet new office bearers of Uttar Pradesh

aapnugujarat

Leave a Comment

UA-96247877-1