Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભોપાલમાં ૨૦થી વધુ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, ઓક્સિજનની અછત

એક દિવસ પહેલાં મધ્યપ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે પ્રદેશમાં ઓક્સિજનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે અને એના બીજા જ દિવસે સોમવારે ભોપાલમાં ૫ લોકોને ઓક્સિજન ન મળવાને કારણે તેમનાં મોત નીપજ્યાં છે. ભોપાલની ૨૦થી વધુ હોસ્પિટલમાં ઓક્સિજનને લઈને અફરાતફરી જોવા મળી રહી છે.
પહેલો મામલો એમપી નગરની સિટી હોસ્પિટલનો છે, જ્યાં ઓક્સિજનની ઊણપને કારણે એક જ દિવસમાં ચાર દર્દીનાં મોત નીપજ્યાં છે. મૃતકમાં ૩૦ વર્ષના સૌરભ ગુપ્તા, ૩૫ વર્ષના તુષાર, ૬૦ વર્ષના ઉર્મિલા જૈન અને આશા પટેલ છે. હોસ્પિટલના સંચાલક ડોકટર સબ્યસાચી ગુપ્તાના જણાવ્યા મુજબ તેમણે અનેક જગ્યાએ ફોન કર્યા અને જ્યાં સુધી ઓક્સિજનનો જુગાડ થાય ત્યાં સુધીમાં ચારેય દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
બીજો મામલો કરોંદના પીજીબીએમ હોસ્પિટલનો છે, જ્યાં દાખલ એક મહિલાને ઓક્સિજન ખતમ થઈ ગયો હોવાને કારણે હોસ્પિટલમાં પરાણે રજા આપી દેવામાં આવી. પુત્ર એમ્બ્યુલન્સમાં તેને લઈને આરોગ્ય નિધિ હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ગયું હતું. તોહમીદિયાની પાસે બનેલા એવિસેના હોસ્પિટલમાં મેનેજમેન્ટે ઓક્સિજન સપોર્ટવાળા ત્રણ કોવિડ દર્દીઓને તેમ કહીને રજા આપી દીધી કે હવે અહીં ઓક્સિજન નથી, તો બીજે ક્યાંક લઈ જાઓ. અફરાતફરીમાં પરિવારના લોકોએ પોતપોતાના દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા.
સોમવારે સપ્લાયર્સે હોસ્પિટલને અચાનક જણાવ્યું કે ઓક્સિજનની શોર્ટેજ છે અને ગોવિંદપુરાના પ્લાન્ટ પર પોતાની એમ્બ્યુલન્સ સિલિન્ડરની સાથે મોકલી દીધી છે. ચિરાયુ એર પ્રોડક્ટ પર લિક્વિડ ઓક્સિજનનો સપ્લાઈ આઈનોક્સથી બપોરે ન થઈ શક્યો, તેથી તેમણે પણ જંબો સિલિન્ડર લેવા આવેલા અનેક સપ્લાયર્સને પરત મોકલી દીધા હતા. તો આઈનોક્સની પાસે લિક્વિડ ઓક્સિજનનું ટેન્કર ન પહોંચતાં શહેરમાં ઓક્સિજનને લઈને હાહાકાર જોવા મળ્યો.
સાંજે ૫ વાગ્યા હતા. એવિસેના હોસ્પિટલમાં એકાએક ભાગદોડ જોવા મળી. હોસ્પિટલ મેનેજમેન્ટે ડોકટર્સને જણાવ્યું કે બે જ સિલિન્ડર વધ્યાં છે. સપ્લાયર ભારત ઓક્સિજને હાથ ઊંચા કરી દીધા છે કે આજે સિલિન્ડર નહીં આપી શકે. મેનેજમેન્ટે ફટાફટ લિસ્ટ જોયું અને એરપોર્ટ નિવાસી નસરીન, શાહિદા બાનો, અયુબને રજા આપી દીધી. હોસ્પિટલની બહાર ઊભેલા તેમના પરિવારના લોકોએ કહ્યું કે આ લોકોને લઈને ક્યાં જાય? જેના પર મેનેજમેન્ટ કહ્યું- અહીં રાખવા મુશ્કેલ છે. ઓક્સિજન ખતમ થઈ ગયો છે, જીવ પણ જઈ શકે છે.
નસરીનના સંબંધીઓ તેને હમીદિયા લઈ ગયા. એક કલાક અહીં રોકાયા બાદ પણ બેડ ન મળ્યો. એ બાદ એલબીએસ હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યા. શાહિદા બાનોના પરિવારના લોકો તેને મોડી રાત્રે માનસી હોસ્પિટલ લઈને પહોંચ્યા. તેમની ઉંમર ૬૦ વર્ષ છે. તો ત્રીજા દર્દી અયુબને દાખલ કરાવવાની વિધિ ચાલી રહી હતી.
એવિસેના હોસ્પિટલના મેનેજર ફૈસલ જમાલના જણાવ્યા મુજબ, તેમને ત્યાં ૧૭ દર્દી દાખલ છે. રોજ ૨૫ સિલિન્ડર લગાડવામાં આવે છે, પરંતુ આજે અડધા પણ નથી આવ્યા. મજબૂરીમાં ત્રણ દર્દીને રજા આપવી પડી. આ દર્દીઓને પાંચ લિટરથી ઓછા ઓક્સિજનની જરૂરિયાત હતી, તેથી તેમને રજા આપી દેવામાં આવી. ઓક્સિજનની ઊણપ અંગે ડ્રગ ઈન્સ્પેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે.
આરોગ્ય નિધિ હોસ્પિટલમાં પોતાની માતાને ગુમાવનાર રામેશ્વરે જણાવ્યું હતું કે મારા પિતાનું નિધન શનિવારે થયું હતું. માતા આઘાતમાં હતાં. તબિયત ખરાબ થવાને કારણે તેમને પીજીબીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં સાંજે ડોકટર્સે જણાવ્યું હતું કે માત્ર ૫ લિટર ઓક્સિજન જ વધ્યું છે. તેથી બીજી હોસ્પિટલમાં લઈ જાો. હું એમ્બ્યુલન્સ કરીને માતાને આરોગ્ય નિધિ હોસ્પિટલ લઈ ગયો, જ્યાં પહોંચ્યા પછી માતાનું પણ નિધન થઈ ગયું.
ઈન્દોરમાં રવિવારે રાત્રે ભંવરકુંવા ક્ષેત્ર સ્થિત ગુર્જર હોસ્પિટલમાં દર્દીના પરિવારના લોકોને કહેવામાં આવ્યું કે ઓક્સિજન ખતમ થઈ ગયો છે. તમે તમારા દર્દીને અહીંથી લઈ જાઓ કે પછી સિલિન્ડર લઈને આવો. આ સાંભળતાં જ દર્દીના પરિવારના લોકો જ્યાં ખાલી સિલિન્ડર રાખ્યાં હતાં, ત્યાં તેઓ લેવા માટે દોડી ગયા. અનેક પરિવારના લોકો વચ્ચે ખેંચતાણ અને ઝૂંટમઝૂંટી પણ થઈ. લોકો રાત્રે સિલિન્ડરને લઈને કાર અને ઓટોમાં દોડ્યા. રાતની અફરાતફરી બાદ સવારે સમાચાર મળ્યા કે ૫ દર્દીનાં મોત થઈ ગયાં છે.
આવી બેદરકારી પર ભોપાલના કલેક્ટર અવિનાશ લવાનિયાએ કહ્યું હતું કે ’શહેરમાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાઈ ન હોવાની ફરિયાદ મળી હતી. જ્યાં જ્યાં ફરિયાદ હતી, ત્યાં તેમને સમયસર સિલિન્ડર મોકલવામાં આવ્યાં. જો કોઈ હોસ્પિટલમાં ઓક્સિજનની ઊણપને કારણે મોત નીપજ્યાં હશે તો તેની યોગ્ય તપાસ કરાવવામાં આવશે. દિવસભરમાં ૮૦ હોસ્પિટલમાં ૪૬ મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાઈ કરવામાં આવ્યો.’

Related posts

Ratul Puri received money from both arbitrators : ED in AgustaWestland case

aapnugujarat

રાજનીતિમાં સફળ થવા માટે પૈસા જરૂરી નથી : રજનીકાંત

aapnugujarat

વિમાનમાં વપરાતું જેટ ફ્યુઅલ પેટ્રોલ-ડિઝલ કરતા પણ સસ્તું, ભાવમાં ૧૪.૭% ટકાનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1