Aapnu Gujarat
બ્લોગ

સ્ત્રીઓ જલેબીના ગુંચળા જેવી હોય….લગનના વર્ષો વીતી જાય તો ય સમજાય જ નહી કે એને શું ગમશે ને શું નહી ગમે ?એને ક્યારે કઈ વાત ઉપર ખોટું લાગી જશે એ ખબર જ ના પડે….ને આપણે પુરુષો બધી વાતમાં ફાફડા જેવા સીધા….એટલે જ જલેબીની સાથે ફાફડા ખવાય.એક ગરબડ તો બીજું સીધું પેટમાં નડે નહી

કોઈ દિવસ નહી ને આજે સવાર સવારમાં એલાર્મ વાગ્યું.શિયાળાની ગુલાબી ઠંડીમાં નિરાંતે ઊંઘતા બકાની ઊંઘ એલાર્મના અવાજે બગાડી. બારીની બહાર અંધારું દેખાતું હતું.એણે સમય જોયો.અરેરે…હજી તો છ વાગ્યા છે.આજે તો દશેરાની રજા છે.સાલું રજાના દિવસે ય શાંતિથી સુવા મળતું નથી.
ત્યાં તો વાવાઝોડાની ઝડપે ચીકુ આવ્યો.આખો હલબલાવી નાખ્યો.
“પપ્પા ….ઉઠો….”
“અલ્યા…અત્યારમાં શું છે ?”
“અરે…આજે દશેરા છે…ચાલો વહેલા વહેલા ફાફડા જલેબી લઈ આવો…”
આ સાંભળીને બકાના મગજમાં ગઈ સાલની દશેરાનું આખું ટ્રેલર પસાર થઈ ગયું.એ સવારે લાંબી લાઈનમાં ઊભો રહીને ફાફડા-જલેબી લઈ આવ્યો.ત્યાં જ એનાં સાસુ-સસરા સાળાના ફેમીલી સાથે ઘરે આવ્યાં.શ્રીમતીજી તો પિયરીયાને જોઈને હરખાઈ જાય એ સ્વાભાવિક છે.એટલે મહેમાન માટે ફરીવાર ફાફડા-જલેબી લેતા આવો એવો હુકમ કરી દીધો.
બપોરના બાર વાગ્યાનો લાઈનમાં ઊભો ઊભો…..તે છેક સાંજે ચાર વાગ્યે ફાફડા-જલેબી લઈને ઘરે આવ્યો.એક તો થાકી ગયો,ને પાછો સાળો કહે શું જીજુ અમે તમારા ઘરે આવ્યા ને તમે તો અમારી સાથે જરાય ટાઈમ સ્પેન્ડ ન કર્યો…! જ્યારે ખુદ શ્રીમતીજીએ એમ કીધું કે મારો ભાઈ આફ્રિકાથી આવ્યો ને તમે આખો દિવસ ફાફડા-જલેબી લાવવામાં કાઢી નાંખ્યો.મને બધી ખબર પડે છે……હોં ! આ સાંભળીને બકાને તો ધરમ કરતા ધાડ પડી એવું થયું.
આ ચીકુડો આજે આટલા વહેલા ઉઠાડે છે…તો ક્યાંક આજે પણ આ ધાડ પાછી આવવાની છે એવું તો નથી ને ?બકાની બધી ઊંઘ એક જ ઝપાટે ઊડી ગઈ.
“ હજી તો સુરજેય ઉગ્યો નથી…કલાક રહીને જાઉં તો ય નવ વાગ્યે તને નાસ્તો મળી જ જાય…કોઈ મહેમાન આવવાના છે ?”બકાએ પૂછ્યું.
“મહેમાન તો કોઈ આવવાનું નથી.પણ ઓચિંતાનું આવી જાય અથવા તમે કોઈને બોલાવ્યા હોય તો ખબર નહી.” શ્રીમતીજી પથારીમાં બેઠા થઈને બોલ્યાં.
“ચીકુ તું ફાફડા-જલેબી લેવા આવે તો જ જઈશ.નહિતર હું તો પાછો સુઈ જાઉં.” આનાકાની કરતા ચીકુ સાથે આવવા તૈયાર થયો.એને લઈ જવા પાછળ બકાનો આશય ફાફડા-જલેબી લાવવા કેટલો તડકો વેઠીને લાઈનમાં ઊભા રહેવામાં કેટલી તકલીફ ભોગવવી પડે છે એ શ્રીમતીજીને બતાવવાનો હતો.
સાડા છએ બાપ-દીકરો ફાફડા-જલેબીની લાઈનમાં હતાં.આટલા વહેલા હોવા છતાં લાઈન તો લાંબી હતી જ. જોકે અડધા કલાકમાં વારો આવી જશે એવું લાગતું હતું….તો વહેલા ઉઠેલું વસુલ…એમ હરખાતો હતો .ત્યાં તો આગળ વાળા કાકા પાછળ ફર્યા.
“તમારા પછી મારો વારો રાખજો….હમણાં જ આવ્યો.” આગળ વાળા કાકાએ અમળાતા અમળાતા કહયું.
“પણ વારો તો થોડીવારમાં આવી જશે.”
“લાગી છે……યાર…..ગયા વગર છૂટકો નથી.સવાર સવારમાં બે-ત્રણવાર જવાની આદત હોય એટલે….” કાકા અમળાતા અમળાતા આટલું તો માંડ બોલીને ભાગ્યા.એક જણ પાછળથી આવીને આગળ ત્રીજા નબરે ઊભો રહી ગયો.
“ એ અંકલ….. પાછળથી આવીને ઘૂસ મારો છો…?! જોતા નથી ક્યારના લાઈનમાં ઊભા છીએ…આમ જાવ લાઈનમાં પાછળ…”ચીકુ બરાડ્યો.
“હું ક્યારનો સાડા પાંચનો લાઈનમાં ઊભો હતો…ખાસ જવું પડે એમ હતું એટલે મારી પાછળ વાળાને કહીને ગયો હતો.”પેલાએ જવાબ આપ્યો.
“એ ચાલે જ નહી…ગમે તે કામ હોય….નીકળી ગયા એટલે ફરી લાઈનમાં આવો.” બકાએ કહ્યું.
“કુદરતનો કોલ હોય એટલે જવું જ પડે.આ લોકોએ અહી જાજરૂની સગવડ રાખવી જોઈએ.કમસેકમ દશેરા પૂરતી …”કહી પેલો માણસ આડું જોઈ ગયો.હવે બકાને પણ વધારે બોલવું યોગ્ય ના લાગ્યું.એકદમ એના પેટમાં વીટ ચાલુ થઈ ગઈ.
“તું લાઈનમાં ઉભો રહે…વારો આવે એટલે ફાફડા-જલેબી લઈ લેજે. લે આ પૈસા….” બકાએ એક હજાર રૂપિયા આપતાં ચીકુની સામે પહેલી બે આંગળી બતાવીને સાનમાં સંકેત કર્યો.ચીકુ સમજી ગયો.બકો ફૂલ સ્પીડે એકટીવા ચલાવીને ઘરે આવ્યો.
“અરે વાહ….જોયું વહેલા ગયાં તો વહેલો વારો આવી ગયોને…” શ્રીમતીજીએ સંભળાવ્યું.બકો તો વોશરૂમમાં ઘુસી ગયો.પાછળ ચીકુ ના દેખાયો….અને ફાફડા-જલેબી તો સુગંધેય ના આવી એટલે શ્રીમતીજીએ બારણાં ઉપર થપથપાવીને બહારથી પૂછ્યું.
“ફાફડા-જલેબી ક્યાં છે ? ચીકુએ દેખાતો નથી…”
“અગત્યના કામમાં ડીસ્ટર્બ ના કર…” બકાએ અંદરથી જવાબ આપ્યો.હવે શ્રીમતીજીને લાઈટ થઈ કે ઘરે જલ્દી કેમ આવ્યાં…!
“ફાફડા-જલેબી અને ચીકુ બેય દુકાનમાં જ છે.મારે તો ઈમરજન્સીમાં આવવું પડ્યું.” બકાએ ભાર આવીને શ્રીમતીજીની સામે પહેલી બે આંગળી બતાવીને સાનમાં સંકેત કર્યો.
“ હમમમમ….સારું ત્યારે આવ્યાં છો તો ચા પીને જાવ. બની જ ગઈ છે.”
બંને જણાએ સાથે ચા પીધી.બકો ફરસાણની દુકાને પહોચ્યો.ચીકુએ ફાફડા-જલેબી બંધાવી લીધા હતાં.જોયું છોકરાં મોટા થાય તો કામ કરતા થઈ જાય એ વિચારે બકો રાજી થયો.ચીકુ એકટીવા ઉપર બેઠો.
“પપ્પા તમે ગયાં પછી પેલા અંકલની જેમ બીજા ચાર જણાએ લાઈનમાં ઘૂસ મારી.હું તો દુકાનવાળા કાકા પાસે કમ્પ્લેન કરવા ગયો….”
“ એ સારું કર્યું…”
“ અરે શું ….એમણે મારી વાત સાંભળીને શું કીધું ખબર છે ? દશેરાના દિવસે વહેલી પરોઢથી લાઈનમાં ઊભા હોય એમને જાજરૂ લાગે તો જાય…એમાં પાછળવાળા પ્રેક્ટીકલ બનીને સાચવી લે છે.એટલે આ બાબતમાં મારાથી કશું ન કહેવાય.”
“ લે….મારો બેટો….આવું કીધું…”
“ મનેય ગુસ્સો આવી ગયો …. મેં પણ એને સંભળાવી દીધું.આટલું કમાવ છો તો પબ્લિક માટે જાજરૂ જ બાંધી દોને. કોઈને કશું કહેવાની જરૂર જ નહી….મારી સામે એવા ડોળા કાઢતા હતાને….”
ઘરમાં પેસતાં વેંત ફાફડા-જલેબીની સુગંધ ફરી વળી.ગટુ નાચતી કૂદતી ડીશો લઈ આવી.શ્રીમતીજી નાસ્તો કાઢતા હતા એવામાં મુન્નાનો ફોન આવ્યો.બકાને યાદ આવ્યું આજે એની સાથે છોકરી જોવા જવાનું હતું.એ ફોન લઈને બહાર હિંચકે ગયો.
“મુન્ના બદનામ હુઆ ડાર્લિંગ તેરે લિયે…” મુન્નાએ રોમેન્ટિક અદામાં બકાને ગુડ્‌મોર્નીગ કર્યું.
“તું પહેલેથી બદનામ જ છે સાલા…બધાને હેરાન કરવા માટે…”
“બધાને માર ગોળી…તને કોઈ દિવસ કર્યો હોય તો કહે…તું તો મારો ડાર્લિંગ ભાઈબંધ છે…જીગરી છે…”
“અલ્યા કલાક લાઈનમાં ઊભો રહીને ફાફડા-જલેબી લઈ આવ્યો.જેવો ખાવા બેઠો એવો જ તે ફોન કર્યો.દશેરાના દા’ડે તો ફાફડા-જલેબી ખાવા કે નહિ…?!!!”
“ખા…ખા…ખા….મને થોડી ખબર હતી કે તું આ મુહુર્તમાં ફાફડા-જલેબી ખાવાનો છે ?આજે બધા ફાફડા-જલેબી જ કેમ ખાય ?”
“નવે નવ દિવસ નવરાત્રીમા ગરબામાં ગોળ ગોળ ફર્યા હોય અને આજે રમી રમીને ફાફડા જેવા સીધા સપાટ થઈ ગયા હોય….”
“પણ આ વર્ષે ક્યાં ગરબા રમ્યા છે ?”
“પણ ઘરમાં ઘરવાળી તો છે ને ?એ કહે કે ફાફડા-જલેબી લઈ આવો એટલે લઈ આવવા પડે. આમેય સ્ત્રીઓ જલેબીના ગુંચળા જેવી હોય….લગનના વર્ષો વીતી જાય તો ય સમજાય જ નહી કે એને શું ગમશે ને શું નહી ગમે ?…એને ક્યારે કઈ વાત ઉપર ખોટું લાગી જશે એ ખબર જ ના પડે….ને આપણે પુરુષો બધી વાતમાં ફાફડા જેવા સીધા….એટલે જ જલેબીની સાથે ફાફડા ખવાય.એક ગરબડ તો બીજું સીધું – પેટમાં નડે નહી.”
“હા…હા…હા…આજે તને છોકરી જોવા લઈ જવાનો છે યાર…તું હા પાડે તો આપણી એ હા…”
“છોકરી મારે નથી જોવાની તારે જોવાની છે.મારી હા એટલે તારી હા એ વળી શું ? છોકરીને તું ગમે…અને હા પાડે એટલે તારી તો હા જ છે……” બોલતાં બોલતાં બકાને યાદ આવ્યું કે ફાફડા-જલેબી ઠંડા થઈ જશે.એ વાતનો વીંટો વાળીને નાસ્તો કરવા બેઠો. ફાફડા-જલેબી મોમાં ગયાં….પણ એનો સ્વાદ કૈક અલગ લાગ્યો.જલેબી થોડી મોળી લાગી.પેલા ત્રણે જણા ગંભીર મોઢે બેઠા હતા.
“તમે લોકોએ ભારે ઝડપ કરી…ડીશ પતાવી દીધી….મને કૈક સ્વાદ ફેર કેમ લાગે છે ? કહે છે કે કોરોનાની અસરથી સ્વાદ પરખાતો નથી.મનેય કોરોનાની અસર થઈ કે શું ?” બકો સખત ટેન્શનમાં આવી ગયો. દશેરાના દિવસે આખું ઘર દવાખાને…! વાત જે બહાર આવી એ કઈક આવી હતી. બકાને અગત્યના કામે ઘરે જવાનું થતાં એણે ચીકુને એક હજાર રૂપિયા આપ્યા. ફાફડા-જલેબી લેવાનો વારો આવ્યો પણ ચીકુને કેટલા કિલો કે ગ્રામ ફાફડા-જલેબી લેવા તે ખબર નહોતી.એણે તો દુકાનવાળાને કહી દીધું એક હજારના ફાફડા-જલેબી આપી દો.જેવો લઈને બહાર આવ્યો…તો એમ થયું કે લાવને પપ્પાની સામે જાઉં….થોડુક ચાલ્યો હશે ત્યાં ફાફડા-જલેબી ખાવાના એક્સાઈટમેન્ટમાં એક સાયકલવાળા સાથે અથડાઈ ગયો.એણે તો રોડ ઉપર વિખરાયેલા ફાફડા અને જલેબી ભરી લીધા.કોઈને ઘરમાં કોરોનાનો ચેપ ના લાગે એ માટે ઘરે આવીને સેનીટાઈઝરની આખી બોટલનો બધા ફાફડા-જલેબીમાં સ્પ્રે કરી નાખ્યો.નાસ્તો કરી લીધા પછી સ્વાદ ખરાબ લાગ્યો એટલે પપ્પા માટે રાખેલી જલેબી પાણીમાં ધોઈ પણ નાખી. અને તો ય પપ્પાએ એને ધોઈ નાખ્યો…!!!
‘સેનીટાઈઝરવાળા ફાફડા-જલેબી ખાતા આખું કુટુંબ દવાખાનામાં’ – આવા હેડીંગ સાથે બકાની સ્ટોરી છાપામાં આવી એમાં બિચારા બકાનો શું વાંક ?વાંક દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા જ પડે એ પ્રથાનો ?કે પછી કુદરતી કોલ ગમે ત્યારે આવે એનો ? કે પેલા સાયકલવાળાનો ?કે પછી ટીવી પર વારંવાર આવતી જાહેરાતોનો જે કહે છે -કોરોના કે સંક્રમણ સે બચને કે લિયે સાબુન યા સેનીટાઈઝર સે અપને હાથ જરૂર ધોયે – પછી છોકરાં એ શીખે જ ને !!!

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

Related posts

HINDI POEM

aapnugujarat

इमरान ये न करें तो क्या करें ?

aapnugujarat

યુપી-બિહારમાં યાદવ-દલિત-મુસ્લિમ ધરીને તોડવાની ભાજપની કોશિશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1