Aapnu Gujarat
ગુજરાત

૨૫ વર્ષથી ગોલ્ડમાં રોકાણ કરતાંય મેરીગોલ્ડમાં વધુ કમાતા પરઢોલના ખેડૂત યોગેશ પટેલ

ફૂલનું નામ સાંભળતા જ આપણે તેની મહેંક અને રંગ – આકારની કલ્પના કરીએ છીએ. ફૂલોનો મધમધતો બગીચો તો સૌએ જોયો હોય છે, પણ ફૂલોનું ખેતરનો નવો કોન્સેપ્ટ થોડા વર્ષોથી આપણે ત્યાં હવે ખુબ પ્રચલિત થવા લાગ્યો છે જેને સુગંધનો દરિયો કહીએ તો અતિશયોક્તિ નથી. અનાજ અને શાકભાજીની ખેતી સાથોસાથ હવે ખેડૂતો ફૂલની ખેતીમાં હોંશે હોંશે જોતરાઇ રહ્યા છે. લોકો ફૂલનો વપરાશ ધાર્મિક પૂજા ઉપરાંત ગૃહ સુશોભનમાં પણ ખુબ કરે છે. ગલગોટાનો વ્યાપક ઉપયોગ તો જુઓ ! કોઇપણ ધર્મના સારા કે નરસા પ્રસંગોમાં ગલગોટાની હાજરી હોય જ છે. તમારા ઘરે કથા કે વાસ્તુ પ્રસંગ છે ? ગલગોટો હાજર, નવા વાહની ખરીદી. ચોપડાપૂજન કે હવન, નવરાત્રી – દીવાળી જેવા મોટા તહેવારોમાં મહેમાનોનું સ્વાગત હોય કે ચારધામની યાત્રા હોય કે અંતિમધામની યાત્રા, લગ્નની ચોરી હોય કે ભાગવત પુરાણની પોથી, ઘરનો ઉંબર પૂજવો હોય કે ફૂટપાથ પરની નાની – મોટી દેરી કે પછી હોય મંદિરસ મસ્જીદ કે મજાર. સર્વત્ર માત્ર ને માત્ર ગલગોટના જ ફૂલો હાજર હોય છે. ગલગોટો એટલે સર્વધર્મ સમભાવ અને સમાનતાનું પ્રતીક. ગરીબ અને તવંગરોનું સહિયારું ફૂલ છે. ગલગોટાનાં ફૂલને અંગ્રેજીમાં ‘મેરીગોલ્ડ’ કહેવામાં આવે છે, જેમ સારા પ્રસંગોમાં દેહ પર સોનાનાં આભૂષણોનો શણગાર આકર્ષણરૂપ હોય છે તેમ અન્ય કોઇપણ શણગાર ગલગોટા વિના સાવ અધુરો જ છે તેમ કહેવામાં જરાય બેમત નથી. અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પરઢોલ ગામે ૩૦ વીઘા જમીન ધરાવતા રસિક પટેલ વડીલોપાર્જિત જમીનમાં ૨૫ વર્ષથી શાકભાજી અને મગફળીની સાથે-સાથે ફૂલોની પણ ખેતી કરે છે. આ વર્ષે તેમણે ૨ વિધાના ખેતરમાં સિઝન મુજબ ગલગોટાના ફૂલોની ખેતી કરી છે.

ગલગોટાની ખેતી જ કેમ ? તેના જવાબમાં રસિક પટેલના પુત્ર યોગેશ કહે છે કે ‘‘હજારીગલ તરીકે ઓળખાતા ગલગોટાની ખેતી કરવાનો વિચાર અને માર્ગદર્શન અમને બાગાયત અને કૃષિ વિભાગ દ્વારા સમયાંતરે ખુબ મળતું આવ્યું અને અન્ય ખેતીમાં ઓછા વળતર મળવાને કારણે અમે અમારા ખેતરમાં વર્ષમાં બે વાર ગલગોટાની ખેતી કરીએ છીએ, જેમાં ઓછી મહેનત, ઓછું પાણી, નહિવત ખાતર અને નહિવત રોગ આવતા હોવાથી ઉપજ અને ત્યારબાદ બજારમાં વેચાણ સાથે ઓછા સમયમાં સારો નફો રળી શકાય છે. અમે ટપક સિંચાઈ અને છુટ્ટુ પાણી આપીએ છીએ. માત્ર બે થી અઢી મહિનામાં જ આ ફૂલો તૈયાર થઇ જતા હોવાથી વધુ માવજતની પણ જરુર નથી રહેતી. રસિકભાઇએ કલકત્તી ગલગોટાના ફૂલની બે જાતો પીળા અને કેસરી કલરના ફૂલનું પાંચ વિધાના ખેતરમાં વાવેતર કર્યું છે જેનું બિયારણ પોતાનાં જ ખેતરનાં ગલગોટામાંથી જ તૈયાર કરે છે અને ક્યારેક કોઇ વર્ષે બિયારણ ન હોય તો તૈયાર કલમ અને રોપાઓ બેંગ્લોર અને પૂનાની નર્સરીમાંથી મંગાવે છે. વાવેતર કર્યા બાદ બાગાયત વિભાગ તરફથી મળતી જરૂરી સહાયતા, સબસીડી અને માર્ગદર્શન હેઠળ આ ફૂલના છોડનું યોગ્ય માવજત કરવામાં આવે છે. રોપણી કર્યા બાદ ફૂલોમાં રોગ ન આવે તે માટે ગૌમૂત્ર અને ખાતર તથા દવાનો છંટકાવ કરે છે. બજારમાં બારે માસ જો કોઈ ફૂલો મળતા હોય તો તે એક માત્ર ગલગોટા છે કારણ કે શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ એમ ત્રણ સિઝનમાં ગલગોટાનું ઉત્પાદન લઈ શકાય છે. યોગેશભાઇ કહે છે કે ૮૫ દિવસ પહેલા અમારે ધરુના વાવેતર સાથે રોપણીનો ખર્ચ ૨૫ હજાર થયો હતો જેનો વેચાણ ભાવ બજારની માંગ મુજબ રહે છે. આ વરસે અંદાજે એક કિલોનો ભાવ ૨૫ થી ૩૦ રૂપિયા રહેવાની સંભાવના છે. સિઝનમાં એક વીઘામાંથી ૨૫૦ થી ૩૦૦ મણ ગલગોટાના ફૂલો મળવાની આશા છે. ગલગોટાની બજારમાં માંગ નવરાત્રીથી શરુ કરીને દિવાળી અને ત્યારબાદ શરુ થતા લગ્નસરા સુધી સતત જળવાઇ રહે છે અને ભાવ પણ ખુબ જ સારા મળી રહે છે. અમને આ સિઝનમાં ૮૦ હજારથી લાખ રુપિયા મળી શકશે તેવું અનુમાન છે. “બજાર સુધી ફુલો પહોંચાડવાની વ્યવસ્થા કેવી રીતે કરો છો તે વિશે વિગતવાર વાત કરતા યોગેશભાઇ કહે છે કે ગલગોટાના ફુલો છોડ પર પુરા ખીલ્યા પછી જ ઉતારવા જોઈએ. ફૂલો ઉતારવાનું કામ વહેલી સવારે અથવા સાંજે ઠંડા પહોરમાં કરવું જોઈએ અને તેને વાંસના ટોપલામાં વ્ય્વસ્થિત ભરીને પછીથી જ બજાર માટે મોકલીએ છીએ. અમે ફૂલોનું સીધું જ માર્કેટિંગ અમદાવાદ ફૂલ બજારમાં કરીએ છીએ. ગલગોટાની ખેતીથી ઓછા ખર્ચે બમણી આવક મેળવી શકાય છે. આ ખેતીમાં ક્યારે ખોટ જતી નથી જેથી માત્ર ૯૦ દિવસમાં જ ગોલ્ડમાં રોકાણ કરીએ તેના કરતાંય વધુ સવાયું મેરીગોલ્ડ અમને કમાઇ આપે છે અને ફૂલો ઉતાર્યા બાદ તેના વધેલા સુકા છોડનું તે જ જમીનમાં ખાતર પણ થઇ જાય છે. ખેડૂતોને એક સંદેશ આપતા યોગેશભાઇ જણાવે છે કે આ એક રોકડિયો પાક છે જેમાં ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે છે. ખેતી ખર્ચ બાદ કરતા વધારાની બમણી આવક મળતી રહે છે. રોજીંદી આવક ચાલુ રહેતા સામાજિક જીવનધોરણમાં સારો ફરક પડે છે. હજારીગલ ટૂંક સમયમાં નફો આપે છે. આપણે ત્યાં સૌથી સરળ વાવેતર ગલગોટાનાં એટલે કે હજારીગલનાં ફૂલનું થાય છે. ગલગોટાને કોઇપણ જમીન અને આબોહવાને અનુકૂળ થવાની શક્તિ છે તથા વર્ષ દરમિયાન કરી શકાતી ખેતી છે શ્રાવણ તેમજ નવરાત્રિ અને દિવાળીમાં ગલગોટાની વધુ માંગ વધુ હોવાથી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે તેમાં પણ રાજયમાં અમદાવાદ જીલ્લો ગલગોટાના ઉત્પાદનમાં મોખરે છે.
આલેખન :- મનીષા પ્રધાન (અમદાવાદ માહિતીખાતા દ્વારા)

Related posts

લાંચ લેવાનાં કિસ્સામાં રાજ્યનું હોમ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ભ્રષ્ટ

aapnugujarat

સમગ્ર રાજયમાં બસ એક જ ચર્ચા છે : શું લાગે છે ભાજપ કે કોંગ્રેસ?

aapnugujarat

ગુજરાતમાં સ્વાઈનફ્લુનાં ૯૧ કેસ દાખલ : મૃતાંક વધીને ૬૧ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1