Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘નિષ્કુળાનંદ કાવ્ય ૬, સારસિદ્ધિ’ વિષય ઉપર ૯3મું પ્રવચન ઓનલાઇન લાઇવ યોજાયું

‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨3 વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમ અંતર્ગત શાસ્ત્ર વિષયક ‘નિષ્કુળાનંદ કાવ્ય 6, સારસિદ્ધિ’ વિષય પર ૯3માં પ્રવચનનું આયોજન ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન લાઇવ તા. ૨૬-૦૯-૨૦૨૦ના રોજ સાંજે ૫ થી ૭ સમય દરમ્યાન યોજાયું હતું. આ પ્રસંગે પૂ. જ્ઞાનતૃપ્તદાસ સ્વામી, પ્રાધ્યાપકશ્રી, બીએપીએસ. સંસ્કૃત મહાવિદ્યાલય સારંગુપર તથા અક્ષરપુરુષોત્તમ આંતરરાષ્ટ્રીય સત્સંગ પ્રવૃતિના, સંયોજકશ્રી, પૂ. સદગુરુ સંત ઇશ્વરચરણ સ્વામીએ આશીર્વચન સહ વક્તવ્યનો લાભ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઓનલાઇન પ્રવચનમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા.

પૂ. જ્ઞાનતૃપ્તદાસ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્ય અતંર્ગત સારસિદ્ધિ વિષય પર વાત કરતાં જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પ્રગટ થઇ અનેક યુગ કાર્યો કર્યાં, તેમાં એમનું એક મહત્ત્વનું કાર્ય એ હતું કે પરમહંસોનો એક સમુદાય આ જગતને ભેટ આપ્યો. પરમહંસોમાં આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિ તો હતી જ સાથે સાથે તેમનામાં લૌકિક કળાઓ પણ ભરપુર હતી. તે કળાઓમાંની એક કળા એટલે સાહિત્ય કળા. એવી કળાઓથી ભરપુર એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હતા. તેમને 23 જેટલા ગ્રંથોની રચના કરેલ છે. તેમોનો એક ગ્રંથ એટલે સારસિદ્ધિ.

સારસિદ્ધિ ગ્રંથનો બહિરંગ પરિચય આપતાં જણાવ્યું હતું કે, આ સારસિદ્ધિ ગ્રંથ એક આધ્યત્મિક ગ્રંથ છે. તેને શાસ્ત્ર કહી શકાય. કારણ કે તેમાં પરમાત્માને પામવાની સાધનાની વાત છે. એમાં પરમાત્માનાં સ્વરૂપનું નિરૂપણ અને આધ્યાત્મિક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. સાર સિદ્ધિ એ બે શબ્દોને સમજવાથી ગ્રંથનો પરિચય પ્રાપ્ત થાય છે. સાર એટલે શ્રેષ્ઠ વસ્તુ. અને સિદ્ધિ એટલે નિર્ણય. આ ગ્રંથમાં શ્રેષ્ઠ વસ્તુનો નિર્ણય કર્યો છે. સારસિદ્ધિ ગ્રંથને કડવું એ શબ્દથી વિભાજીત કર્યો છે. ગ્રંથમાં 48 કડવા છે. ચાર-ચાર કડવાઓ પૂર્ણ થાય પછી એક કીર્તન તેમણે રચ્યું છે. એટલે કે ગ્રંથમાં બાર કીર્તનો સમાયેલા છે. આવી રીતે આ ગેય ગ્રંથ છે.

ગ્રંથની બે વિશેષતાઓ વિષે વાત કરતાં જણાવ્યું કે, વેદાદિક શાસ્ત્રોમાં અને વચનામૃત ગ્રંથમાં જે સનાતન સિદ્ધાંત આપવામાં આવ્યો છે એ જ સિદ્ધાંત નિષ્કુળાનંદ સ્વામીએ એક નવીન સ્વરૂપમાં આપની સમક્ષ રજૂ કર્યો છે. તેમણે મૂળ વાતને પકડી રાખી મૌલિક રચના કરી છે. આપણાં શાસ્ત્રોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે સાધનાઓ તથા ભગવાનના પ્રગટ સ્વરૂપને સમજીને તેની શરણાગતિરૂપ સનાતન સિદ્ધાંતો છે, એ જ સિદ્ધાંતોને નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં સમાવ્યા છે. બીજી વિશેષતા છે સાહિત્યની દૃષ્ટિએ. તેમને આ ગહન સિદ્ધાંતોને અભણ ગામડાના લોકો પણ સરળતાથી સમજી શકે તેવી સરળ દૃષ્ટાંત શૈલી, આખ્યાન શૈલીનો પ્રયોગ કર્યો છે.  જેમ કે,

જેમ મોર પત્નિ બિંદુ આવતાં રતે લીયે છે રસે ભરેલડા,

તેનો મયૂર થાય તદવત થાય પડતા થાય બિંદુના ઢેલડા.

મોર અને ઢેલની પ્રજનન ક્રિયાનું દૃષ્ટાંત આપીને પ્રગટ ભગવાનના મુખમાંથી આજ્ઞા વચન નીકળતા હોય તેને મુમુક્ષુ, ભક્ત અધ્ધર વચન ઝીલી લે અને તે પ્રમાણે વર્તવા માડે તો બધા જ સારની સિદ્ધિ થાય છે તેમ તેઓ જણાવે છે. તેમણે ભાગવત, રામાયણ, મહાભારત વગેરે ગ્રંથોમાં આવતી આખ્યાન શૈલીનો ઉપયોગ કરીને સિદ્ધાંતો સમજાવ્યા છે, અને તે પણ લાઘવ પદ્ધતિથી. એટલે કે એક જ સાખીમાં સમાવેશ કરીને આવો મોટો સિદ્ધાંત બતાવ્યો હોય. જેમ કે પ્રગટ ભગવાનની વાત કરતાં નિષ્કુળાનંદ સ્વામી ભાગવત પુરાણમાં આવતા ઋષિ પત્નીઓ ગોપ બાળકોને ઓળખી ગઇ અને ભોજન આપ્યું તે આખ્યાનને એક સાખીમાં દૃષ્ટાંતરૂપે રજૂ કરતા કહે છે કે –

પ્રગટ ભજી ઋષિ પત્ની પરોક્ષ ભજ્યા ઋષિ રાય,

ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા ઋષિ રહ્યા પરિતાપ માય.

આવી રીતે લાઘવ શૈલીમાં વર્ણન કર્યું છે. સાથે સાથે સ્વામીએ જુદા જુદા છંદોનો પ્રયોગ કર્યો છે. જેમ કે, કોઇ પણ કડવાનો આરંભ ધન્યાશ્રી રાગથી થાય. તેના પછી પૂર્વછાયો વગેરે ઢાળથી થાય. આ ગ્રંથમાં આવતા કીર્તનોમાં ક્યારેક સામગ્રી, ક્યારેક ગરબી ક્યારેક ધોળ એ બધા રાગ ઢાળમાં રચના કરી છે.

તેમણે નિષ્કુળાનંદ સ્વામીની વિશેષતા વિશે વાત કરી કે, તેમણે રજૂ કરેલા આખ્યાનો પરથી તેમને કેટલા બધા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હશે તે જણાઈ આવે છે. નિષ્કુળાનંદ સ્વામીમાં બે પરસ્પર વિરોધાભાસરૂપ સદગુણો દેખાય છે. એક બાજુ બૃહદ વૈરાગ્ય અને બીજી બાજુ પ્રેમનો ઘુઘવતો મહાસાગર. જેમાં ભગવાનનું સુખ સમાવેલું હોય. વૈરાગ્યની વાતો કરી તેમણે તેમના મોટા દીકરાને પણ સાધુ બનાવ્યા. તેમનું નામ ગોવિંદ સ્વામી હતું.

સ્વામીના જીવનમાં સમય અને સંજોગોને કારણે કડક નિયમો, વિવિધ કઠણ પ્રકરણો, રહેવાની વ્યવસ્થાનો અભાવ, ભિક્ષા મળે નહીં. માંડ માંડ ભેટ ભરાય એટલું મળે કે ક્યારેક ન પણ મળે, ઉપવાસ થાય, તિરસ્કાર વગેરે ભરપુર દુઃખો હતા. છતાં તેમના આ ગ્રંથમાં કોઇ દુઃખની ઝલક પણ દેખાતી નથી પરંતુ પંકિતએ પંકિતએ આનંદ અને ઉત્સાહનો અનુભવ થાય છે. તેમણે છેલ્લા કીર્તનમાં પણ લખેલું છે કે,

ભાગ્ય જાગ્યા આજે જાણવા, કોટિ થયા કલ્યાણ

ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ.

તે એક અનુભવી લેખક હતા, વર્તનયુક્ત લખનારા હતા. તેમને જે ત્યાગ-વૈરાગ્યની વાત કરી તે તેમના જીવનમાં સંપૂર્ણ રીતે ચરિતાર્થ હતી.

સ્વામીએ પ્રગટ ભગવાનને જોયા છે, પ્રગટ ભગવાનના સુખનો અનુભવ કર્યો છે. અનુભવી અને વર્તનયુક્ત સંત હતા. એ ગ્રંથકારની એક વિશેષતા છે. ગ્રંથનો હેતુ પણ વિશિષ્ટ છે, જે ગ્રંથના 48 મા કડવામાં જણાય આવે છે. મુમુક્ષુને ભગવાનનું સુખ આવે, પરોપકાર એ હેતુ છે. એટલે જ એમને ગ્રંથના પ્રથમ કડવામાં સારમાં સારભૂત ભગવાનની પ્રસન્નતા-રાજીપાથી આરંભ કર્યો છે. ભગવાનની પ્રસન્નતાથી બધી જ પ્રાપ્તિ થાય. બધુ જ સુખ મળે. સ્વામી ભગવાનને રાજી કરવાની રીત બતાવે છે. ત્યારબાદ સ્વામી 5 માં કડવાથી વૈરાગ્યનો મહિમા જણાવ્યો છે. વૈરાગ્યને ચિંતામણી સાથે સરખાવ્યો છે. વૈરાગ્ય હોય તો સાચા અર્થમાં આપણે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. વૈરાગ્યના અભાવે આપને સાચી રીતે ભગવાનને રાજી નહી કરી શકીએ. વૈરાગ્ય હશે તો જ રાજી કરી શકીશું. એવો વૈરાગ્યનો મહિમા સમજાવ્યો છે. સાચો વૈરાગ્ય એટલે શું? તેના લક્ષણો પણ કહ્યા છે.

વૈરાગ્યની એક શાખા છે સાંખ્ય વિચાર. સ્વામીએ સાંખ્યનિષ્ઠાને વૈરાગ્યના એક ભાગ તરીકે ઉપદેશ આપ્યો છે. જેવું લાગે છે એવું હોતું નથી. નાશવંત છે તેમ સમજવું. વૈરાગ્યવાન વ્યક્તિ પોતાના દેહના સુખને પણ છોડી દે. જ્યાં ત્યાં જેવું તેવું ચલાવી લેતાં શીખી લે. આ બધા લક્ષણોને સમજવા માટે ભગતજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામીમહારાજ જેવા મહાન વૈરાગ્યવાન સત્પુરુષોના જીવન નીરખવા પડે. વૈરાગ્ય હોય પરંતુ ઇન્દ્રિયોનો સંયમ ન હોય તો પણ મુશ્કેલી થાય. તેથીય આગળ મનમાં પણ સંકલ્પ ન થવો જોઇએ. જે જન્મ-મરણનું કારણ બને છે. આ બધા લક્ષણો હોય તો અભિમાન આવવાની શક્યતા છે. એટલે આત્મનિષ્ઠા અગત્યની છે. સ્વામીએ આત્મનિષ્ઠાના ગુણને વૈરાગ્યમાં સમાવી લીધો છે. સાચો વૈરાગ્યવાન પુરુષ આત્મનિષ્ઠ હોય છે. સ્વામીનો વૈરાગ્ય શુષ્ક નથી પણ શુદ્ધ છે. સ્વામીનો વૈરાગ્ય ભક્તિએ યુક્ત છે. 21-22 માં કડવાથી ભક્તિનો ગુણ બતાવે છે.

સારમાં સાર તત્વ ધર્મ છે તેમ 23 માં કડવાથી વર્ણવે છે. જેને સ્વામિનારાયણ ભગવાને એકાંતિક ધર્મ કહ્યો છે. ધર્મ એટલે ભગવાનના વચન. પ્રગટ ભગવાનની આજ્ઞા. અને આગળ કહ્યુ આવા એકાંતિક ભક્ત અત્યારે સત્સંગમાં છે. એને સાચા સંત કહેવામાં આવે છે એકાંતિક સંત કહેવામાં આવે છે. ભગવાનને મળેલા સંત એટલે અખંડ-નિત્ય એકાંતિક ધર્મ ધારી રહેલ સંત. તેનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. શાસ્ત્રોમાં કહેલા સંત-અસંતના લક્ષણો અર્થાત સાચા અને કાચા બંને સંતની ઓળખાણ પણ કરાવી છે. ત્યારબાદ સાચામાંથી પણ અતિ સાચા સંતની ઓળખાણ કરાવી છે.

બીજા ગુણવાણ તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ.

મળેલ એટલે એકાત્મભાવ પામેલા. એવા અક્ષરબ્રહ્મ સત્પુરુષ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ ભગવાનને મળેલા સંત છે. એમના દ્વારા ભગવાન પૃથ્વી પર સુખ આપે છે. સાથે સાથે સ્વામીને જે સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઇ છે તે છે ભગવાન સ્વામિનારાયણ. તેની સમજૂતી આપે છે. તેમની જોડ અંનતકોટી બ્રહ્માંડોમાં જડે તેવી નથી. એવા અજોડ પરમાત્મા આપણને પ્રાપ્ત થયા છે તેમ તેઓ જણાવે છે.

ગ્રંથના અંત ભાગમાં સ્વામી ભગવાન સ્વામિનારાયણનો એક વિશિષ્ટ સિદ્ધાંત, પ્રગટ સ્વરૂપને પામવાની અને તેને ઓળખવાની વાત કરી છે. અને છેલ્લે કીર્તનમાં જણાવે છે, કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટિ થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. મનકર્મ વચને પ્રગટ ભગવાનનું ભજન કરી લેવું. સ્વામીએ ભગવાનની પ્રાપ્તિ, સિદ્ધિ એ ને જ સારમાં સાર કહ્યો છે. એ જ સારની સિદ્ધિને ગ્રંથમાં વર્ણવી છે.

પૂ. ઇશ્વરચરણસ્વામીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એકાંતિક ધર્મની વાત સારસિદ્ધિમાં કરી છે. તે એકાંતિક ધર્મ એટલે સદાચાર. સારુ આચરણ. સદગુણ. સમાજમાં રહેલા દુર્વ્યસનો દૂર ન થાય ત્યાં સુધી અધ્યાત્મનો માર્ગ પ્રાપ્ત થતો નથી. એટલે નિયમથી જ આપણે સત્સંગમાં આગળ વધી શકીએ છીએ. અને પ્રગતિ થાય છે. જ્ઞાન સંબંધી વાત કરતાં કહ્યું કે, આત્મા પરમાત્માનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે. દેહ અને આત્મા બંને જુદા છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન તથા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોવું જરૂરી છે. જે પોતાના આત્માને નથી ઓળખતો તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. અને સર્વ કર્તા હર્તા છે. એમ સમજીએ ત્યારે જ ભગવાનનું સ્વરૂપ યથાર્થ સમજ્યા કહેવાય. તે જ્ઞાને કરી આપને આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ.

વૈરાગ્ય સંબંધી વાત કરતાં કહ્યું કે, ભગવાન કે ગુણાતીત સંત સિવાયમાં અપ્રીતિ તેનું નામ વૈરાગ્ય. ભગવાન સર્વ સુખના સિંધુ છે. ભગવાન અને સંતનો મહિમા સમજીએ તેમ તેમ વૈરાગ્ય દૃઢ થાય છે. ભક્તિ સંબંધી વાત કરતાં કહ્યું કે ભગવાનને સંતમાં દૃઢ આશરો કરવો તેમજ અતિશય પ્રીતિ તેનું નામ ભક્તિ. ધર્મે સહિત સ્વામી સેવક ભાવે, માન તજી, શ્રદ્ધાએ સહિત અને ઇર્ષાએ રહિત ભક્તિ કરવી એવી વાત કરી. તેમણે ભક્તિની રીત સમજાવી હતી. એવી અનન્ય ભક્તિ અત્યારે મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રવચનને અંતે પૂ. જ્ઞાનતૃપ્તદાસ સ્વામીએ ઓનલાઇન ચેટ દ્વારા શ્રોતાઓએ પૂછેલ પ્રશ્નોના સારરૂપ કેટલાક પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા. પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી 94માં વ્યક્તિવિશેષ વિષયક પ્રવચન ‘સદગુરુ મુક્તાનંદ સ્વામીની પ્રેરક-જીવનગાથા’ની રૂપરેખા આર્ષના ડાયરેક્ટર ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ આપી હતી અને છેલ્લે પૂ. હરિતિલકદાસ સ્વામીએ શાબ્દિક આભાર વિધિ કરી હતી.

Related posts

સુરતમાં આપ અને ભાજપના કાર્યકરો તથા કોર્પોરેટર વચ્ચે જાહેરમાં મારામારી.

aapnugujarat

રસિકલાલ હત્યા પ્રકરણમાં આરોપી હત્યારો અંતે જબ્બે

aapnugujarat

साल अस्पताल को केन्टीन बंद करने म्युनि नोटिस देने की तैयारी में हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1