Aapnu Gujarat
ગુજરાત

મોરવા હડફ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

પંચમહાલ જિલ્લાના મોરવા(હડફ) ખાતે સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી છે.
પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી સમાજે વાજિંત્રોના તાલે નૃત્યો કરી આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શિક્ષકોનુંસન્માન, લાભાર્થીઓને વન અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી મોરવા હડફમાં કે.એસ. હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ઉજવણી સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પ્રકૃતિથી અનન્ય લગાવ ધરાવતા આદિવાસી સમાજે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને કુદરતના જ્ઞાનને વનોમાં જાળવી રાખીને સમગ્ર માનવજાત ઉપર ઉપકાર કર્યો છે. આદિવાસી સમાજની આ વિશિષ્ટ સંસ્કૃતિના માનમાં આ દિવસની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના પ્રદાનને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે બિરસા મુંડા અને ગોવિંદ ગુરૂની શૌર્યગાથાઓ અને દેશપ્રેમ આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડે છે. પંચમહાલ જિલ્લાના ઈતિહાસમાં આદિવાસીઓનું પ્રદાન અનન્ય રહ્યું છે તે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકાર આદિવાસીઓની વિશિષ્ટ સંસ્કૃતિ જાળવી રાખવાની સાથે તેમનો અન્ય સમુદાયોની સમકક્ષ વિકાસ થાય તે સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે.
આદિવાસી બાળકો માટે દૂધ સંજીવની, એકલવ્ય અને સમરસ છાત્રાલયો, બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી અને ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની સ્થાપના, આદિવાસી રમતવીરો માટે શિષ્યવૃતિ, આદિવાસી બાળકોને પ્રોફેશનલ કોચિંગની સુવિધાઓ સહિતની યોજનાઓ આદિવાસી સમુદાયનો વિકાસ કરવા પ્રત્યેની કટિબધ્ધતા દર્શાવે છે.
સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના શુભેચ્છા સંબોધનનું પ્રસારણ અને આદિજાતિ સંસ્કૃતિના વિકાસ સહિતની યોજનાઓ દર્શાવતી એક લઘુ દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ નિમિત્તે જિલ્લાના ઉચ્ચ શૈક્ષણિક સિધ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ, રમત-ગમત ક્ષેત્રે પ્રશંસનીય પ્રદર્શન કરનારા ખેલાડીઓ તેમજ વિવિધ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું આદિવાસી રીત-રિવાજો અનુસાર આદિવાસી કોટી, તીર-કામઠું અને વારલી પેઈન્ટીંગની પરંપરાગત ભેટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
યુનો દ્વારા વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયના પ્રદાનને સ્વીકારવા, તેમને સમાન હક્કો-અધિકારો મળી રહે અને તેઓ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે ૯ ઓગસ્ટનો દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્માની ભાજપમાં અનુ. જાતિના મિડિયા વિભાગનાં પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂંક

editor

સોખડા ખાતે મહિલા સમુદાયને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિરને આયોગના અધ્‍યક્ષા લીલાબેન અંકોલીયાએ ખુલ્‍લી મુકી

aapnugujarat

મહેસાણા જિલ્લામાં રવિ પાકનું વાવેતર

editor

Leave a Comment

UA-96247877-1