Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘પર્યાવરણની રક્ષા – આપણી સુરક્ષા’ વિષય ઉપર ૯૧મું પ્રવચન યોજાયું

‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૨ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમમાં સામાજીક સમસ્યા અંગે ‘પર્યાવરણની રક્ષા – આપણી સુરક્ષા’ વિષયે ૯૧માં પ્રવચનનું આયોજન તા. 28-3-2020 ના રોજ થયેલું હતું. આ પ્રસંગે ડૉ. ભરત જૈન, સભ્યસચિવ, ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર, ગાંધીનગર વક્તવ્યનો લાભ આપનાર હતા. પરંતુ, કોવીડ-૧૯ મહામારી અને લોકડાઉનના પગલે તે શક્ય બન્યું ન હતું. સામાજીક દૂરી બનાવી રાખવાની આવશ્યકતા સાથે શ્રોતાઓની ઉત્કંઠાને ન્યાય આપી શકાય તે હેતુથી આર્ષ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સિસકોના વેબેક્ષ માધ્યમથી વેબીનારના રૂપમાં તા. ૧૩/૦૬/૨૦૨૦ના રોજ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા.

પ્રવચનની શરૂઆતમાં સંચાલક પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ પૂ. આનંદસ્વરૂપદાસ સ્વામી, મહંતશ્રી અક્ષરધામ ગાંધીનગર, વક્તા શ્રી ડૉ. ભરત પી. જૈન, સભ્યસચિવશ્રી, ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર, ગાંધીનગર, પ્રો. ગોપબંધુ મિશ્ર, કુલપતિશ્રી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ તથા શ્રી દશરથભાઈ જાદવ, કુલસચિવશ્રી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.

સ્વાગત પ્રવચનમાં પ્રો. ગોપબંધુ મિશ્રએ જણાવ્યું હતું કે, આર્ષ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી ત્રૈમાસિક પ્રવચનમાળા યોજવામાં આવે છે. તેના ૯૧માં પ્રવચનનું આયોજન સંયુકત ઉપક્રમે યોજવામાં આવ્યું તે અંગે હર્ષ વ્યક્ત કરું છું. પર્યાવરણની જાળવણી અંગેની પ્રાકૃતિક વ્યવસ્થાની ચર્ચા કરતાં તેઓએ વરસાદના પાણીના સર્જનમાં સૂર્ય-તેજ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશની ભૂમિકાના ઉદાહરણથી સમજાવ્યું કે, પાણીનું નિર્માણ કરતાં પંચમહાભૂત દ્વારા જ મનુષ્ય શરીર બનેલું છે. સમગ્ર પર્યાવરણ જેમાં સજીવ-નિર્જીવ સૃષ્ટીનો સમાવેશ થાય છે તે પંચમહાભૂતના બનેલા છે. તેથી પ્રકૃતિના સર્વે ઘટકો વચ્ચે સંકલન-સંતુલન જળવાતું હોય ત્યારે જીવન સુખમય, શાંતિમય લાગે છે.

‘પર્યાવરણની રક્ષા – આપણી સુરક્ષા’ વિષય પર જણાવતા ડૉ. ભરત જૈને જણાવ્યું હતું કે, અક્ષરધામ ખાતે યોજાતી આર્ષ પ્રવચનમાળા તેઓએ શ્રોતા તરીકે માણી છે. પરંતુ જયારે પ્રવચનમાળાના 91માં મણકામાં વક્તા તરીકેની સેવા મળી છે ત્યારે આનંદ સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરું છું.

પર્યાવરણ એટલે શું ? તે સ્પષ્ટ કરતાં જમીન, તેજ, પાણી, વાયુ અને આકાશ એટલે કે પંચમહાભૂતના ઘટકો જ પર્યાવરણ છે તેમ જણાવ્યું હતું. આપણી સંસ્કૃતિમાં પર્યાવરણને સદીઓ પૂર્વેથી સમજાવવામાં આવ્યું છે. વેદ અને પુરાણોમાં તેની સ્પષ્ટ વ્યાખ્યા સમજાવવામાં આવી છે. દરેક જીવમાં આ પંચમહાભૂતો રહેલા છે. હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણે પર્યાવરણના ઘટકોનું પૂજન કરીએ છીએ. નદી અને ધરતીને માતા ગણવામાં આવે છે. સૂર્ય, જળ, વાયુને દેવતા તરીકે પૂજવામાં આવે છે. સમગ્ર પૃથ્વીને એક કુટુંબ ગણવામાં આવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં Survival of the fittest માનવામાં આવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ Live and let Live માં માને છે.

પર્યાવરણ અસંતુલિત થવામાં માનવ જાતનું સૌથી મોટું યોગદાન છે. (1) વસ્તી વધારો, (2) શહેરીકરણ, (3) ઔદ્યોગીકરણ, (4) પ્રાકૃતિક ઘટકોનો વધતો જતો વપરાશ વગેરે તેનાં મુખ્ય કારણો છે. આપણા દેશમાં લગભગ 136 કરોડની વસતી છે. જેને કારણે પાણી અને હવાનો વપરાશ વધી રહ્યો છે. જેથી સૌ પ્રથમ તો વસ્તીવધારો નિયંત્રિત કરવો હવે અનિવાર્ય બન્યો છે. ગ્રામ્યજીવન ઘટતું જાય છે અને શહેરીકરણ વધતું જાય છે. નવા નવા શહેરોના નિર્માણમાં વધુને વધુ ફળદ્રુપ જમીનનો નાશ અને વૃક્ષો કાપી નાંખવામાં આવી રહ્યાં છે. ગ્રીન કવર ઘટવાના કારણે પ્રાણવાયુ (ઓક્સિજન)નું સ્તર જોખમાયું છે.

ઔદ્યોગિક ક્ષેત્રોમાં આગળ વધવાની આંધળી હરિફાઈમાં એટલું બધું પ્રદૂષણ ફેલાવવાનું શરૂ કરી દીધું છે કે મોટાભાગની હવા આપણે પ્રદૂષિત કરી દીધી છે. એટલા બધા કેમિકલોનો વપરાશ અને કાળો ધુમાડો માનવજાત તેમજ સમગ્ર જીવસૃષ્ટિના આયુષ્ય પર અસર કરી રહ્યો છે. ઔદ્યોગિકરણની માનવજીવન પરની માઠી અસરના (1) લંડન સ્મોગ (1852). (2) ભોપાલ ગેસ દુર્ઘટના (1984). (3) કાર્બોનાઈલ દુર્ઘટના (1986). (4) ફૂકૂસીમા (જાપાન) ન્યુક્લિઅર (2011) જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે નોંઘાયેલા દૃષ્ટાંતો રજુ કર્યાં હતાં. વધતા તાપમાને કારણે  એમેઝોનના જંગલોમાં તથા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગની વિગતો દર્શાવી હતી. આવી તમામ ઘટનાઓ પર્યાવરણને ખલેલ પહોંચાડે છે તેમ જણાવ્યું હતું. વિકાસ કરવો જરૂરી છે પરંતુ તેને કારણે પર્યાવરણ જોખમાઈ રહ્યું છે. જેને કારણે ક્લાઈમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે. જંગલોનો નાશ, વધારે પડતું માઈનીંગ નિયંત્રિત કરવાની જરૂરીયાત જણાવી હતી.

પર્યાવરણ વિષયના પોતાના લાંબા અનુભવના નિચોડરૂપે પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજ આપતાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરીકરણ. ઔદ્યોગીકરણ કે પ્રાકૃત્રિક ઘટકોનો ઉપયોગ કઈ રીતે શક્ય બને. રોજીંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતા પાણી, અન્ન, વીજળી, કાગળ, ઈલેક્ટ્રોનીક ઉપકરણો વિગેરેમાં કઇ રીતે કરકસર કરી તેનો વ્યય અને તે દ્વારા ઉત્પન્ન થતો કચરો ઘટાડી શકાય તે સ્પષ્ટ કર્યું હતું રી-સાયક્લ અને રિ-યુઝ કરી શકીએ તેવી વસ્તુઓના વધારે ઉપયોગ દ્વારા જોખમાંયેલાં પર્યાવરણને પુનઃ પૂર્વવત કરવાની દિશામાં પગલા લેવા સૂચવ્યું હતું.

પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ ‘દર્શન’ વિષયના ‘પ્રાચીન યોગ અને વર્તમાન યોગા (Yoga)’ શીર્ષકના આગામી 27/૦6/2020ના ના રોજ થનાર પ્રવચનની રૂપરેખા જણાવી હતી. 

સમાપન પ્રવચનમાં પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં, શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર.. ચાર બાબતોનો ઉલ્લેખ છે. આપણે જે કંઈ સાંભળીએ છીએ તેને શ્રવણ કહેવાય છે. મનનનો અર્થ એ થાય છે કે, આપણે આપણા જીવનની અંદર કેટલું અપનાવી શકીએ એ વિચાર મનન કહેવાય છે. નિદિધ્યાસ એટલે આપણા જીવનમાં થતી ભૂલોને સુધારતાં જવું જેને નિદિધ્યાસ છે. જીવનની અંદર ઉતરે તેને આપણે સાક્ષાત્કાર કહીએ છીએ. આપણી આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા, જરૂરી માત્રામાં ભોજન, સવારથી સાંજ સુધીની દિનચર્યામાં પાણીનો ચોક્કસ માત્રામાં ઉપયોગ, બિનજરૂરી વસ્તુઓનો વપરાશ ઘટાડવો વગેરે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણે આપણા માનસિક પ્રદૂષણને પણ નિયંત્રિત કરવાની જરૂર છે. ગુસ્સો-લોભ-ઇર્ષ્યા-અભિમાન મનના દોષો એ માનસિક પ્રદૂષણ છે. જેને આપણે માનસમાંથી દૂર કરવાની દિશામાં અગ્રેસર થવું જોઈએ.

અંતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના શ્રી દશરથભાઈ જાદવ, કુલસચિવશ્રીએ આ કાર્યક્રમમાં સહભાગી થનાર સૌ કાર્યકર્તાઓ તથા અધિકારીઓનો આભાર માન્યો હતો

Related posts

વર્તમાન સભ્ય-રાજયસભા સાસંદોને ટિકિટ નહી મળે : કોંગ્રેસ

aapnugujarat

નવી દિલ્હીના અકબર માર્ગ પર નવા ગુજરાત સદનની ભૂમિપૂજન વિધિ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન

aapnugujarat

ઘરકંકાસમાં સગા બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1