Aapnu Gujarat
ગુજરાત

ઝીકા વાયરસ મુદ્દે હાઇકોર્ટમાં પીઆઇએલ કરાઈ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એકસાથે નોંધાયેલા ઝીકા વાયરસના ત્રણ કિસ્સાઓના મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં હાઇકોર્ટે પીઆઇએલ ફાઇલ કરનાર અરજદાર સામે જ સવાલો ઉઠાવ્યા હતા અને તેની કોર્ટરૂમમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે એવી ગંભીર ટકોર કરી હતી કે, આ પીઆઇએલ નહી પરંતુ પબ્લીસીટી ઇન્ટરેસ્ટ માટે અરજી કરાઇ હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. હાઇકોર્ટે એક તબક્કે યોગ્ય રજૂઆત નહી કરી શકો તો, અરજદારપક્ષને મોટો દંડ ફટકારવાની ચીમકી પણ આપી હતી. અરજદારપક્ષ પાસેથી આ સમગ્ર મામલે ખુલાસો માંગી કેસની વધુ સુનાવણી આવતા સપ્તાહ પર મુકરર કરી છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં જ ઝીકા વાયરસના ત્રણ કિસ્સાઓ નોંધાયા હતા અને તેને લઇ શહેર સહિત રાજયભરમાં અને દેશભરમાં ભારે ચકચાર જાગી હતી. ઝીકા વાયરસને તંત્ર ઉંઘતુ ઝડપાયુ હતુ અને સરકાર સહિતના સત્તાવાળાઓએ ઝીકા વાયરસની માહિતી અને વિગતો અગમ્ય કારણોસર પ્રજાથી છુપાવી રાખી હોવાના મુદ્દા ઉપસ્થિત કરતી હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન એવી રજૂઆત કરાઇ હતી કે, ઝીકા વાયરસ અંગેના કેસો અને તેને લગતી હકીકતો અને માહિતી સમયસર જાહેર કરવાની સરકારની ફરજ હતી અને તે ફરજ અદા કરવામાં સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ નિષ્ફળ ગયા છે. સત્તાવાળાઓ અને તંત્રએ જાણીબુુઝીને આ માહિતી છુપાવી હોવાના અને આ સંજોગોમાં જવાબદાર સત્તાવાળાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા સહિતના આક્ષેપો કરતી જાહેરહિતની રિટ અરજીમાં જાહેર આરોગ્ય અને તેની જાળવણી અને સુરક્ષાના પણ મુદ્દા ઉઠાવાયા હતા. જો કે, આજે પીઆઇએલની સુનાવણી ટાણે જ હાઇકોર્ટે અરજદારપક્ષને આડાહાથે લીધા હતા. હાઇકોર્ટે અરજદારપક્ષની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, આ અરજી જાહેરહિતમાં નહી પરંતુ પબ્લીસીટી માટે થઇ હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટે અરજદારને એવો વેધક સવાલ કર્યો હતો કે, તમે શા માટે આ સમગ્ર મામલે રાજય સરકારમાં પહેલા રજૂઆત ના કરી ? જાન્યુઆરી મહિનામાં ઝીકા વાયરસ અમદાવાદમાં જોવા મળ્યો હોવાના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ બાદ અત્યારસુધી અરજદાર શું કરી રહ્યા હતા? હાઇકોર્ટે આ સમગ્ર મામલે અરજદારપક્ષને ખુલાસો કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી આવતા સપ્તાહ પર મુકરર કરી છે.

Related posts

મરાઠાની જેમ અનામત નહી અપાય તો આંદોલન ઉગ્ર થશે

aapnugujarat

અમદાવાદની એક હોટલમાંથી મળ્યો મિઝોરમની યુવતીનો મૃતદેહ

aapnugujarat

વિરમગામમાં નિકળી ભગવાન જગન્નાથની 37મી ભવ્ય રથયાત્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1