Aapnu Gujarat
બિઝનેસ

સોનાની ગ્રામીણ માંગમાં પખવાડિયામાં ૩૦-૪૦% કડાકો

ચોમાસાની શરૂઆત સાથે વાવેતરની પ્રવૃત્તિના પ્રારંભથી સોનાની ગ્રામીણ માંગ પખવાડિયામાં ૩૦-૪૦ ટકા ઘટી છે. ખેડૂતો બિયારણ, ખાતર, ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો ખરીદી રહ્યા છે, એટલે સોનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે.ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના ડિરેક્ટર કેતન શ્રોફ અને અન્ય અગ્રણી બુલિયન ડીલરે જણાવ્યું હતું કે, દેશભરમાં વાવેતરની પ્રવૃત્તિ વધવાથી સોનાની માંગ છેલ્લા પખવાડિયામાં ઘટી છે.પહેલી જુલાઈથી જીએસટીના અમલને કારણે માંગમાં તાત્કાલિક વૃદ્ધિની શક્યતા જણાતી નથી. જીએસટીના અમલ પછી બજારને સ્થિર થતાં ઓછામાં ઓછા બે ત્રિમાસિક ગાળાનો સમય લાગશે.સોનાની માંગ ભલે ઘટી હોય, પણ ચોમાસાની સારી શરૂઆતથી જ્વેલર્સ ખુશ છે. તેમને આગામી તહેવારો અને દિવાળીમાં સારી ઘરાકીની આશા છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તાર માટે સોનું મહત્ત્વનો એસેટ ક્લાસ ગણાય છે. ખેતી અને ચોમાસુ દેશમાં સોનાની એકંદર માંગ અંગે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન માત્ર ૧૭ ટકા છે, પણ ગ્રામીણ અર્થતંત્ર માટે તે ઘણું મહત્ત્વનું છે. ભારતની કુલ વસતિમાં ગામડાંનો હિસ્સો ૬૬ ટકાથી વધુ છે.ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના પાક માટે લણણીની સીઝન સપ્ટેમ્બરથી નવેમ્બરના ગાળામાં હોય છે. ગ્રામીણ ભારતમાં પાકના વેચાણમાંથી મળેલી રકમના અમુક હિસ્સા દ્વારા સોનું અને ખાસ કરીને સોનાનાં ઘરેણાંની ખરીદી કરવામાં આવે છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ઇન્ડિયા)ના એમડી સોમાસુંદરમ્‌ પીઆરે જણાવ્યું હતું કે, ચોમાસાની લાંબા ગાળાની સરેરાશની તુલનામાં વરસાદમાં એક ટકા વૃદ્ધિથી સોનાની માંગ ૦.૫ ટકા વધે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સારું ચોમાસુ પાકની ઊપજ વધારે છે. તેને લીધે ગ્રામીણ અર્થતંત્રમાં નાણાં આવે છે અને સોનાની માંગમાં વધારો થાય છે.ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ પ્રમાણે વરસાદ દેશની લાંબા ગાળાની સરેરાશના ૯૮ ટકા રહેવાનો અંદાજ છે. અગાઉ હવામાન વિભાગે ૯૬ ટકા વરસાદની આગાહી કરી હતી. ભારતમાં સોનાનો વાર્ષિક વપરાશ ૮૫૦-૯૫૦ ટન છે. જેમાં ૬૦ ટકા હિસ્સો ગ્રામીણ ભારતનો છે.શહેરોમાં લોકો રત્નજડિત ઘરેણાં પસંદ કરે છે, જ્યારે ગામડાંમાં માત્ર સોનાનાં આભૂષણોની ખરીદી થાય છે. સોનાની માંગ ઘટવાનું અન્ય કારણ પણ છે. જીએસટીના અમલ સુધી બેન્કોએ નવા ઓર્ડર લેવાનું બંધ કરી દીધું હોવાથી મુંબઈના ઝવેરી બજારમાં સોનાનો સપ્લાય ઘટ્યો છે.
રિદ્ધિસિદ્ધિ બુલિયનના ડિરેક્ટર મુકેશ કોઠારીએ જણાવ્યું હતું કે, બજારમાં ખરીદદારો તો છે, પણ વેચનારા ઓછા છે. ગયા સપ્તાહે અમેરિકન ફેડની બેઠકમાં વ્યાજદર વધ્યા પછી ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ.૨૯,૨૦૦થી ઘટાડી રૂ.૨૮,૮૦૦ થયો છે. એટલે લોકો સોનાની ખરીદીમાં રસ દર્શાવી રહ્યા છે.

Related posts

અદાણી કેસમાં સેબીની તપાસ પૂરી નથી થઈઃ તપાસ માટે SC 3 મહિનાનું એક્સ્ટેન્શન આપી શકે

aapnugujarat

લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ પંપનો વરસાદ રહેશે

aapnugujarat

રોકડની અછત અઢી વર્ષમાં સૌથી ખરાબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1