દક્ષિણ એશિયામાં ૨૦૧૭માં ભારત શાંત દેશ તરીકે ઉભરી આવ્યો છે જોકે, તેનો નંબર છેક પાછળ છે. વૈશ્વિક સ્તરે થયેલા એક સર્વેમાં તેનો ક્રમાંક ૧૩૭મો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત એક થિંક ટેન્કના મતે ૨૦૧૧માં સિરિયામાં અશાંતિ ઉદભવી તે પછી પહેલી વખત ૨૦૧૭માં વૈશ્વિક શાંતિનું સ્તર થોડું ઊંચું આવ્યું છે.
ઓસ્ટ્રેલિયા સ્થિત ઈન્સ્ટીટ્યુટ ફોર ઈકોનોમિક એન્ડ પીસના અહેવાલ પ્રમાણે સાઉથ એશિયામાં સૌથી શાંત દેશ તરીકે ભુટાન છે અને આ યાદીમાં તેનો ક્રમ ૧૩મો છે.ભુટાન પછી સાઉથ એશિયામાં શ્રીલંકા ૮૦મા, બાંગ્લાદેશ ૮૪મા, પાકિસ્તાન ૧૫૨મા અને અફઘાનિસ્તાન ૧૬૨મા સ્થાને શાંતિ ધરાવે છે. મતલબ કે, શાંતિ ધરાવતા દેશમાં ભારત કરતાં તેનાથી નાના પડોશી દેશો ઘણાં આગળ છે. થિંક ટેન્કે નોંધ્યું છે તે પ્રમાણે શાંતિના સ્તરમાં જરૂર સુધારો થયો છે પણ આતંકવાદ સંબંધી ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વમાં ૨૦૧૬માં હતી તેના કરતાં ૦.૨૮ ટકા શાંતિ વધી છે. અભ્યાસ પ્રમાણે વિશ્વના ૯૩ દેશોમાં અશાંત પરિસ્થિતિમાં ધીમેધીમે સુધારો આવી રહ્યો છે. જોકે, તેની સામે ૬૮ દેશોમાં સ્થિતિ બદતર બની રહી છે.૨૦૦૮ના વર્ષથી વૈશ્વિક કક્ષાએ શાંતિની સ્થિતિ ૨.૧૪ ટકાના દરથી વણસતી રહી હતી. તે વખતે ૮૦ દેશોમાં સ્થિતિ સુધરી રહી હતી જ્યારે ૮૩ દેશોમાં સ્થિતિ ખરાબ બનતી જતી હતી. છેલ્લા એક દાયકામાં જે કેટલાક ટ્રેન્ડ નોંધાયા છે તે પ્રમાણે ઓછી શાંતિ ધરાવતા દેશો અને સૌથી વધુ શાંત દેશો વચ્ચે જે અસમાનતા છે તે વધી રહી છે. સર્વેમાં એ બહાર આવ્યું છે કે જે દેશો શાંત હતા તે વધુ શાંત બન્યા છે જ્યારે અશાંત દેશોમાં આવી ઘટનાઓ વધારે બની રહી છે.આ સર્વેમાં આઈસલેન્ડ સૌથી ટોચ પર છે. તે પછી ન્યૂઝીલેન્ડ બીજા, પોર્ટુગલ ત્રીજા, ઓસ્ટ્રિયા ચોથા ડેન્માર્ક પાંચમા ઝેક રિપબ્લિક છઠ્ઠા સ્લોવેનિયા સાતમા કેનેડા આઠમા સ્વીત્ઝરલેન્ડ નવમા અને આયર્લેન્ડ તેમજ જાપાન દસમા સ્થાને છે. જે તે દેશમાં હિંસક અપરાધો, લશ્કરી કાર્યવાહીનું સ્તર, શસ્ત્રો કેટલાં આયાત થાય છે, તે દેશમાંથી શરણાર્થીઓ અન્ય દેશમાં કેટલા જાય છે સહિતના ૨૩ મુદ્દાઓના આધારે શાંતિનો આ રેન્ક આપવામાં આવે છે.