લાતુરમાં ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જના રૅકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને બે જગ્યાએ રેઇડ પાડીને બે જણની ધરપકડ કરવામાં આવી છે. જાસૂસી ઑપરેશન માટે આ ટેલિફોન એક્સચેન્જનો ઉપયોગ થતો હોવાની શંકા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓને સંવેદનશીલ લશ્કરી માહિતી આપવામાં બન્ને શંકાસ્પદ આરોપીઓ મદદ કરતા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.
જમ્મુ ઍન્ડ કાશ્મીરની મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા મળેલી માહિતીના આધારે મહારાષ્ટ્ર એટીએસના અધિકારીઓએ લાતુર પોલીસ અને ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મળીને શુક્રવારે લાતુરમાં બે સ્થળોએ રેઇડ પાડીને આ કાર્યવાહી કરી હતી.પહેલી રેઇડ લાતુરના પ્રકાશનગરમાં રહેતા ૩૩ વર્ષના શંકર બિરાદરના ઘરમાં પાડવામાં આવી હતી જ્યાં તે છેલ્લા ૬ મહિનાથી ગેરકાયદે નકલી ટેલિકમ્યુનિકેશન જંક્શન ચલાવતો હોવાની ખબર પડી હતી. ઘટનાસ્થળેથી ૯૬ સિમ કાર્ડ, કમ્પ્યુટર, કૉલ ટ્રાન્સફર કરવા માટેનાં ત્રણ મશીન જપ્ત કરવામાં આવ્યાં હતાં. આરોપી શંકર બિરાદરે આપેલી માહિતીના આધારે દેવની તાલુકાના વાલંદી ગામમાં આવા જ બે ગેરકાયદે ઇન્ટરનૅશનલ ગેટવે સેટઅપ પર રેઇડ પાડવામાં આવી હતી જ્યાંથી ૧૪ સિમ કાર્ડ અને અન્ય ઇલેક્ટ્રૉનિક મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું હતું.એ જ રીતે લાતુરના જનવાલ વિસ્તારમાં રહેતા અને મોબાઇલ સિમ કાર્ડના ડિસ્ટ્રિબ્યુટર ૨૭ વર્ષના રવિ સાબડેના ભાડાના ઘરે રેઇડ પાડવામાં આવી હતી જે પાંચ મહિનાથી ગેરકાયદે એક્સચેન્જ ચલાવતો હતો. રવિના ઘરમાંથી ૬૪ સિમ કાર્ડ, લૅપટૉપ, બે ગેરકાયદે ઇન્ટરનૅશનલ ગેટવે મશીન અને અન્ય મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું હતું.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ