બિહારના બેગૂસરાય જિલ્લામાં એક શરમજનક વારદાત સામે આવી છે. જિલ્લાના વીરપુર ગામમાં એક શાળાની ટીચરે કથિત રીતે બે બહેનોના યુનિફોર્મના રૂપિયા ન આપવા બદલ કપડાં ઉતરાવી લીધા. બંને વિદ્યાર્થીનીઓ સગી બહેન છે અને ગરીબ પરિવારમાંથી આવે છે. જિલ્લાના એસપી રંજીત મિશ્રાએ જણાવ્યું કે છોકરીઓના પિતાની ફરિયાદના આધારે ટીચર અંજનાકુમારી અને શાળાના ડાઈરેક્ટર એનકે ઝાની શુક્રવાર રાતે ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીઓને શનિવારે મેજિસ્ટ્રેટ સામે રજુ કરાયા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.સગીર બાળકીઓના પિતા ચુનચુન શાહે જણાવ્યું કે મારી બંને દીકરીઓ બેગૂસરાયની એક ખાનગી શાળામાં ભણે છે.
એક દીકરી નર્સરી અને બીજી પહેલા ધોરણમાં છે. હું શુક્રવારે બપોરે એક વાગ્યે દીકરીઓને લેવા માટે બી આર એકેડેમી ગયો હતો. મારી નાની દીકરીએ જણાવ્યું કે અંજનાકુમારી મને મળવા માંગે છે. તેણે મને શાળાના યુનિફોર્મના રૂપિયા આપવા પર ભાર મૂક્યો. મેં જૂન સુધીમાં રૂપિયા આપી દેવાની વાત કરી હતી. પરંતુ તે ન માની અને મારી દીકરીઓના કપડાં ઉતરાવી લીધા. હું જ્યારે ડાઈરેક્ટર પાસે ગયો તો તેમણે પણ મને ખખડાવી નાખતા બંને દીકરીઓને અર્ધનગ્ન અવસ્થામાં જ ત્યાંથી લઈ જવા કહ્યું.
બિહારના શિક્ષામંત્રી અશોક ચૌધરીએ આ ઘટનાની નિંદા કરી છે અને મામલાની તપાસનો ભરોસો વ્યક્ત કર્યો છે. આ ઘટના બાદ બંને બાળકીઓ ખુબ આઘાતમાં હોવાનું કહેવાય છે. બાળકીના પિતાએ મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.
પાછલી પોસ્ટ