હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા શત્રુઘ્ન સિન્હાના જોડિયા પુત્રોમાંનો એક, લવ સિન્હા પણ હવે ફિલ્મના પડદા પર ચમકવાનો છે.
શત્રુની પુત્રી સોનાક્ષી પોતાને સફળ અભિનેત્રી તરીકે સ્થાપિત કરી ચૂકી છે અને હવે સોનાક્ષીનો ભાઈ લવ પણ એક્ટિંગમાં પોતાનું નસીબ અજમાવશે.
લવના જોડિયા ભાઈનું નામ કુશ છે.‘બોર્ડર’ ફેમ દિગ્દર્શક જે.પી. દત્તાએ એમની નવી ફિલ્મ ‘પલ્ટન’ માટે લવ સિન્હાને કરારબદ્ધ કર્યો છે.આ જાણકારી સોનાક્ષીએ પોતાના ટિ્વન્ટર હેન્ડલ પર આપી છે.
સોનાક્ષીએ કહ્યું છે કે હું ગર્વાન્વિત બહેન છું, કારણ કે મારો ભાઈ લવ જાણીતા નિર્માતા જે.પી. દત્તાની ‘પલ્ટન’ ફિલ્મમાં ચમકવાનો છે.જે.પી. દત્તાની ‘બોર્ડર’ ફિલ્મ રાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકી છે. હાલમાં જ આ ફિલ્મના ૨૦ વર્ષની સમાપ્તિની દત્તાએ ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરી હતી. એ ફિલ્મમાં કામ કરનાર અનેક કલાકારો ત્યારે ફરી ભેગાં થયા હતા.
‘બોર્ડર’માં અભિષેક બચ્ચન, ગુરમીત ચૌધરી, સોનુ સૂદે પણ અભિનય કર્યો હતો. અભિષેક દત્તાની ‘રેફ્યૂજી’, ‘ઉમરાવ જાન’, ‘એલઓસી કારગીલ’ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.સોનાક્ષીએ સલમાન ખાન અભિનીત અને નિર્મિત ‘દબંગ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી અને પહેલી જ ફિલ્મથી તે છવાઈ ગઈ હતી.