રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને રાજકીય ગરમી છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે મોટી જાહેરાત કરી દીધી છે. મુલાયમસિંહે જાહેરાત કરી છે કે, એનડીએના ઉમેદવારને તેમની પાર્ટી ટેકો આપશે. ભાજપ દ્વારા તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મુલાયમસિંહ યાદવના આ નિવેદનને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. બીજી બાજુ શિવસેનાએ વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે પોતાના પસંદગીના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે લીલી ક્રાંતિના જનક એમએસ સ્વામીનાથનના નામનું સૂચન શિવસેના દ્વારા કરવામાં આવ્યું છે. ઠાકરેની પાર્ટીએ પહેલા કહ્યું હતું કે, ચૂંટણીમાં તેઓ સ્વતંત્ર રસ્તો અપનાવી શકે છે. વિતેલા વર્ષોમાં શિવસેનાએ બે વખત એનડીએને ફટકો આપ્યો છે જે પૈકી એક વખતે પ્રતિભા પાટીલને અને બીજી વખત પ્રણવ મુખર્જીને સમર્થન આપ્યું હતું. મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર હોવાની વાત કરીને ફડનવીસે શિવસેનાની નારાજગી વધારી હતી. રાષ્ટ્રપતિ પદના મુદ્દે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધન દ્વારા પણ પોતાના ઉમેદવારને લઇને તૈયારી જારી રાખી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓ વાતચીત કરી ચુક્યા છે. જો કે, હજુ સુધી કોઇપણ વિગત કોંગ્રેસ દ્વારા પણ જાહેર કરવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે, શુક્રવારના દિવસે રાજનાથસિંહ અને વેંકૈયા નાયડુએ મુલાયમસિંહ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ હવે મુલાયમે પોતાની પ્રતિક્રિયા આપી છે.
આગળની પોસ્ટ