કાપડ બજાર, હાર્ડવેર બજાર, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, સિરામિક ઈન્ડસ્ટ્રીઝ સહિત કેટલાક વેપાર-ઉદ્યોગોનો સરકારે જાહેર કરેલા જીએસટીમાં રેટ તથા નીતિ અને નિયમોને લઈને ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. દરમિયાન કેટલાક સંગઠનોએ આ અંગે વિરોધ પણ શરૂ કરી દીધો છે. આ વિરોધ વચ્ચે રવિવારે મળી રહેલ ૧૭મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક મહત્ત્વની સાબિત થઈ શકે છે.નોંધનીય છે કે કાપડબજાર, સિરામિક ઈન્ડસ્ટ્રીઝ, ફૂટવેર, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ તથા હાર્ડવેર બજારના વેપારી અગ્રણીઓએ કાઉન્સિલે લાદેલા જીએસટીના રેટમાં ઘટાડો કરવાની માગ કરી છે અને આ માગ ના સ્વીકારાય તો જીએસટીનો વિરોધ કરવાની તથા લડત આપવા સરકારમાં રજૂઆત કરી છે.આગામી રવિવારે મળી રહેલ ૧૭મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વિભિન્ન ચીજવસ્તુઓ પરના દરને મંજૂરી આપવાની સાથે પાંચ પ્રકારનાં ફોર્મને પણ મંજૂરી આપવાનું કાર્ય હાથ ધરાશે.
કાઉન્સિલની આ બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી પણ ભાગ લેશે. આ બેઠકમાં અગાઉની કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોને તથા ફેરબદલ કરાયેલા નિયમોને મંજૂરી આપવનું કાર્ય થશે.રવિવારે મળી રહેલ કાઉન્સિલની આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોની ઈ-વે બિલ અંગેની માગણી સંબંધે પણ ચર્ચા થઈ શકે છે તથા જીએસટીમાં કેસોની અપીલ અને રિવ્યૂ અંગે પણ નિર્ણય લેવાશે.૧ જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ થવા જઈ રહ્યો છે, તેમ છતાં હજુ સુધી માળખાગત સુવિધા તેના પ્રાઇમરી તબક્કામાં છે, જેના પગલે એવિયેશન કંપનીઓએ જીએસટી લાગુ કરવાની સમય સીમા ૧ જુલાઈના બદલે ૧ સપ્ટેમ્બર સુધી રાખવા સરકારને જણાવ્યું છે.એવિયેશન કંપનીઓનું કહેવંુ છે કે એરલાઈન્સ કંપનીઓને જીએસટી માટે ટિકિટના નિયમો બદલવાની ફરજ પડશે અને તે માટે કંપનીઓએ વધુ સમયની માગ કરી છે. દરમિયાન એરલાઈન્સ કંપનીઓએ સ્ટોક ટ્રાન્સફર માટે કાઉન્સિલને જીએસટીમાં રાહત આપવા પણ માગ કરી છે. એરલાઈન્સ કંપનીઓનું કહેવું છે કે તેમણે વિશ્વના અન્ય દેશો સાથે તથા એરલાઈન્સ કંપનીઓ સાથે આ અંગે કામગીરી કરવાની થતી હોઈ વધુ સમય લાગી શકે છે, જેથી એરલાઈન્સ કંપનીઓએ વધુ સમયની માગ કરી છે.