૧ જુલાઈથી નોટબુક, ઘરેલું એલપીજી, એલ્યુમિનિયમ ફોઈલ, ઇન્સુલિન, અગરપત્તી અને મોટી માત્રામાં રોજીંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ જીએસટી લાગુ થયા બાદ સસ્તી થઇ જશે. નાણાંકીય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, જીએસટી કાઉન્સિલ દ્વારા ઘરેલું ઉપયોગની વસ્તુઓ પર સ્વીકૃત કરવામાં આવેલ વર્તમાનમાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા લગાવવામાં આવી રહેલ સંયુક્ત અપ્રત્યક્ષ કર પહેલાની સરખામણીએ ઘણા જ ઓછા છે. નોંધનીય છે કે, દેશમાં નવો અપ્રત્યક્ષ કર ૧ જુલાઈથી લાગુ થશે, જેમાં વસ્તુઓ પર જીએસટીનાં દરોને જીએસટી કાઉન્સિલથી સ્વીકૃતિ મળ્યા બાદ કેન્દ્રીય અને રાજ્ય સરકાર મળીને નક્કી કરશે.
જે વસ્તુઓમાં વર્તમાન સંયુક્ત અપ્રત્યક્ષ કરથી ઓછુ જીએસટી લગાવવામાં આવ્યું છે, તેમાં મિલ્ક પાઉડર, દહીં, માખણ, પ્રાકૃતિક મધ, ડેરી સ્પ્રેડ, પનીર, મસાલા, ચા, ઘઉં, ચોખા અને મસાલા સામેલ છે.
નવા ટેક્સ હેઠળ પ્લાસ્ટિકનાં તાડપત્રી, સ્કૂલ બેગ, એકસરસાઈઝ બુક, નોટ બુક, પતંગ, બાળકોનાં ફોટો, ડ્રોઈંગ બુક, રેશમી તેમજ ઉનનાં કપડા, કેટલાક પ્રકારનાં સુતરાઉ કપડા અને વિશિષ્ટ રેડીમેડ કપડા, ૫૦૦ રૂપિયાનાં ફૂટવેર અને હેલ્મેટ પર પણ દરોને ઓછા રાખવામાં આવ્યા છે. રાખથી બનેલી ઇંટો, રાખથી બનેલા બ્લોક, ચશ્માં , એલપીજી સ્ટવ, ચમચી, કાંટા, સ્કીમર્સ, કેક સર્વર, ફીશ ચાકુ, ચીપિયા, ટ્રેક્ટરનાં છેલ્લાં ટાયર-ટ્યૂબ અને મશીનરી પર પણ ટેક્સ ઓછો રાખવામાં આવ્યો છે.
રાજ્ય નાણા મંત્રીઓ અને કેન્દ્રીય નાણા મંત્રીની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે મેં અને જૂન દરમિયાન બધી વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી દરોને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કાઉન્સિલ ૧૮ જૂને ઈ-વે નિયમો અને નફાખોરી વિરોધી માનદંડો પર નિયમ બનાવવા માટે બેઠક કરશે.