આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ચીફ અબુ બકર અલ બગદાદી માર્યો ગયો છે. આમ તો આવા દાવા અનેકવાર થયા છે પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે રશિયાના વિદેશ મંત્રાલયના હવાલે આ માહિતી આવી છે. અહેવાલો મુજબ સીરિયાની અંદર રશિયા દ્વારા થયેલા એક હવાઈ હુમલામાં બગદાદી માર્યો ગયો છે. રશિયાના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદન જારી કરીને બગદાદીને માર્યો હોવાનો દાવો કર્યો છે. રશિયન સેનાનું કહેવું છે કે આ હુમલામાં બગદાદી ઉપરાંત આઇએસના અનેક ટોચના કમાન્ડર્સ માર્યા ગયા છે. રશિયન સેના દ્વારા આ બોમ્બવર્ષાની એક તસવીર પણ જારી કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ જ અઠવાડિયે સીરિયાની સરકારી ટીવી ચેનલે પણ બગદાદી માર્યો ગયો હોવાનો અહેવાલ આપ્યો હતો. હવે રશિયાની સેના દ્વારા બગદાદીના માર્યા ગયા હોવાની પુષ્ટિ બગદાદી માર્યા ગયાની પુષ્ટિ થવી એ ખુબ મહત્વનો વિશ્વસનીય સ્ત્રોત ગણાઈ રહ્યો છે. આ માહિતી રશિયાના રક્ષા મંત્રાલયના હવાલે આવી હોવાથી હવે તેમાં તથ્ય હોવાની સંભાવના ઘણી વધી જાય છે.મંત્રાલયના જણાવ્યાં મુજબ રશિયાના એસયુ-૩૪ અને એસયુ-૩૫ વિમાનોએ ઉત્તર સીરિયાના રક્કા શહેર પાસે હવાઈ હુમલા કર્યાં. આ શહેર આઇએસનો મજબુત ગઢ માનવામાં આવે છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ ૨૮ મેના રોજ બગદાદી માર્યો ગયો હતો. રશિયાનું કહેવું છે કે તેમને એવી માહિતી મળી હતી કે આઇએસના ટોચના કમાન્ડર્સની એક ગુપ્ત બેઠક થઈ રહી છે.
રશિયાના વિમાનોએ આ બેઠકને નિશાન બનાવી. રશિયાના જણાવ્યાં મુજબ આ બેઠકમાં બગદાદી પણ હાજર હતો. હવાઈહુમલામાં તેનું મોત થઈ ગયું છે. અત્રે જણાવવાનું કે એક અઠવાડિયા પહેલા જ અમેરિકાના નેતૃત્વમાં કુર્દિશ યોદ્ધાઓની એક જોઈન્ટ ફોર્સે રક્કામાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું.રશિયાના રક્ષા મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું છે કે અમારી પાસે જે જાણકારી છે તેની અનેક સ્તરે અને અનેક રીતે પુષ્ટિ કરવાની કોશિશ થઈ રહી છે. અમારી પાસે ઉપલબ્ધ સૂચના મુજબ આઇએસનો ચીફ ઈબ્રાહિમ અબુ બકર અલ બગદાદી માર્યો ગયો છે. અમે જે બેઠકને નિશાન બનાવી તેમાં બગદાદી પોતે હાજર હતો. બગદાદીએ ૨૦૧૪માં ઈરાકના મોસુલ શહેર પર કબ્જો જમાવીને પોતાને ખલીફા જાહેર કર્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ઈરાકી સેનાએ અમેરિકી ગઠબંધનના નેતૃત્વમાં મોસુલને પાછુ પોતાના કબ્જામાં મેળવવા માટે સૈન્ય કાર્યવાહી કરી હતી.મોસુલના મોટા ભાગના હિસ્સાઓમાંથી હવે આઇએસને ખદેડી દેવાયું છે. પશ્ચિમ મોસુલના એક નાના ભાગને છોડીને ઈરાકમાં હવે આઇએસ પાસે કોઈ જમીન બચી નથી. મોસુલ બાદ આઇએસનો સૌથી મોટો ગઢ સીરિયાનું રક્કા હતું. હવે જ્યારે રશિયાના રક્ષા મંત્રાલયે બગદાદીના માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે ત્યારે ખરા અર્થમાં આઇએસના અસ્તિત્વ મોટો પ્રહાર ગણી શકાશે.
આગળની પોસ્ટ