તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી)ના સાંસદ જે.સી.દીવાકર રેડ્ડી એરપોર્ટ પર મોડા પહોંચતાં હૈદરાબાદ જતા વિમાનમાં એરલાઇન્સ દ્વારા તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેથી તેમણે એરપોર્ટ પર ભારે હંગામો મચાવ્યો હતો. તેમણે એરલાઇન્સના એક કર્મચારીને ધક્કો માર્યો હતો અને એક પ્રિન્ટરને જમીન પર પછાડયું હતું. આ કારણે ૬ એરલાઈન્સે તેમને નો-ફ્લાય લિસ્ટમાં નાખી દીધા છે. હવે તેઓ ઈન્ડિગો, એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ, ગોએર, જેટ એરવેઝ અને વિસ્તારા એરલાઈન્સમાં ટ્રાવેલ નહિ કરી શકે. જોકે, રેડ્ડીએ શુક્રવારે માફી માંગી લીધી હતી.સાંસદ રેડ્ડીને ઇન્ડિગો એરલાઇન્સની ફલાઇટ નં.૬-ઈ-૬૦૮માં પ્રવાસ કરવાનો હતો. આ ફલાઇટ સવારે ૮.૧૦ કલાકે વિશાખાપટ્ટનમ્ એરપોર્ટ પરથી ઉડાન ભરીને હૈદરાબાદ જવાની હતી, પરંતુ તેના નિર્ધારિત ડિપાર્ચર સમય કરતાં તેઓ ચેક-ઇન માટે ૧૫ મિનિટ મોડા પહોંચ્યા હતા અને ઇન્ડિગોએ પોતાનું ચેક-ઇન કાઉન્ટર બંધ કરી દીધું હતું. આથી રોષે ભરાયેલા ટીડીપીના સાંસદ રેડ્ડીએ એરપોર્ટ પર તોડફોડ અને ધમાલ મચાવીને ફર્નિચરને નુકસાન પહોંચાડયું હતું. આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.ઈન્ડિગોએ કહ્યું કે, સાંસદે સ્ટાફ સાથે આક્રમક અને અપનાજનક વર્તન કર્યું છે. એરલાઈન્સતેના માટે જરૂરી કાર્યવાહી કરશે. અમારી સ્ટાફની સેફ્ટી અમારા માટે પહેલા છે. બીજી તરફ રેડ્ડીએ પોતાની સફાઈમાં કહ્યું કે, હું અંદાજે ૭.૩૦ કલાકે કાઉન્ટર પર પહોંચ્યો હતો. સ્ટાફે મને બોર્ડિંગ પાસ આપવાનો ઈન્કાર કર્યો તો મેં તેમને ફક્ત કાઉન્ટરથી બહાર આવવા કહ્યું હતું. મેં કોઈ મેમ્બર સાથે મારપીટ કરી ન હતી. જ્યારે ફ્લાઈટ ઉભી જ હતી, તો તમે ચેક ઈન કરાવી દેવામાં શું વાંધો હતો. ઇન્ડિગો એરલાઇન્સે તેમને એ જ ફલાઇટમાં મોકલ્યા હતા, પરંતુ પાછળથી સાંસદ પર ઇન્ડિગોની ફલાઇટમાં પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાએ પણ તેમના પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગણપતિ રાજુ પણ ટીડીપીના સભ્ય છે. તેમણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.એરલાઈન્સના સૂત્રોએ જણાવ્યું કે,રુલ્સ મુજબ જ્યારે કોઈ વીવીઆઇપી ટ્રાવેલ કરે છે, તો તેમનો પર્સનલ સ્ટાફ પહેલા તેની જાણકારી આપે છે અને બોર્ડિંગ પાસ લઈ લે છે. પરંતુ ગુરુવારે આવી કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. સાંસદ જ્યારે કાઉન્ટર પર પહોંચ્યા તો સ્ટાફે તેમને ક્હયું કે સર તમે લેટ છો. તમારે ડિપાર્ચર સમયથી દોઢ કલાક વહેલા આવવું જોઈતું હતું.
ડિર્પાચરથી ૪૫ મિનીટ પહેલા ચેકઈન બંધ થઈ જાય છે.રેડ્ડી આંધ્રપ્રદેશના અનંતપુરની સીટથી સાંસદ છે. રેડ્ડીએ ગત વર્ષે ઓક્ટોબરમાં વિજયવાડા એરપોર્ટ પર હંગામો કર્યો હતો. તે સમયે પણ તેઓ મોડા પહોંચ્યા હતા અને સ્ટાફ સાથે બદવ્યવહાર કર્યો હતો.
આગળની પોસ્ટ