રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં દાવપેચ જારી છે. શુક્રવારે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પર સર્વસંમતિ બનાવવા માટે ભાજપ નેતા રાજનાથસિંહ અને વેંકૈયા નાયડુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યાં. જોકે ઉમેદવારના નામ અંગેના સૌથી મહત્વના સવાલ ઉપર જ વાત આગળ ન વધી શકી. હાલ સરકાર અને વિપક્ષ બંનેએ આ મુદ્દે પોતાના પત્તા ખોલ્યાં નથી.
રાજનાથ-નાયડુની સોનિયા ગાંધી સાથેની મુલાકાત અંગે વાત કરતા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિપદ માટે કોઇ નામ ન કહ્યું. ઉલટું અમારી પાસેથી જ નામ જાણવાની કોશિશ કરી. આઝાદે કહ્યું કે અમને અપેક્ષા હતી કે તેઓ નામ જણાવશે કે જેથી કરીને તેના વિશે ચર્ચા થઇ શકે. પરંતુ સરકાર તરફથી કોઇ નામ ન આવ્યું.
ભાજપના નેતાઓએ કહ્યું કે તેમણે આ અંગે કોઇ અંતિમ નિર્ણય લીધો નથી જ્યાં સુધી અમારી સામે કોઇ નામ ન આવે ત્યાં સુધી ઉમેદવાર અંગે ચર્ચા કે સહયોગ કરવાનો સવાલ જ નથી.
રાષ્ટ્રપતિ ઉમેદવારના નામને લઇને કોંગ્રેસ ખુદ મુંઝવણમાં છે. મલ્લિકાર્જુન ખડગેને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ તરફથી ભાજપને કોઇ ઉમેદવારનું નામ સૂચવવામાં આવ્યું છે કે કેમ તો તેના જવાબમાં તેમણે કોઇ સ્પષ્ટ જવાબ ન આપ્યો. ખડગેએ કહ્યું કે વિપક્ષી દળો સાથે મળીને ઉમેદવારના નામ અંગે નિર્ણય કરશે. વિપક્ષી પાર્ટીઓ પોતાની રણનીતિ પર નિર્ણય કર્યા અગાઉ એનડીએના ઉમેદવારીની જાહેરાતની રાહ જોઇ રહી છે.
પાછલી પોસ્ટ