૨૮ વર્ષ જૂના ટ્રિપલ મર્ડર કેસમાં આરજેડીના નેતા અને પૂર્વ સાંસદ મોહંમદ શાહબુદ્દીનને સ્થાનિક અદાલત તરફથી આજે મોટી રાહત મળી ગઈ હતી. સોમવારના દિવસે જમશેદપુરની કોર્ટે આ હત્યાકાંડમાં આરોપી શહાબુદ્દીનને નિર્દોષ જાહેર કર્યા હતા. ૨૮ વર્ષ પહેલા કોંગ્રેસી નેતા પ્રદિપ મિશ્રા સહિત ત્રણ લોકોને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં શાહબુદ્દીનનું નામ એ શૂટર તરીકે આવ્યું હતું જે શખ્સે વિસ્તારના દબંગ સાહેબસિંહે રોક્યા હતા. તિહાર જેલમાં રહેલા શાહબુદ્દીનની આ મામલામાં ત્રીજી એપ્રિલના દિવસે વીડિયો કોન્ફરન્સીંગ મારફતે હાજરી થઈ હતી. ૧૫ મિનિટની આ હાજરીમાં તેઓ એડીજે અજીતકુમારની કોર્ટની સામે ઉપÂસ્થત રહ્યા હતા. આ હત્યાકાંડમાં તેમનું નિવેદન પણ ઓનલાઈન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. નિવેદનમાં શાહબુદ્દીને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. હત્યાકાંડમાં જાન ગુમાવી દેનાર યુવા કોંગ્રેસના તત્કાલિન જિલ્લા અધ્યક્ષ પ્રદિપ મિશ્રાના પરિવારના સભ્યોએ કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું છે કે મામલામાં છેલ્લા ૨૫ વર્ષમાં ક્યારેય પણ મુખ્ય સાક્ષી બરમેશ્વર પાઠકની જુબાની લેવામાં આવી નથી. જેના લીધે શાહબુદ્દીનને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. અત્રે નોંધનિય છે કે બીજી ફેબ્રુઆરીના ૧૯૮૯ની સાંજે જુગલસરાઈમાં ટાટા સ્ટીલ પાવર હાઉસની પાસે પ્રદિપ મિશ્રા સહિત જનાર્દન ચૌબે અને આનંદ રાવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
આને જુગલસરાઈ હત્યાકાંડના નામથી પણ ઓળખવામાં આવે છે. મામલામાં શહાબુદ્દીન સહિત આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આમાંથી ત્રણના ટ્રાયલ દરમિયાન મોત થયા હતા. ચારને ૨૦૦૬માં નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. શાહબુદ્દીન સામે અલગ રીતે ટ્રાયલ ચલાવાઈ હતી કારણ કે વર્ષો સુધી અનેક વખત સમન્સ છતાં શાહબુદ્દીનને કોર્ટમાં રજુ કરાયા ન હતા.