Aapnu Gujarat
Uncategorized

તાલાળા ખાતે રૂા ૪ કરોડનાં ખર્ચે સાકાર થયેલ આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું લોકાર્પણ

કેસર કેરી માટે વિશ્વ પ્રસિધ્ધ તાલાળાનાં આંગણે ૫૦ વિઘા જમીનમાં રૂા ૪ કરોડનાં ખર્ચે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું આજે કેન્દ્રીય કૃષિ અને પંચાયતીરાજ મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલાએ ઇઝરાયેલનાં એમ્બેસેડર ડેનિયલ કાર્મોન ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.ઇઝરાયેલનાં તાંત્રીક સહયોગથી કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ સેન્ટર ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ કહ્યું કે, આજે ઇઝરાયેલની ટેકનોલોજી તાલાળાનાં પાદરે આવી છે તેનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. આંબાનાં બગીચાનાં નવીનીકરણ તેનાં ઉત્પાદન, માર્કેટીંગનાં પ્રશ્નોનાં ઉકેલ માટે આ સેન્ટર સહયોગી બનશે તેમ જણાવી રૂપાલાએ કહ્યું કે, હવે તાલાળાની કેસર કેરી સાથે કચ્છની કેરીની સ્પર્ધા છે. આ સ્પર્ધાને પહોંચી વળવા અહિંના ખેડૂતોએ કમરકસવાની છે.

ખેડૂતોના પ્રશ્નો માટે વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ છે, તેમ જણાવી શ્રી રૂપાલાએ કહ્યું કે, ખેડૂતોની તુવેર અને મગફળી ટેકાનાં ભાવે ખરીદવા કેન્દ્ર સરકાર દ્વારા રૂા ૧૮૦૦ કરોડ આપવામાં આવ્યા હતા. આ વિસ્તારનાં ખેડૂતોના ખેતી વન વિભાગનાં પ્રશ્નોથી પુરી રીતે વાકેફ છીએ. ઇકોઝોન સહિતની આ વિસ્તારની માગણીમાં અમારી લાગણી ઉમેરી યોગ્ય નિરાકરણ આવશે તેવી હૈયાધારણા શ્રી રૂપાલાએ આપી હતી. ખેડૂતોને પાણીનો બચાવ કરવા આહવાન કરી રૂપાલાએ કહ્યું કે, હવે ધોરીયા કે રેડ પધ્ધતીને તીલાંજલી આપી ટપક સિંચાઇ અપનાવ્યા વગર છુટકો નથી જેનાથી ખેત ઉત્પાદન વધશે ખેતી ખર્ચ ઘટશે.
કેમ છો ? તેવા શબ્દોથી સૈાનું અભિવાદન ઝીલી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઇઝરાયેલનાં એમ્બેસેડર ડેનીયલ કાર્મોને કહ્યું કે, ટેકોનોલોજીનાં માધ્યમથી ખેડૂતો સાથે જોડાવાનું અમારા માટે ગૈારવપ્રદ છે. ખેડુતો, ખેતી અને સેન્ટરનાં વિકાસમાં ઇઝરાયેલ પુરો સહયોગ આપશે. તેમણે આ તકે મંત્રીશ્રી સહિત વરિષ્ડ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
આ પ્રસંગે બાગાયત વિભાગ આયોજીત ફળ પાક પ્રદર્શન મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું. લોકાર્પણ સમારોહમાં કૃષિ સચિવશ્રી સંજય પ્રસાદ, ખેતી નિયામકશ્રી મોદી, બાગાયત નિયામકશ્રી ડો.આર.એ.શેરસીયા, પ્રવાસન નિગમનાં ડીરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી મહેન્દ્રભાઇ પીઠીયા, શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા કલેકટર ડો.અજયકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા, જિલ્લા પોલીસ વડાશ્રી હિતેશ જોઇસર, સહિત ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે તાલાળાનાં ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પરમારે સૈાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલ આંબા પાકની ચોકસાઇ પૂર્વકની ખેતી પુસ્તિકાનું ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વીમોચન કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી તથા ઇઝરાયેલનાં રાજદુતનાં હસ્તે પ્રગતિશીલ ખેડૂત રાજુ કામાણી અને સંજય વાગડીયાનું સન્માન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવાં બાગાયત વિભાનાં અધિકારીશ્રી કાસુન્દ્રા, શ્રી ગઢિયા, શ્રી લાડાણી, શ્રી કરમુર શ્રી મોરી સહિતનાં અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

ગીર-સોમનાથ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૭૩૭ કેસોનો નિકાલ કરાયો

aapnugujarat

પાણીના અભાવે કેરીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો બેહાલ

aapnugujarat

દિયોદર DYSP તેમજ PSI નું કરવામાં આવ્યું સન્માન

editor

Leave a Comment

UA-96247877-1