બર્મિંગ્હામમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં ભારતે આજે બાંગ્લાદેશ ઉપર રોમાંચક જીત મેળવીને ફાઇનલમાં આગેકૂચ કરી લીધી હતી. બાંગ્લાદેશના ૨૬૪ સામે ભારતે એક વિકેટે ૨૬૫ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા અણનમ ૧૨૩ રન અને વિરાટ કોહલી ૯૬ રન કરીને અણનમ રહ્યો હતો. હવે ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની ટક્કર થશે. ભારતે લીગ તબક્કાની પોતાની પ્રથમ મેચમાં જ પાકિસ્તાનને કારમી હાર આપી હતી. તે જોતા હવે ભારતીય ટીમ ફરી હોટફેવરિટ બની છે. આજે રોહિત શર્માએ જોરદાર રમત રમીને સદી ફટકારી હતી. આ ઉપરાંત શિખર ધવન અને વિરાટ કોહલી પણ છવાયેલા રહ્યા હતા. રોહિત શર્માની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. બીજી બાજુ વિરાટ કોહલી પણ જોરદાર ફોર્મમાં દેખાયો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાએ તામીમ ઇકબાલના ૭૦ રનની મદદથી ૨૬૪ રન બનાવ્યા હતા. ભારતે સરળતાથી આ રન બનાવી લીધા હતા. બર્મિગ્હામના મેદાન પર ધારણા પ્રમાણે હાઉસફુલની સ્થિતી જોવા મળી હતી. ભારતીય ચાહકો રોમાંચિત જોવા મળ્યા હતા.
ભારતીય બેટ્સમેનોની ચોગ્ગાની રમઝટ જોવા મળી હતી. ભારતે પોતાની ગ્રુપની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા ઉપર શાનદાર જીત મેળવી લીધા બાદ કરોડો ચાહકોમાં પહેલાથી જ નવી આશા જાગી છે. ભારતીય ટીમ ફરી એકવાર હોટફેવરીટ બની ગઇ છે. છેલ્લી લીગ મેચમાં આફ્રિકા સામે જીતવા માટેના ૧૯૨ રન ભારતે ૩૮ ઓવરમાં બે વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. વિરાટ કોહલી ૭૬ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો જ્યારે શિખર ધવન ૭૮ રન કરીને આઉટ થયો હતો. આ જીતની સાથે જ ભારતે સેમિફાઇનલમાં આગેકૂચ કરી લીધી હતી. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાન ઉપર જીત મેળવી હતી. બીજી મેચ હારી ગયા બાદ આફ્રિકા સામે જીત મેળવી હતી. ભારતે પોતાની ગ્રુપ બીની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા ઉપર સરળ જીત મેળવી હતી. અગાઉ ૮મી જૂનના દિવસે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ બીની એક હાઇ સ્કોરિંગ મેચમાં શ્રીલંકાએ હોટફેવરીટ ભારત પર સાત વિકેટે જીત મેળવીને કરોડો ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. શ્રીલંકા સામે ભારતે ૩૨૧ રન બનાવ્યા હોવા છતાં શ્રીલંકાએ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આ રન બનાવી દીધા હતા. જેથી તેની જીત થઇ હતી.
પાછલી પોસ્ટ