ચૂંટણી પહેલા આપેલા વચનને ધ્યાને લઈ ઉત્તર પ્રદેશની યોગી સરકારને રાજ્યના નાના ખેડૂતોને લોન માફી કરવાની જાહેરાત કરવી પડી હતી. હાલમાં ઉગ્ર બનેલા ખેડૂત આંદોલનો બાદ મહારાષ્ટ્રની ફડણવીસ સરકારને ખેડૂતોની લોન માફી જાહેર કરવાની ફરજ પડી છે. તો મધ્ય પ્રદેશમાં ખેડૂત આંદોલન હિંસક થયું હોવા છતાંય હજુ લોન માફીની કોઈ જાહેરાત શિવરાજ સિંહની સરકારે કરી નથી. ઉત્તર પ્રદેશ બાદ લોન માફીને લઈને ખેડૂતો જે રાજ્યોમાં ઉગ્ર દેખાવો કરી રહ્યા છે તે તમામ બીજેપી શાસિત રાજ્ય છે.
ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનના બ્યૂગલ વાગી રહ્યા છે. ચૂંટણીના વર્ષમાં રુપાણી સરકારને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડી શકે તેમ છે.ઉત્તર પ્રદેશ બાદ જ્યારે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી ત્યારે કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ સ્પષ્ટતા કરી કે કેન્દ્ર રાજ્યને તેમાં કોઈ આર્થિક સહાય નહીં આપે. રાજ્યએ પોતે જ તેની વ્યવસ્થા કરવાની રહેશે.બીજી તરફ, ખેડૂત આંદોલનને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને સરકારને ઘેરવામાં લાગેલી કોંગ્રેસ વારંવાર યૂપીએ સરકાર દરમિયાન ૭૨,૦૦૦ કરોડ રૂપિયાની દેવું માફીનો હવાલો આપતું રહ્યું છે.કોંગ્રેસ એવું પૂછી રહી છે કે, જ્યારે મોદીજી સરકાર કારોબારીઓનું ૧.૪૦ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી શકતી હોય તો પછી ખેડૂતોના દેવા માફી કેમ ન હોઈ શકે.
ઇન્કમ ટેક્સ વિભાગના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૪-૧૫માં સૌથી વધુ ૩૯.૯% ટેક્સ ભરનારું રાજ્ય મહારાષ્ટ્ર છે. તેમ છતાંય મોદી સરકાર પોતાની જ પાર્ટીના શાસન ધરાવતા રાજ્યને નાણાકિય સહાય આપવાનો ઇન્કાર કરી રહી છે.૨૦૧૪-૧૫માં મહારાષ્ટ્રે ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે કેન્દ્રને ૨.૨૭ લાખ કરોડ રૂપિયા આપ્યા છે જેની સામે માત્ર ૩૦,૦૦૦ કરોડની ખેડૂત દેવા માફીની રકમ ખૂબ જ નાની છે.ગુજરાતના ખેડૂતો પણ દેવા માફીને લઈને આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે.રાજ્યના ખેડૂત સંગઠન દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે, જ્યારે કોંગેસ ૧૬મી જુનથી ખેડૂતોના દેવા માફ કરવા દેખાવો ચાલું કરી દેશે.
કૃષિ મંત્રી ચીમન શાપરીયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતોનું દેવું ૩૦ હજાર ૩૫ હજાર કરોડ જેટલું હશે.અર્થશાસ્ત્રી પ્રો. હેમંત શાહે જણાવ્યું હતું કે જો રાજ્યના ખેડૂતોનું દેવું ૨૦ હજાર કરોડ જેટલું હોય અને તે બજેટના ૮% જેટલું હોય તો તો તે માફ કરવામાં રાજ્ય સરકારને પેટમાં શું દુઃખે છે.
મહત્વપૂર્ણ છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેથી બીજેપી ખેડૂતોના ગુસ્સાનો શિકાર ન બને તેની તકેદારી રાખવાનું જ યોગ્ય માનશે તેવું રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ