ભારતના દિગ્ગજ ડિફેન્ડર રુપિન્દરપાલસિંહ અને મિડફિલ્ડર એસ.કે.ઉથપ્પા ૧૫ જૂનથી લંડનમાં રમાનાર હીરો હોકી વર્લ્ડ લીગ સેમીફાઇનલ ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે.
આ ટૂર્નામેન્ટમાં ભારત પોતાની પ્રથમ મેચ ૧૫ જૂને સ્કોટલેન્ડ સાથે રમશે. રુપિન્દર પાલ સિંહ સ્નાયુઓ ખેંચાવાની સમસ્યાના કારણે આ ટૂર્નામેન્ટમાં સામેલ થયો નથી. જ્યારે ઉથપ્પા પારિવારિક સમસ્યાના કારણે ટીમની બહાર થયો છે.હોકી ઇન્ડિયાએ બુધવારે આ બંને ખેલાડીઓ બહાર થયાની પૃષ્ટિ કરી હતી.
રુપિન્દરના સ્થાન પર ડિફેન્ડર જસડીત સિંહ કુલારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે સુમિતને મિડફિલ્ડર ઉથપ્પાના સ્થાન પર ટીમમાં સ્થાન મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, કુલારે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે ૪૬ મેચ રમી છે અને તેના નામે પાંચ ગોલ છે. આ વર્ષે ૨૬મા અઝલાન શાહ કપ ટૂર્નામેન્ટમાં ભારતની સીનિયર ટીમમાં પદાર્પણ કરનાર સુમિતે ગત વર્ષે જૂનિયર પુરુષ ટીમની સાથે વિશ્વ કપ જીત્યો હતો.