ટોચના આરબ દેશોએ ઈંધણ સમૃદ્ધ દેશ કતાર સાથે રાજકીય સંબંધો તોડી નાખ્યા છે. કતાર મુદ્દે પાકિસ્તાન તેનું વલણ સ્પષ્ટ કરે તેમ સાઉદી અરબ ઈચ્છે છે. સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાઉદી અરબના રાજા સલમાનની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાઉદીના રાજાએ શરીફને સ્પષ્ટ પૂછ્યું હતું કે શું તમે અમારી સાથે છો કે કતાર સાથે? ઉલ્લેખનીય છે કે શરીફ કતાર સંકટનું રાજદ્વારી સમાધાન આવે તે ઉદ્દેશથી ગલ્ફ દેશની મુલાકાતે ગયા હતા.અહેવાલો મુજબ જેદ્દામાં શરીફ અને શાહની મુલાકાત થઈ હતી જેમાં તેમણે પાક કોની સાથે છે તેવો સીધો પ્રશ્ન પૂછ્યો હતો. સાઉદી પ્રિન્સ ઈચ્છે છે કે પાક. તેનું વલણ સ્પષ્ટ કરે. અહેવાલમાં જણાવ્યા મુજબ જ્યારે રિયાધે ઈસ્લામાબાદને પૂછ્યું કે તમે અમારી સાથે છો કે કતાર સાથે, ત્યારે પાકિસ્તાને સાઉદી અરબને વળતા જવાબમાં કહ્યું કે પશ્ચિમ એશિયામાં વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે પાકિસ્તાન કોઈ એકનો પક્ષ નહીં લે. કતાર સાથે સાઉદી તેમજ અન્ય ગલ્ફ દેશોએ રાજકીય સંબંધનો અંત આણ્યો છે ત્યારથી પાક ખુબજ કાળજીપૂર્વક પગલું ભરી રહ્યું છે.
સાઉદી અરબ સહિત ગલ્ફ દેશોનો એવો આક્ષેપ છે કે તેલ સમૃદ્ધ કતાર આતંકી જૂથનોનું સમર્થન પુરું પાડે છે. જોકે અહેવાલ મુજબ સાઉદી અરબ પાક.નો સાથ ઈચ્છે છે. જેદ્દામાં વૈભવી પેલેસમાં શરીફ અને સાઉદી પ્રિન્સ વચ્ચે વાટાઘાટ થઈ હતી. આ ઘટના પર નજર રાખી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ જગતમાં મતભેદ સર્જે તેવી કોઈ પણ ઘટનામાં કોઈ એક દેશનો પક્ષ લેશે નહીં તેમ છતાં સાઉદીને અરબને મનાવવા માટે પાકિસ્તાન કતાર પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને શાંતિ માટે રજૂઆત કરી શકે છે. એક અધિકારીના જણાવ્યા મુજબ જેદ્દામાં શરીફે પ્રિન્સ સલમાન સાથે મુલાકાતમાં ગલ્ફમાં મુસ્લિમોના હિત માટે ચાલી રહેલી સમસ્યા મુદ્દે વહેલી તકે સમાધાનની માગ કરી હતી. સાઉદીના પ્રિન્સે શરીફને જણાવ્યું હતું કે કટ્ટરવાદ અને આતંકવાદ વિરુદ્ધની લડાઈ તમામ મુસ્લિમોના હિતમાં છે.