એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુંબઈની કોર્ટમાં શરાબ કારોબારી વિજય માલ્યા સામે આજે ચાર્જશીટ દાખલ કરી હતી. મંગળવારના દિવસે મુંબઈની અદાલત દ્વારા વિજય માલ્યાને જામીન આપી દેવામાં આવ્યા હતા. લંડનની અદાલતમાં છઠ્ઠી જુલાઈના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તેમની સામે દાખલ કરવામાં આવેલી પ્રત્યાર્પણ ફરિયાદના મામલામાં સુનાવણી છઠ્ઠી જુલાઈના દિવસે થનાર છે. મંગળવારના દિવસે કોર્ટમાંથી બહાર આવ્યા બાદ વિજય માલ્યાએ કહ્યું હતું કે, અબજો પાઉન્ડ સ્વપ્ન જોઇ શકાય છે પરંતુ તેના કોઇ પુરાવા નથી. કોઇપણ વાસ્તવિકતા નથી. હકીકત વગર કોઇપણ બાબત સાબિત થઇ શકે તેમ નથી. વિજય માલ્યા ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જંગી દેવું થઇ ગયા બાદ વિજય માલ્યા બ્રિટન ફરાર થઇ ગયા હતા. વિજય માલ્યાને ભારત લાવવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. પ્રત્યાર્પણની સુનાવણી પહેલા મિડિયા સાથે વાતચીતમાં માલ્યાએ કહ્યું હતું કે, તેઓ તમામ આક્ષેપોન રદિયો આપે છે. કોર્ટમાં કેસ સાબિત કરવા માટે અનેક પુરાવા રહેલા છે. બ્રિટનમાં ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ દ્વારા ભારત તરફથી પ્રત્યાર્પણ કેસ માટે દલીલો કરવામાં આવી હતી. સીબીઆઈ અને ઇડીની સંયુક્ત ટીમ ગયા મહિને જ બ્રિટન પહોંચી હતી અને ક્રાઉનમાં કેસમાં દસ્તાવેજો રજૂ કર્યા હતા.
માલ્યા ઉપર ભારતીય બેંકોની ૯૦૦૦ કરોડનું દેવું છે. ૧૮મી એપ્રિલના દિવસે તેમને ભાગેડુ જાહેર કરાયા હતા. ૮મી ફેબ્રુઆરીના દિવસે તેમના માટે વિધિવતરીતે પ્રત્યાર્પણ વિનંતી કરવામાં આવી હતી. ૬૧ વર્ષીય વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ નિષ્ક્રિય બની ચુકી છે. માલ્યા ગયા વર્ષે બીજી માર્ચના દિવસે ભારતમાંથી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદથી બ્રિટનમાં જ રહે છે. વિજય માલ્યા ઉપર સકંજો દિન પ્રતિદિન મજબૂત કરવામાં આવી રહ્યો છે.