Aapnu Gujarat
ગુજરાત

શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રાયોગિક આરંભ : પાંચ શહેરોના 6 કડિયાનાકાઓ પર 2460 બાંધકામ શ્રમિકોને મળ્યો ભોજનનો લાભ

રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી અને ગરીબલક્ષી એવી રાજ્યના બાંધકામ શ્રમિકોને રૂ. 10/-માં પૌષ્ટિક ભોજન પુરૂ પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રાયોગિક આરંભ આજે રાજ્યના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના 6 કડિયાનાકાઓ પર સવારે 7:30 કલાકે શુભારંભ થયો ત્યારે અમદાવાદના અખબારનગર કડિયાનાકા ખાતે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ ડો. અનિલ પટેલે અને ગાંધીનગર ઘ-2 કડિયાનાકા ખાતે રાજ્યના શ્રમ રોજગાર વિભાગના અગ્ર સચિવશ્રી રાજીવકુમાર ગુપ્તાએ બાંધકામ શ્રમિકોની વચ્ચે ઉપસ્થિત રહી, સમગ્ર ભોજન વિતરણ વ્યવસ્થા નિહાળી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

બાંધકામ બોર્ડના અધ્યક્ષ ડો. અનિલ પટેલે રાજ્યના શ્રમિક વર્ગના કલ્યાણને વરેલી રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોને રૂ. 10/-માં પૌષ્ટિક ભોજન પુરૂ પાડવાની યોજનાને, શ્રમિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આવનાર દિવસોમાં રાજ્યના તમામ કડીયાનાકાઓ પર તમામ બાંધકામ શ્રમિકોને એમાં આવરી લેવાની નેમ વ્યક્ત કરી હતી. આજે ઉપસ્થિત બાંધકામ બોર્ડના ડિરેક્ટરશ્રી મનોજભાઈ જોષીએ પણ કડિયાનાકાઓ પરની વ્યવસ્થા અને ભોજન વિતરણનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં, બાંધકામ બોર્ડના અધ્યક્ષશ્રી ડો. અનિલ પટેલએ અમદાવાદ ખાતેના અખબારનગર કડીયાનાકાએ ઉપસ્થિત બાંધકામ શ્રમિકોના ગ્રુપ સાથે શ્રમિક અન્નપૂર્ણા યોજના તથા બોર્ડની વિવિધ યોજનાકીય વિશે સંવાદ કર્યો હતો.

ગાંધીનગર ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ની કામગીરીનું પ્રત્યક્ષ દર્શન કરીને શ્રમ રોજગાર વિભાગના અગ્ર સચિવશ્રી રાજીવકુમાર ગુપ્તાએ પણ બાંધકામ શ્રમિકોને પીરસાતા ભોજન અને અહીં ગોઠવાયેલી વ્યવસ્થા નિહાળી આવનાર દિવસોમાં જ્યારે આ યોજનાનો વ્યાપ રાજ્ય સ્તરે વિસ્તરવાનો છે ત્યારે વધુ ચિવટ, ફરજનિષ્ઠા અને સખત પરિશ્રમ સાથે કામ કરવા, ઉપસ્થિત અધિકારી – કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.

ગાંધીનગર કડિયાનાકા ખાતે શ્રમ રોજગાર વિભાગના નાયબ સચિવશ્રી આર.એચ. વસાવા, એડિશનલ લેબર કમિશ્નરશ્રી બી.એન. વણઝારિયા, નાયબ લેબર કમિશ્નર શ્રી એમ.એચ. કારિયા જ્યારે અમદાવાદના અખબારનગર કડિયાનાકા ખાતે બાંધકામ બોર્ડના સચિવશ્રી આર.કે. પરમાર અને સુખરામનગર કડિયાનાકા ખાતે હિસાબી અધિકારી શ્રી હિતેષ રાહુલ, આઈ.ટી.આઈ.-મણીનગરના પ્રિન્સિપાલ શ્રી એન.આર. પરીખ, એનકોડના શ્રી પંકજ ગુપ્તાએ ઉપસ્થિત રહી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના પ્રથમ દિવસનું સંપૂર્ણ મોનીટરીંગ સંભાળ્યુ હતું

આજે સુરત ગોત્રી કડિયાનાકા ખાતે બાંધકામ બોર્ડના ડિરેક્ટરશ્રી દિપનભાઈ દેસાઈએ અને રાજકોટના રૈયા ચોકડી કડીયાનાકા ખાતે લેબર કમિશ્નર શ્રી એમ.એ. ગાંધીએ ઉપસ્થિત રહી આ યોજનાના પ્રાયોગિક શુભારંભનું સંપૂર્ણ મોનીટરીંગ સંભાળ્યું હતું.

ઉલ્લખનીય છે કે, બાંધકામ શ્રમિકોની સેવાને સમર્પિત રાજ્ય સરકાર દ્વારા, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમથી તેના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને પ્રતિ રોજ સવારના 7:30થી 10:30 કલાક દરમિયાન રોટલી/થેપલા, મીક્ષ શાક, અથાણું/ચટણી, લીલા મરચાં (અને સપ્તાહે એકવાર સુખડી) માત્ર રૂ. 10/-માં કડિયાનાકાઓ પરથી શ્રમજીવીઓને તેમના ટિફિનમાં આપવાની યોજનાનો આજે પ્રાયોગીક આરંભ થયો છે, જેને બાંધકામ શ્રમિકોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. રાજ્યના 74 કડિયાનાકાઓ પર ટુંકમાં અમલી બનનાર શ્રમિક અન્નપૂર્ણા યોજનાના આજના પ્રાયોગિક આરંભમાં શ્રમ રોજગાર વિભાગ, બાંધકામ બોર્ડ, લેબર કમિશ્નર કચેરી, તમામ મહાનગર પાલિકાઓ અને પોલીસ તંત્ર સ્થાનિક વહીવટી તંત્રે ખડે પગે સેવા બજાવી હતી.

Related posts

કાશ્મીરમાં જતાં ગુજરાતના પ્રવાસીની સંખ્યા ૪૦ ટકા

aapnugujarat

રાજ્યમાં ભીષણ ગરમી પડવાની કરાઈ આગાહી

aapnugujarat

ભાજપે ગુજરાતમાં ચાર ઉમેદવાર જાહેર કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1