પોતાના દમદાર અને મધુર અવાજથી પોતાની અલગ ઓળખ બનાવનાર સિંગર આશા ભોસલેનું મીણનું પૂતળું હવે દિલ્હીમાં બનવા જઈ રહ્યું છે. લંડનની માફક દિલ્હીમાં આકાર લેનાર મેડમ તુસાદના મ્યુઝિયમમાં હવે બોલિવૂડના નામી એક્ટર-એક્ટ્રેસિસ અને સિંગરનાં મીણનાં પૂતળાં બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ મ્યુઝિયમમાં સૌપ્રથમ જે હસ્તીનું પૂતળું મુકાવા જઈ રહ્યું છે એ છે સિંગર આશા ભોસલે.આ કારણે આશાતાઈ બહુ ઉત્સાહમાં જણાઈ રહ્યાં છે. તેઓ એ વાત જાણીને બહુ ખુશ છે કે વેક્સ મ્યુઝિયમમાં તેમનું પૂતળું મુકાવા જઈ રહ્યું છે. એ વાત જાણીને તેમને વધારે ખુશી થઈ રહી છે કે આ મ્યુઝિયમમાં સૌપ્રથમ તેમનું પૂતળું મુકાવાનું છે. આ વાત જાણ્યા પછી સિંગર આશા ભોસલેએ મેડમ તુસાદની ટીમનો આભાર માન્યો છે. એટલું જ નહીં, આશાતાઈ આ સમયે પોતાના ફેન્સને ભૂલ્યાં નહોતાં, તેમણે પોતાના ફેન્સને પણ થેન્ક યુ કહ્યું હતું.બોલિવૂડની વર્સેટાઇલ ગાયિકા આશા ભોસલેના મીણના પૂતળાને ભારત પહેલાં લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાન મળી ગયું હતું. પહેલી વાર ભારતના દિલ્હીમાં મેડમ તુસાદનું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. એ દરમિયાન મેડમ તુસાદની એક્સપર્ટ ટીમ આશા ભોંસલેને મળી હતી. આશાએ ટીમને ધન્યવાદ આપ્યા એ સાથે પોતાના ફેન્સને પણ આટલો પ્રેમ કરવા માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે હું મારા એ પૂતળાને મળવા માટે ઉત્તેજિત છું.
આશા ભોસલેએ પોતાની કરિયરમાં દિગ્ગજ મ્યુઝિક ડાયરેક્ટર અને કમ્પોઝર સાથે કામ કર્યું છે.
આશા ભોસલે હિન્દી ફિલ્મોની જાણીતી સિંગર લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની દીકરી છે. આશાએ પોતાની કરિયરમાં અત્યાર સુધીમાં લગભગ ૧૬ હજાર ગીતો ગાયાં છે. હિન્દી સિવાય તેમણે મરાઠી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, તામિલ, મલયાલમ, અંગ્રેજી અને રુસી ભાષામાં પણ અનેક ગીતો ગાયાં છે. આશા ભોસલેએ પ્રથમ ગીત ૧૯૪૮માં સાવન આયા ફિલ્મ ચુનરિયામાં ગાયું હતું. આશા એક વર્સેટાઇલ સિંગર છે. તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પોપ સંગીત દરેક ક્ષેત્રમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે. આશાએ આર. ડી. બર્મન સાથે લગ્ન કર્યાં હતાં.