કતાર અને અન્ય ખાડી દેશો વચ્ચેનો વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. આ સાથે કતારના લોકો પણ કોઈને પણ તાબે થવા તૈયાર નથી. કતારવાસીઓના આ ખમીરને પગલે એક સ્થાનિક વેપારીએ વિમાનમાં ચાર હજાર ગાય કતાર પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. બિઝનેસમેનનો આશય કતારમાં તાજા દૂધના પુરવઠાને જાળવી રાખવાનો છે. સાત અરબ દેશોએ કતાર સાથેના સંબંધો કાપી નાખ્યા પછી સ્થાનિક પ્રજા સરકારની વહારે દોડી આવી છે. કતાર વિશ્વનો સૌથી ધનિક દેશ છે. આ દેશમાં કુદરતી ગેસનો વિપુલ ભંડાર છે.
અનાજ તથા દૂધ જેવી ઘરેલુ વપરાશની જરૂરિયાતો માટે કતાર માટે ભાગે સાઉદી અરબ પર નિર્ભર હતો. સાઉદી અરબે વેપારી સંબંધો કાપી નાખતા કતારમાં તાજા દૂધની અછત સર્જાઈ છે. પરિસ્થિતિ હળવી બનાવવા માટે કતારના બિઝનેસમેન મોતાજ અલ ખયાતે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી ખરીદીને ચાર હજાર ગાયોને વિમાનમાં દોહા લઈ આવવાનો નિર્ણય કર્યો છે. મોતાજ પાવર ઈન્ટરનેશનલ હોલ્ડિંગના ચેરમેન છે.ગાયોને લઈ આવવા માટે કતાર એરવેઝે ૬૦ વિમાની ઉડ્ડયનો ભરવા પડશે. એક તંદુરસ્ત ગાયનું વજન ૫૯૦ કિલો જેટલું હોય છે.મોતાજે જણાવ્યું હતું કે દેશ માટે કાંઈક કરવાનો સમય પાકી ગયો છે. કતારમાં ગાયો લાવી તેમની સારસંભાળ અને દેખભાળ તથા તેમને રાખવા અંગે બધી જ તૈયારી પૂરી થઈ ગઈ છે. જૂનના અંત સુધીમાં કતારમાં તાજા દૂધનું ઉત્પાદન શરૂ થઈ જશે. કતાર સરકારે ૨૦૩૦ સુધીમાં ખાધાન્ન મુદ્દે આત્મનિર્ભર બનવાની યોજના બનાવી છે